Denmark USA Greenland Conflict | ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો જમાવવાના અમેરિકાના ઈરાદા સામે ડેનમાર્કે (Denmark) અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ પર સૈન્ય બળનો ઉપયોગ કરશે, તો અમારું સૈન્ય સવાલ પૂછતા પહેલા ગોળીબાર કરશે.
ડેનમાર્કની કડક સૈન્ય ચેતવણી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનમાર્ક તેના સૈન્ય નિયમોનો હવાલો આપતા જણાવ્યું છે કે આક્રમણખોરો સામે વળતો પ્રહાર કરવા માટે તેમના સૈનિકોને ઉચ્ચ અધિકારીઓના આદેશની પણ જરૂર નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યા હોવાની વાતો વ્હાઇટ હાઉસે (White House) સ્વીકારી છે.
અમેરિકા શા માટે ગ્રીનલેન્ડ ઈચ્છે છે?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના જણાવ્યા મુજબ, અમેરિકા માટે ગ્રીનલેન્ડ વ્યૂહાત્મક (Strategic) રીતે ખૂબ મહત્વનું છે:
રાષ્ટ્રીય સુરક્ષા: આર્કટિક ક્ષેત્રમાં (Arctic Region) રશિયા અને ચીન જેવી શક્તિઓને રોકવા માટે ગ્રીનલેન્ડ મહત્વનું છે.
સૈન્ય મથક: અમેરિકા અહીં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરવા માંગે છે.
યુરોપ અને કેનેડા ડેનમાર્કના પક્ષમાં
અમેરિકાની આ નીતિ સામે વિશ્વના અન્ય દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને ઇટાલી સહિતના યુરોપીય દેશોએ ડેનમાર્કને સમર્થન જાહેર કર્યું છે. કેનેડાના (Canada) વડાપ્રધાને પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય માત્ર ત્યાંના લોકો જ કરી શકે છે, કોઈ અન્ય દેશ નહીં.
વાતચીતનો પ્રયાસ (Diplomatic Efforts)
આ ગંભીર તણાવ વચ્ચે ડેનમાર્કના વિદેશ મંત્રીએ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) સાથે બેઠકની માંગ કરી છે. જોકે, માર્કો રુબિયોએ તાજેતરમાં એવો સંકેત આપ્યો છે કે અમેરિકાનો મુખ્ય હેતુ ગ્રીનલેન્ડને સૈન્ય દ્વારા જીતવાને બદલે “ખરીદવા” (Buy) પર વધુ કેન્દ્રિત હોઈ શકે છે.
