મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રીના કાફલા (Convoy) વચ્ચે રખડતા કૂતરા કે ઢોર ન આવી જાય તે માટે કલેક્ટરે અધિકારીઓને વિશેષ સૂચનાઓ આપી છે.
અધિકારીઓને સોંપાઈ ખાસ જવાબદારી
મહેસાણા કલેક્ટરે ટીડીઓ (TDO) અને કડી પાલિકાના ચીફ ઓફિસરને કડક સૂચના આપી છે કે મુખ્યમંત્રીના રૂટ પર પશુઓ કે કૂતરાઓ દેખાવા જોઈએ નહીં. અગાઉ કડીમાં જ એક રેલી દરમિયાન આખલો ઘૂસી આવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ઇજા પહોંચી હતી, જેવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર અત્યારથી જ સાવચેત છે.
આ ઉપરાંત વહીવટી તંત્રને નીચે મુજબની કામગીરી સોંપાઈ છે:
રોડ સેફ્ટી: રસ્તામાંથી બમ્પ (Bumps) દૂર કરવા અને રોડની બંને બાજુએ બેરિકેટિંગ (Barricading) કરવું.
વીજ પુરવઠો: લગ્ન પ્રસંગ દરમિયાન લાઇટ ન જાય તે માટે UGVCL ના એન્જિનિયરને તાકીદ કરાઈ છે.
ફૂડ સેફ્ટી: મહેમાનોને પીરસવામાં આવતી વાનગીઓનું ચેકિંગ (Food Checking) કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સૂચના અપાઈ છે.
અગાઉ પણ થયો હતો વિવાદ
થોડા સમય પહેલા તલાટીઓને રખડતા કૂતરા ગણવાની કામગીરી સોંપાતા ભારે વિવાદ થયો હતો અને સરકારે પરિપત્ર પાછો ખેંચવો પડ્યો હતો. હવે ફરી એકવાર મુખ્યમંત્રીના પ્રોટોકોલ (Protocol) ને જાળવવા માટે પશુઓને નિયંત્રિત કરવાની કામગીરી સોંપાતા અધિકારીઓમાં ચર્ચા જાગી છે.
