પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ભારત-જર્મનીની મિત્રતાના નવા અધ્યાય લખાયા છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ (Friedrich Merz) સાથે PM મોદીએ સાબરમતી આશ્રમ, પતંગ મહોત્સવ અને હેરિટેજ પોળની મુલાકાત લીધી હતી.
સાબરમતી આશ્રમ અને પતંગ મહોત્સવની મુલાકાત
આજે સવારે બંને નેતાઓએ ગાંધી આશ્રમ (Gandhi Ashram) ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival) માં બંને નેતાઓએ ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. PM મોદીએ ચાન્સેલર મર્ઝને પતંગનો ઇતિહાસ અને અમદાવાદની હેરિટેજ પોળની સંસ્કૃતિ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક: $50 બિલિયનનો વેપાર
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ જણાવ્યું કે, ભારત અને જર્મની વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર (Bilateral Trade) 50 બિલિયન ડોલર ને પાર કરી ગયો છે.
બેઠકના મુખ્ય મુદ્દાઓ:
-
સેન્ટર ઓફ એક્સલન્સ: ટેકનોલોજી અને ઇનોવેશન માટે ‘ઇન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ’ (Center of Excellence) સ્થપાશે.
-
વિઝા ફ્રી ટ્રાન્ઝિટ: ભારતીય નાગરિકો માટે જર્મનીએ વિઝા ફ્રી ટ્રાન્ઝિટ (Visa-Free Transit) ની સુવિધા જાહેર કરી છે.
-
હેલ્થકેર સહયોગ: ગ્લોબલ સ્કિલ્સ પાર્ટનરશિપ હેઠળ ભારતીય હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે જર્મનીમાં રોજગારીની તકો સરળ બનશે.
-
આતંકવાદ વિરુદ્ધ લડાઈ: બંને દેશો આતંકવાદ સામે દ્રઢતાથી લડવા અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા લાવવા સહમત થયા છે.
‘આવકારો મીઠો આપજે રે’
PM મોદીએ ગુજરાતી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આવકારો મીઠો આપજે રે” ની ભાવના સાથે અમે ચાન્સેલરનું સ્વાગત કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્વામી વિવેકાનંદે ભારત અને જર્મની વચ્ચે જે જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો હતો, તેને આ મુલાકાતથી નવી ઊર્જા મળી છે.
