
૧૯ ઓક્ટોબર એટલે ભારત સહિત વિશ્વના ૩૫ રાષ્ટ્રો સુધી સ્થિર થયેલા સ્વાઘ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂ.પાંડુરંગ શાસ્ત્રી
આઠવલે..પૂ.દાદાજીનો પવિત્ર જન્મદિવસ. આ દૈવી કાર્યને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર ચૈતન્ય મૂર્તિ પૂજ્ય જયશ્રી દીદી આઠવલે તળવલકરજી ની
પ્રેરણાથી વિશ્વભરનો કૃતિશીલ પરિવાર સાત દિવસ માટે હોંશથી ભક્તિફેરી કરીને વિચાર વહનની ભક્તિની દૃષ્ટિથી થતી – રચનાત્મક કૃતિ ભક્તિફેરી
કરીને પૂ. દીદીજી દ્વારા પૂ. દાદાજીને કૃતજ્ઞતા પૂર્વક પ્રણામ કરશે.
આ વર્ષે પ્રાતઃ સ્મરણીય પૂ.દાદાનો ૧૦૬ મો જન્મદિવસ છે. તેમ મુંબઈની શ્રી મદ્ ભગવદ્ ગીતા પાઠશાળાના સો મા વર્ષની ઉજવણી
સ્વાઘ્યાય પરિવાર જીવન વિકાસ માટેની અનેક પ્રકારની કૃતિભક્તિથી કરશે. જો કે આ તો તેમની દાયકાઓ જૂની પ્રણાલી છે. પૂ.દાદાજીએ છ
દાયકાઓ સુધી ધુણી ધખાવીને પાઠશાળાની વ્યાસપીઠ ઉપરથી જે વિચારગંગા વહેતી કરી તેનાથી અનેક પ્રકારની ક્રાંતિ સાકાર થઈ છે. ઇતિહાસના
અભ્યાસુઓએ અદ્ભુત યોગ શોધી કાઢ્યો છે. કુરુક્ષેત્ર ના મેદાન ઉપર યોગેશ્વર કૃષ્ણ ભગવાને યુધ્ધના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવી માનવ
માત્ર માટે ગીતા કહી હતી. તેમ અર્વાચીન યુગમાં પણ ઈ. સ ૧૯૪૨માં જ્યારે બીજું વિશ્વ ટોચ ઉપર હતું ત્યારે માધવબાગની વ્યાસપીઠ ઉપરથી
૨૨ વર્ષના યુવાન પૂજ્ય. પાંડુરંગજીએ ગીતા ઉપનિષદ્ ઉપર એટલે કે યુધ્ધ કાળમાં જ પ્રવચન શરૂ કર્યા હતા. એ પવિત્ર વ્યાસપીઠ કે જ્યાંથી તેમણે
ઈશ્વરને કેન્દ્રમાં રાખીને માનવ ને માનવ સાથે જોડવાનો મહાન વિચાર યજ્ઞ શરૂ કર્યો હતો. તેમણે જ પંચરંગી ક્રાંતિ કરી છે, તેવી ક્રાંતિની નોંધ હજુ
સુધી ઇતિહાસમાં ક્યાંય જોવા મળતી નથી. પાઠશાળાની વ્યાસપીઠ ઉપરથી જે ક્રાંતિ કરી છે તેનાથી વિશ્વમાં ભારતને ગૌરવ અને પ્રતિષ્ઠા મળ્યા
છે.
તે એ રીતે કે વિશ્વના ટોચના ૨૦ ઉપરાંત ફિલોસોફર્સ લોકોએ ખડી કરેલી વિવિધ સમસ્યાઓના જવાબ આપ્યા છે પાઠશાળાની વ્યાસપીઠે.
તે પણ કેવી રીતે ? વ્યાખ્યાનો આપીને કે ગ્રંથો લખીને નહિ, પણ તેજસ્વી ઈશ્વરનિષ્ઠ કૃતિશિલ સમાજ નિર્માણ દ્વારા પાઠશાળામાં વર્ષો સુધી
સ્વાઘ્યાય માટે આપતો બુધ્ધિનિષ્ઠ શ્રોતા વર્ગ આજે વિશ્વભરમાં જોવા મળે છે. અને પૂ. દાદાના વિચારો લઈને ઉપાસના અને જીવન વિકાસની
દૃષ્ટિથી ભક્તિફેરી, ભાવફેરી કરતો રહ્યો છે.
પૂ. દાદાના જ વિચારો, પ્રણાલી અને કાર્યપધ્ધતિ જેમના પ્રત્યેક શબ્દમાં અને સ્વરમાં સાંભળવા મળે છે. તેવા પૂ.જયશ્રી દીદીની કુશળ
આયોજન પધ્ધતિ કુનેહ અને પ્રેરણા હેઠળ આજે વિશ્વભરમાં સાત લાખથી યે વધુ કૃતિશીલ ઉમંગભેર સ્વયંભુ રીતે કાર્યરત છે. નિર્મલ નિકેતનથી
મળતા પૂ. દીદીજીના પ્રેમભર્યા માર્ગદર્શન મુજબ આ કાર્યમાં દોડવું તેને બુદ્ધિનિષ્ઠ કાર્યકર પોતાની આગવી ઓળખ ગણે છે. એટલું જ નહિ આ
કાર્યમાં હોવું તેને કાર્યકરો જન્મ જન્માંતરનો પુણ્યદાયી વૈભવ સમજે છે, પૂ.દાદા અને પૂ.દીદીના આ અદ્ભુત કાર્યથી આપણાં રાષ્ટ્રમાં એટલું મોટું
ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે કે તેનું વિગતવાર વર્ણન કરવા એક ગ્રંથ જ લખવો પડે. પૂ. દાદાના પ્રવચનોથી ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ ઈશ્વરભક્તિ અને
સાચી માનવતાના ક્ષેત્રમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. એ હકીકત છે કે માણસ કેવળ વાક્યના શબ્દો સાંભળીને બદલાતો નથી. વક્તાના શબ્દ પાછળ
તેનું તેવું જીવન હોવું જોઈએ. પૂ. દાદા અને પૂ.દીદીજીના પ્રત્યેક શબ્દ પાછળ તેમની તપશ્ચર્યા દેખાતી હોય છે. છ છ દાયકા સુધી પૂ. દાદાએ
સાતત્યપૂર્વક પાઠશાળાને પોતાની તપોભૂમિ બનાવી છે. પ્રભુકાર્ય અંગે પૂ.દાદા ભારતના કોઈપણ ખૂણે, છેવાડાના ગામે ગયા હોય તો પણ ત્યાંથી
પાઠશાળા આવી જતા. વ્રત કદી તૂટવા દીધું નથી. પૂ. દાદા અને પૂ. દીદીનું આ તપ અહોભાવ પૂર્વક આત્મસાત કરનારો સ્વધ્યાયી પોતાના શહેર કે
ગામના સ્વાઘ્યાય કેન્દ્ર સાથે વ્રત તરીકે જોડાયેલો જોવા મળે છે ; સાંસારિક પ્રલોભનો તેને ડગાવી શકતા નથી. સમાજના દરેક વર્ગના લોકોમાં
પૂ.દાદા જાતે એકલા ઈશ્વરપ્રેમની વાતો સમજાવવા છેક ઈ.સ ૧૯૪૨ થી ફર્યા છે.

આદિવાસીના ઝૂપડામાં હોય કે માછીમારની વસ્તીમાં નાનું ખોબા જેટલું ઘર હોય પણ બધે જ એકલા જ ગયા છે. માછીમારની વસ્તીમાં
જ્યાં ત્યાંની માછલાંની તીવ્ર વાસ ના કારણે કોઈ જવા તૈયાર ન હતું ત્યારે પોતે એકલપંડે તેમના ઘરો માં જઈને બધાને મળતા. આગરી, સાગરી ,
વનવાસી , હરિજન એવા સ્તરના દરેક લોકોમાં પૂ. દાદાજી જતાં. અને પ્રેમથી વાતો કરતાં. દરેકના દિલમાં અસ્મિતાનું અમૃત સિંચન કરીને તેને " તું
પ્રભુનો લાડકો દિકરો છે." એમ કહી ગૌરવવંતી ઓળખ આપતાં સાગરપુત્ર, દેવીપુત્ર, ભાવલક્ષી જેવા સુંદર અસ્મિતાભર્યા અર્થો વાળી ઓળખ આપી
તેમનામાં ગૌરવના ભાવનું સિંચન કરતાં.
ઈ.સ.૧૯૯૦ ના સાલની વાત છે, દિલ્હીના મોટા ગજાના પત્રકારો અમદાવાદના ભાવલક્ષીની ( હરિજન સમાજની) વસ્તીમાં કાર્યના
અભ્યાસ માટે ફરતાં હતા ત્યારે સ્વાઘ્યાય પરિવારની ભાવલક્ષી સમાજની એક ૧૦ વર્ષની બાળકીના મોઢે કડકડાટ રીતે નારાયણ ઉપનિષદ્ નું
પારાયણ થતું જોઈને તે દિગ્મૂઢ થઈ ગયા. તે સાથે તેમની સાથે આવેલા પ્રગતિશીલ મુસ્લિમ વિચારક જનાબ વહીદુદ્દીન બોલી ઉઠ્યા: દાદાજીએ
કરેલી આ મહાન ક્રાંતિનો ઇતિહાસ જરૂર લખાશે.
આ વાત જો કે વર્ષો જૂની છે પણ દમણ – દીવ વિસ્તારના સાગરપુત્રો (માછીમાર ) પ્રભુકાર્ય માટે દ્વારકા ગયા હતા ત્યારે થનગનતા
યુવાનોને અસ્ખલિત રીતે કડકડાટ નારાયણ ઉપનિષદ્, શ્રી સુક્તમ્ અને પુરુષ સૂક્તમ્ બોલતા સાંભળીને દ્વારકાના જ્ઞાની ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણો
અચંબિત થઈને બોલી ઉઠેલા કે અમે સંસ્કૃતના પંડિત ગણાઈએ છીએ તો ય અમે આટલા શુધ્ધ ઉચ્ચારથી પારાયણ કરી શકતા નથી. પૂ. દાદાજીએ
આનાથીયે વધારે અનેક ચમત્કારી વિચારક્રાંતિ કરી છે.
પૂ. દાદાજીએ સાકરિત કરેલી પંચરંગી ક્રાંતિથી અભિભૂત થયેલા વૈશ્વિક વિચારક ચિંતકોએ વર્ષો અગાઉ એક દળદાર ગ્રંથ વિદેશમાં પ્રકાશિત
કરેલો છે. પૂ. દાદાએ સમજાવેલા વિચાર અને સિધ્ધાંતોનું સુંદરરીતે પ્રયોગીકરણ અને સામાજીકરણ પૂ.દીદીજી અવિરત ગતિથી કરી રહ્યા છે.
અસ્તુ.
– બાલકૃષ્ણ મહેતા