Breaking News

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં 3 હજારથી વધુ સામુહિક શૈચાલયોમાં દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ
**
સ્વચ્છતા સાથે સુલતાનપુર મહિલા સશક્તિકરણ તરફ અગ્રેસર, 107 બહેનોએ શરૂ કર્યા કિચન ગાર્ડન

ગાંધીનગર, 3 જાન્યુઆરી:પ્રજ્ઞાચક્ષુ લોકોની સુવિધા માટે બ્રેઈલ લિપિની રચના કરનાર લૂઇ બ્રેઈલના જન્મદિવસે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગોની સુવિધા અને સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે આજના દિવસે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લામાં દિવ્યાંગોની સેવા માટે શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ પ્રેરણાદાયક છે.

નવસારીના સુલતાનપુર ગામમાં નિર્માણ કરવામાં આવેલા સામુહિક શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઈલ લિપીમાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે જેની મદદથી શૌચાલયનો ઉપયોગ કરવો તેમના માટે સરળ બની ગયો છે. તે સિવાય વ્હીલચેરથી જવા માટે રેમ્પ તેમજ શૌચાલયની અંદર ગ્રેબ હેન્ડલ પણ બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગો માટેના આ શૌચાલયમાં વ્હીલચેર અંદર પ્રવેશી શકે તેટલા પહોળા દરવાજા અને અંદર તે વળાંક લઇ શકે તેટલી જગ્યા હોય છે.

આસપાસના ગામડાના લોકો માટે સામુહિક શૌચાલય મદદરૂપ
આ બાબતે સુલતાનપુર ગામના સરપંચ શશિકાંત ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે, “આ શૌચાલય જ્યાં બન્યું છે ત્યાં દરરોજ આસપાસના ગામના ઘણા લોકો આવે છે કારણ કે નજીકમાં જ ઐતિહાસિક જોગેશ્વર મહાદેવ મંદિર છે અને શ્રાવણ મહિનામાં અહીં મેળો પણ ભરાય છે. દિવ્યાંગજનો માટે આ સુવિધા દ્વારા સમાજના તમામ વર્ગના લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાનો ઉદ્દેશ છે. સુલતાનપુર ગામમાં અત્યારે 25 જેટલા દિવ્યાંગો વસવાટ કરે છે. ” શૌચાલયની બાજુમાં પંચાયતની જમીન પર ગાર્ડનની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. અહીં બાળકો માટે પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે જેથી મુલાકાતીઓ અહીં આનંદદાયક સમય પસાર કરી શકે છે.

નવસારીમાં 2 લાખથી વધુ વ્યક્તિગત શૌચાલય
નવસારીને ખુલ્લામાં શૌચમુક્ત રાખવાના મોટા વિઝન સાથે આ કામગીરી કરવામાં આવી છે. નવસારીમાં 2 લાખથી વધુ વ્યક્તિગત શૌચાલય અને 100થી વધુ સામુહિક શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને ટકાઉ બનાવવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાગરૂકતા અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સર્વસમાવેશિતા એ સ્વચ્છ ભારત મિશનનું વિઝન છે.

સુલતાનપુરની મહિલાઓ કિચન ગાર્ડનથી બની સશક્ત
વિકાસલક્ષી દૃષ્ટિકોણ ધરાવતા આ ગામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું મહિલા સશક્તિકરણનું વિઝન પણ સાકાર થતું જોવા મળી રહ્યું છે. 2600 જેટલી વસ્તીવાળા આ ગામમાં 107 મહિલાઓ કિચન ગાર્ડન દ્વારા આત્મનિર્ભરતા તરફ આગળ વધી છે. કિચન ગાર્ડન દ્વારા તેઓ ઘરના આંગણામાં જ પ્રાકૃતિક ખેતી કરીને તેમના પરિવાર માટે પોષણયુક્ત શાકભાજી ઉગાડે છે અને વેચાણ કરીને આર્થિક ઉપાજન પણ કરી રહી છે. સરપંચ શશિકાંત પટેલ સર્વે કર્યા બાદ બેસ્ટ કિચન ગાર્ડનની સ્પર્ધા યોજીને સ્વખર્ચે બહેનોને ઈનામ પણ આપે છે.

શશિકાંતભાઈ જણાવે છે, “અમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી દ્વારા કિચન ગાર્ડન માટે પ્રોત્સાહિત કરવા માટે એક સ્પર્ધા છેલ્લા બે વર્ષથી શરૂ કરી છે. તેના માટે અમે ફોર્મ ભરાવીને વિગતો લઇએ છીએ. ત્યારબાદ કૃષિ અધિકારી દ્વારા સર્વે કરીને તેમના કિચન ગાર્ડનને અલગ અલગ માપદંડોના આધાર પર ચકાસીએ છીએ. મહિલાઓને કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તે રીતે અમે ટોપ ત્રણ કિચન ગાર્ડનને અનુક્રમે દસ, પાંચ અને ત્રણ હજાર રૂપિયાનું ઇનામ આપીએ છીએ. ”

આ ગામના ઘણા યુવાનો પ્રાકૃતિક ખેતી અને માછલી ઉછેર જેવી કામગીરી થકી આત્મનિર્ભર બની રહ્યા છે. નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગામના યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. સ્વચ્છ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સુલતાનપુર ગામ સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે.

x-x-x

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: