સુપ્રીમ કોર્ટે (Supreme Court) અનામત વર્ગના ઉમેદવારો માટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો અનામત વર્ગના ઉમેદવારો જનરલ (ઓપન) કેટેગરીના કટ-ઓફ (Cut-off) કરતાં વધુ માર્કસ મેળવે, તો તેમને શોર્ટ લિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટની અપીલને ફગાવી આ સ્પષ્ટતા કરી છે.
મેરિટ હોવા છતાં અન્યાય નહીં ચાલે (Justice for Merit)
આ વિવાદ રાજસ્થાનમાં વર્ષ 2022ની જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક (Clerk Grade-II) ની ભરતી પ્રક્રિયાથી શરૂ થયો હતો. લેખિત પરીક્ષામાં SC, OBC, MBC અને EWS કેટેગરીનું કટ-ઓફ જનરલ કેટેગરી કરતાં ઊંચું ગયું હતું. પરિણામે, જનરલ કેટેગરી કરતાં વધુ માર્કસ લાવવા છતાં ઘણા અનામત વર્ગના ઉમેદવારોને ટાઇપિંગ ટેસ્ટ (Typing Test) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા, જેને કોર્ટે ગેરકાયદેસર ગણાવ્યું છે.
‘ઓપન’ એટલે દરેક માટે ખુલ્લું (Open Category is for All)
સુપ્રીમ કોર્ટે (Supreme Court)મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે:
-
ઓપન કેટેગરી એ કોઈ ખાસ વર્ગ માટે અનામત ક્વોટા નથી, પણ તે માત્ર યોગ્યતા (Merit) પર આધારિત છે.
-
જો કોઈ ઉમેદવાર વધારાની છૂટછાટ વગર જનરલ ઉમેદવારથી વધુ ગુણ મેળવે, તો તે ઓપન પોસ્ટ માટે પાત્ર છે.
-
માત્ર ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી કોઈ ઉમેદવાર ઓપન કેટેગરીમાં નોકરી મેળવવાનો હક ગુમાવતો નથી.
ભરતી પ્રક્રિયા માટે નવી ગાઇડલાઇન (New Guidelines)
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું કે ભરતી કરનાર સંસ્થાઓએ પહેલા મેરિટના આધારે જનરલ લિસ્ટ (General List) તૈયાર કરવું જોઈએ અને ત્યારબાદ જ અનામત વર્ગની યાદી બનાવવી જોઈએ. અદાલતે ‘ઈન્દ્ર સાહની’ કેસના જૂના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે મેરિટમાં આગળ રહેલા ઉમેદવારને તેની જ્ઞાતિના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ઓપન’ એટલે ‘ઓપન’, જેમાં જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર માત્ર યોગ્યતાને જ સ્થાન મળવું જોઈએ.
