Saudi Air Strike Yemen: યમનમાં ચાલી રહેલો આંતરિક સંઘર્ષ હવે વધુ વકર્યો છે. શુક્રવારે સાઉદી અરેબિયા (Saudi Arabia) ના નેતૃત્વવાળા ગઠબંધને દક્ષિણ યમનમાં જોરદાર એરસ્ટ્રાઈક (Air Strike) કરી હતી. આ હવાઈ હુમલામાં યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) ના ઓછામાં ઓછા 20 લડવૈયાઓના મોત નિપજ્યા છે. આ ઘટનાએ આરબ જગતના બે શક્તિશાળી દેશો વચ્ચેના ગઠબંધનમાં મોટી તિરાડ પાડી દીધી છે.
એરપોર્ટ ઠપ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો
અહેવાલો અનુસાર, સાઉદી વાયુસેનાએ અલ ખાશા અને સેયૂન (Seiyun) માં આવેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં સેયૂન એરપોર્ટ (Airport) ને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હાલમાં વિમાની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સાઉદી ગઠબંધને સીધા જ UAE સમર્થિત જૂથો પર આટલો મોટો હુમલો કર્યો હોય.
UAE અને સાઉદી વચ્ચે તણાવ (Geopolitical Tension)
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે UAE એ યમનમાંથી પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. STC ના પ્રતિનિધિ અમ્ર અલ બિધે સાઉદી અરેબિયા પર આક્ષેપ કર્યો છે કે, એક તરફ શાંતિની વાત કરવામાં આવે છે અને બીજી તરફ મિનિટોમાં 7 જેટલા હવાઈ હુમલા (Airstrikes) કરવામાં આવે છે. STC એ હવે ખુલ્લેઆમ ‘યુદ્ધની જાહેરાત’ (War Declaration) કરી દીધી છે.
શું યમનના ભાગલા પડશે?
દક્ષિણ યમનમાં વધતી હિંસાને કારણે દેશના વિભાજનનો ભય ફરીથી ઉભો થયો છે. હદરમૌત (Hadramawt) વિસ્તારમાં કબજો મેળવવા માટે સાઉદી સમર્થિત દળો અને STC વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે લોહિયાળ બની છે. આ વૈશ્વિક ભૌગોલિક રાજનીતિ (Global Politics) માં યમન ફરી એકવાર અસ્થિરતા તરફ ધકેલાયું છે.
