
Terrorist Attack | ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ (Bondi Beach) પર યહૂદીઓના ‘હનુક્કા’ કાર્યક્રમ દરમિયાન થયેલા આતંકી હુમલામાં 15 લોકોનાં મોત થયા છે. આ ભયાનક ઘટનાને અંજામ આપનારા બે બંદૂકધારીઓની ઓળખ પિતા અને પુત્ર તરીકે થઈ છે. એક હુમલાખોરને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યો છે, જ્યારે બીજો ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
હુમલાખોરોની ઓળખ અને હથિયારો
પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરો 50 વર્ષીય સાજિદ અક્રમ અને તેમનો 24 વર્ષીય પુત્ર નવીદ અક્રમ હતા.
-
પોલીસે જણાવ્યું કે બંને હુમલાખોરોએ ભીડ પર લાંબા હથિયારો (Long Guns) વડે ગોળીબાર કર્યો હતો.
-
તપાસમાં જાણવા મળ્યું કે બંને પાસે કુલ 6 લાઇસન્સવાળા હથિયારો હતા, જેનો ઉપયોગ તેમણે આ હુમલામાં કર્યો હતો.
-
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, પિતા સાજિદ અક્રમ ફળની દુકાન ચલાવતા હતા, જ્યારે પુત્ર નવીદ અક્રમ બેરોજગાર હતો.
હુમલાની વિગતો
-
રિપોર્ટ્સ મુજબ, બંનેએ પોતાના પરિવારને કહ્યું હતું કે તેઓ માછલી પકડવા માટે દક્ષિણ કિનારે જઈ રહ્યા છે.
-
ધરપકડ અને મોત: ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ના અહેવાલ મુજબ, નવીદ અક્રમની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના પિતાને પોલીસે અથડામણ દરમિયાન ઠાર માર્યા હતા.
-
નોકરી ગુમાવી: નવીદ અક્રમ એક બેરોજગાર મિસ્ત્રી હતો, જેણે લગભગ બે મહિના પહેલા તેના માલિકના દેવાળું ફૂંકાવાને કારણે નોકરી ગુમાવી હતી. તેની માતાએ જણાવ્યું કે તે કામ શોધી રહ્યો હતો.
-
ઓસ્ટ્રેલિયામાં આગમન: તપાસમાં જાણવા મળ્યું કે સાજિદ અક્રમ 1998માં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને ત્યારથી તેઓ ત્યાંના રહેવાસી છે.
-
ધાર્મિક પૃષ્ઠભૂમિ: નવીદ અક્રમને 2022ની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેણે પશ્ચિમી સિડનીની અલ-મુરાદ સંસ્થામાંથી કુરાનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
પોલીસનું માનવું છે કે આ ગોળીબારમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નહોતી, અને હુમલા માટે પિતા પાસે રહેલા છ લાઇસન્સવાળા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર હનુક્કા ઉત્સવ દરમિયાન થયો હતો, જેમાં પોલીસના અંદાજ મુજબ લગભગ 1,000 લોકો હાજર હતા.
