પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોમાં આવેલા ગંગારામાયા મંદિરમાં યોજાશે
આ પ્રદર્શન 04 થી 11 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે
શ્રી આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ, શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
ભારત આધ્યાત્મિક સંપર્ક અને સાંસ્કૃતિક રાજદ્વારીનો એક ગહન સંકેત આપવા માટે તૈયાર છે. આ ભારતના પ્રધાનમંત્રી દ્વારા વ્યક્ત કરાયેલા દ્રષ્ટિકોણને અનુસરે છે. તેમણે એપ્રિલ 2025 માં શ્રીલંકાની તેમની મુલાકાત દરમિયાન આ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ સંકેતમાં શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રદર્શન સામેલ છે. પવિત્ર અવશેષો હાલમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં રાખવામાં આવ્યા છે. તેઓ જાહેર પ્રદર્શન માટે કોલંબો જશે. આ પ્રદર્શન 4 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. તે 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરત આવશે. આ પવિત્ર પ્રવાસ બૌદ્ધ ધર્મના જન્મસ્થાન તરીકે ભારતની સભ્યતાની સનાતન જવાબદારીને રેખાંકિત કરે છે અને ભારત તથા શ્રીલંકા વચ્ચેના ઊંડા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના સંબંધોને પુનઃ પુષ્ટિ આપે છે.

પવિત્ર અવશેષો સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ સાધુઓ અને અધિકારીઓ જોડાશે. સ્થાપિત પ્રોટોકોલ અને આ અવશેષોને અપાતી પવિત્રતાને ધ્યાનમાં રાખીને, ભારતીય હવાઈ દળના વિશેષ વિમાનમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેઓ પ્રવાસ કરશે, જે ભારત પોતાના પવિત્ર વારસાને જે આદરપૂર્વક જાળવી રાખે છે તેનું પ્રતિબિંબ છે. પ્રતિનિધિમંડળ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઔપચારિક, ધાર્મિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં ભારતના બૌદ્ધ વારસા અને તેના સમકાલીન સાંસ્કૃતિક જોડાણોને ઉજાગર કરતા પ્રદર્શન અને તેની સાથે સંકળાયેલા પ્રદર્શનોનું ઔપચારિક ઉદ્ઘાટન સામેલ છે.

પવિત્ર અવશેષોને કોલંબોના આદરણીય ગંગારામય મંદિર ખાતે જાહેર પૂજન માટે સ્થાપિત કરવામાં આવશે, જે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ બૌદ્ધ સંસ્થાઓમાંની એક છે. ઓગણીસમી સદીના અંતમાં પૂજ્ય હિક્કાદુવે શ્રી સુમંગલા નાયક થેરા દ્વારા સ્થાપિત, આ મંદિર પૂજા, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત થયું છે, અને આ પ્રદર્શન (exposition) માટે એક યોગ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે. જે રાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મ સાંસ્કૃતિક લોકાચાર, ઇતિહાસ અને રોજિંદા જીવનને આકાર આપે છે, ત્યાં આ પ્રદર્શન સમગ્ર શ્રીલંકાના ભક્તોમાં ઊંડો પડઘો પાડશે અને બંને દેશોના સહિયારા બૌદ્ધ વારસાને વધુ મજબૂત કરશે તેવી અપેક્ષા છે.
દેવની મોરીના અવશેષો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક આવેલા દેવની મોરી પુરાતત્વીય સ્થળ પરથી પ્રાપ્ત થયા છે, જે અપાર ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. 1957માં જાણીતા પુરાતત્વવિદ્ પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા સૌપ્રથમ સંશોધન કરાયેલ આ ઉત્ખનનોએ ઈસ્વીસનના પ્રારંભિક સદીઓ દરમિયાન પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મની સમૃદ્ધિની સાક્ષી પૂરાવતા મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થાપત્યો અને અવશેષો શોધી કાઢ્યા હતા. આ અવશેષો માત્ર એક અમૂલ્ય પુરાતત્વીય વારસો જ નહીં, પરંતુ ભગવાન બુદ્ધના કાલાતીત ઉપદેશો – શાંતિ, કરુણા અને સુમેળ – નું જીવંત પ્રતીક પણ છે.

દેવનીમોરી સ્તૂપની અંદરથી મળી આવેલ અવશેષ પાત્ર, જે જમીનથી 24 ફૂટ ઉપર સ્થિત છે, તે લીલા શિસ્ટ પથ્થરથી બનેલું છે. બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં આ લેખ કોતરવામાં આવ્યો છે. “દશબળ શરીર નિલાય” – બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન. તેમાં રેશમી વસ્ત્ર અને મણકા સાથે પવિત્ર રાખ અને જૈવિક અવશેષો ધરાવતી તાંબાની પેટી છે. આ પાત્રના ત્રણ ભાગ છે: મુખ્ય ભાગ, જેનો પાયો 6.8 ઇંચનો છે, ઊંચાઈ 2.9 ઇંચ છે અને તેની કિનારનો વ્યાસ 4 ઇંચ છે; ઢાંકણ, જેનો વ્યાસ 6.7 ઇંચ છે, જાડાઈ 1.05 ઇંચ છે અને ઊંચાઈ 0.7 ઇંચ છે; અને ગોળાકાર ટોચવાળો નોબ, જે 0.66 ઇંચ ઊંચો છે અને તેનો વ્યાસ 1.1 ઇંચ છે.

તાંબાની પેટી ઉપર અને તળિયેથી સપાટ હતી, અને તેની ધાર પર ગોઠવાયેલા મંચ પર ઉપરથી સરકીને બરાબર બંધ થતું ઢાંકણ ફીટ થતું હતું. તેમાંથી રેશમી કાપડ, સોનાથી મઢેલી ચાંદી-તાંબાની એક બોટલ, પવિત્ર રાખ સાથેનો કાર્બનિક પદાર્થ, અને આવરણ તરીકે વપરાયેલી કાળી માટી મળી આવી. નાની, કુંભ જેવી, સોનાનો ઢોળ ચડાવેલી શીશી સૅગર પ્રકારનો આધાર, નળાકાર માળખું અને સ્ક્રૂ-પ્રકારના ઢાંકણા સાથે સાંકડો ગળાભાગ ધરાવતી હતી.

હાલમાં પવિત્ર અવશેષો ડેસિકેટરમાં સંગ્રહિત છે. અંદર રહેલી વસ્તુનો વધુ ક્ષય અટકાવવા માટે તેને હવાચુસ્ત કાચમાં બંધ કરવામાં આવ્યું છે. અવશેષોને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદી-તાંબાની બોટલ અને રેશમી વસ્ત્ર સાથે, તેમની વધુ જાળવણી સુનિશ્ચિત કરવા માટે કપાસના આધાર પર સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
તેની આધ્યાત્મિક મહત્તા ઉપરાંત, શ્રીલંકામાં દેવની મોરીના પવિત્ર અવશેષોનું પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક રાજદ્વારને આગળ ધપાવીને અને તેની લોકો-કેન્દ્રિત વિદેશ નીતિને મજબૂત કરીને એક મહત્વપૂર્ણ રાજદ્વારી હેતુ પૂરો પાડે છે. ભારતે શ્રીલંકા સાથે તેનો સૌથી પવિત્ર બૌદ્ધ વારસો શેર કરીને સમાન શ્રદ્ધા, ઇતિહાસ અને મૂલ્યો પર આધારિત દ્વિપક્ષીય સંબંધોના સંસ્કૃતિગત પાયાને રેખાંકિત કર્યા છે. મૃદુ શક્તિના એક શક્તિશાળી સાધન તરીકે કાર્ય કરતું આ પ્રદર્શન જન-જન સાથેના જોડાણને ગાઢ બનાવે છે, પરસ્પર વિશ્વાસમાં વૃદ્ધિ કરે છે અને સાંસ્કૃતિક અને ભાવનાત્મક ઘેરા પ્રભાવ સાથે ઔપચારિક રાજદ્વારી જોડાણોને પૂરક બને છે. આ ભારતની વૈશ્વિક બૌદ્ધ વારસાના જવાબદાર સંરક્ષક તરીકેની ભૂમિકાની પુષ્ટિ કરે છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રાદેશિક સુમેળને મજબૂત બનાવે છે. દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સહકારી સહઅસ્તિત્વ માટેના ભારતના દ્રષ્ટિકોણમાં એક મૂલ્યવાન ભાગીદાર તરીકે શ્રીલંકાના સ્થાનને આ વધુ મજબૂત બનાવે છે.
શ્રીલંકામાં આગામી પ્રદર્શન વિશ્વ સાથે પોતાની બૌદ્ધ ધરોહરની વહેંચણી કરવાની ભારતની દીર્ઘકાલીન પરંપરાનું વિસ્તરણ છે. તાજેતરના વર્ષોમાં, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઈલેન્ડ, મંગોલિયા, વિયેતનામ, રશિયન ફેડરેશન અને ભૂટાન જેવા દેશોમાં સફળતાપૂર્વક પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેણે લાખો ભક્તોને આકર્ષ્યા છે અને લોકોના પરસ્પર સંબંધોને સુદૃઢ કર્યા છે. શ્રીલંકામાં યોજાયેલું પ્રદર્શન તાજેતરમાં ભારતમાં પિપ્રહવા જ્વેલના પવિત્ર અવશેષોને પરત લાવવામાં આવેલી વ્યાપકપણે ઉજવાયેલી ઘટનાને અનુસરે છે, જેને પ્રધાનમંત્રીએ અમૂલ્ય રાષ્ટ્રીય ખજાનાની ઘર વાપસી ગણાવી હતી.
આ પ્રદર્શન દ્વારા, ભારત ભગવાન બુદ્ધના ધમ્મના અહિંસા, કરુણા અને સહઅસ્તિત્વના સાર્વત્રિક સંદેશને ફરી એકવાર રજૂ કરે છે, સાંસ્કૃતિક મુત્સદ્દીગીરી અને વૈશ્વિક સુમેળ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીને દ્રઢ કરે છે. દેવનીમોરી અવશેષોની શ્રી લંકાની યાત્રા શાંતિના શક્તિશાળી પ્રતીક, વહેંચાયેલા આધ્યાત્મિક વારસાની ઉજવણી, અને સદીઓ જૂના સંસ્કૃતિગત સંબંધો તથા પરસ્પર સન્માનમાં મૂળ ધરાવતી ભારત અને શ્રી લંકા વચ્ચેની વિશેષ અને કાયમી મિત્રતાની પુષ્ટિ સમાન છે.
