નવી દિલ્હી: યુદ્ધ અને સંઘર્ષના સમયમાં હથિયારો બનાવતી કંપનીઓ તો નફો કરે જ છે, પરંતુ હવે ડેટા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેચતી કંપનીઓ પણ અત્યંત શક્તિશાળી બની ગઈ છે. આવી જ એક વિવાદાસ્પદ અને પાવરફુલ ટેક કંપની છે ‘પલેન્ટિયર’ (Palantir), જે અમેરિકા અને ઈઝરાયેલની સેના માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
કંપનીની શરૂઆત: પલેન્ટિયર (Palantir)ની સ્થાપના 2003માં અમેરિકન અબજોપતિ પીટર થેલ (PayPal ના સહ-સ્થાપક) અને એલેક્સ કાર્પ (alex karp) દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું નામ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ફિલ્મના એક જાદુઈ પથ્થર પરથી રાખવામાં આવ્યું છે જે દૂરનું જોઈ શકે છે.
શું કામ કરે છે આ કંપની? પલેન્ટિયર પોતે ડેટા એકઠો કરતી નથી, પરંતુ તે એવી સિસ્ટમ અને સોફ્ટવેર બનાવે છે જે સરકારી સંસ્થાઓને તેમનો ડેટા એનાલાઈઝ કરવામાં મદદ કરે છે. તેની પાસે ‘ગૌતમ’ (Gotham) નામનો સોફ્ટવેર છે જેનો ઉપયોગ આતંકવાદ સામે લડવા અને યુદ્ધના મેદાનમાં નિર્ણયો લેવા માટે થાય છે.
અમેરિકા અને ઈઝરાયેલ સાથે સંબંધ: અમેરિકામાં પલેન્ટિયર (Palantir) સીઆઈએ (CIA), એફબીઆઈ (FBI) અને ઇમિગ્રેશન એજન્સીઓ સાથે કામ કરે છે. તે લોકોને ટ્રેક કરીને ડિપોર્ટ કરવામાં મદદરૂપ થાય છે
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલય સાથે તેની વ્યૂહાત્મક ડીલ છે. રિપોર્ટ્સ મુજબ, ગાઝામાં ઈઝરાયેલ જે એઆઈ ટાર્ગેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે તેમાં પલેન્ટિયર (Palantir) સોફ્ટવેર ઇન્ટિગ્રેટ થયેલ છે.
વિવાદો અને ટીકા: માનવાધિકાર સંગઠનો આ કંપનીની ટીકા કરી રહ્યા છે કારણ કે તેના સોફ્ટવેરથી નાગરિકોના મૃત્યુ અને પ્રાઈવસીના ભંગના આરોપો લાગ્યા છે. અમેરિકામાં વિરોધ પ્રદર્શકોએ પલેન્ટિયરની ઓફિસો બ્લોક કરી હતી અને માંગ કરી હતી કે કંપની ઈઝરાયેલી સેના માટે કામ કરવાનું બંધ કરે.
કંપનીનો પક્ષ: કંપનીનું કહેવું છે કે તેમના સોફ્ટવેર રાષ્ટ્રીય સુરક્ષા માટે છે અને તે ટાર્ગેટને એટલું સચોટ બનાવે છે કે ઓછું નુકસાન થાય છે. તેઓ તેને ‘ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ’ કહે છે, જેમાં અંતિમ નિર્ણય તો મનુષ્ય જ લે છે.
નિષ્કર્ષ: રાષ્ટ્રીય સુરક્ષા અને માનવાધિકાર વચ્ચેના સંઘર્ષમાં પલેન્ટિયર કેન્દ્ર સ્થાને છે. શું સુરક્ષા માટે ટેકનોલોજી દ્વારા થતી દેખરેખ આપણી આઝાદી અને પ્રાઈવસી કરતા વધુ મહત્વની છે? તે એક મોટો પ્રશ્ન છે.
