Breaking News

અટલ ઈન્ક્યુબેશન સેન્ટર-રક્ષાશક્તિ સ્કૂલ-નેશનલ આઈ.ઈ.ડી. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ-અગ્નિવીર તાલીમ
*
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન પણ આપ્યું છેઃ મુખ્યમંત્રીશ્રી
*
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાજ્યમાં શરૂ થયેલી રક્ષાશક્તિ યુનિવર્સિટી બાલ્યકાળથી જ રાષ્ટ્રરક્ષા ભાવના ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ સ્થાન બની છે
*
દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાપેઢીની ભૂમિકા મહત્વની રહેશે:
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

16-1

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું પણ વિઝન આપ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામુહિક અપરાધ વગેરે સામે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અપનાવાયેલી ઝિરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસુસ કરે છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર નજીકના લવાડમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસના વિવિધ વિકાસકામોના ભૂમિપૂજન તથા યુનિવર્સિટીઝના નવા પ્રકલ્પોના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ભારતીય થલસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા-વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપરાધિક કાનૂન સંબંધિત ત્રણ બિલ તાજેતરમાં સંસદમાં પ્રસ્તુત થયા છે. આ ઐતિહાસિક કાનૂનથી દેશની સુરક્ષા વ્યવસ્થામાં પણ નવા આયામો જોડાયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં રૂપિયા 481.32 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત આ અવસરે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. બિમલ પટેલ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અન્ય 4 નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું છે. યુવા સાહસિકો અને સંશોધકોને રાષ્ટ્રિય સુરક્ષા, સલામતિ અને પોલિસિંગના ક્ષેત્રોમાં ઈનોવેશન તથા ઈન્ક્યુબેશન પ્રોજેક્ટ માટે આ સેન્ટર ઉત્તમ માધ્યમ બની રહેશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના આત્મનિર્ભર ભારત માટે સ્ટાર્ટઅપ, ઈનોવેટર્સને સપોર્ટ આપીને આ અટલ ઈનોવેશન સેન્ટર સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી કરવામાં પણ સહાયક બનશે.

નેશનલ સિક્યુરિટી ક્ષેત્રે યુવાઓમાં ઇનોવેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ ડેવલપ કરવા માટે રક્ષા યુનિવર્સીટીમાં આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારનું પ્રથમ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર કાર્યરત થયું છે.

આ સેન્ટર નેશનલ સિક્યુરિટી સહિત અન્ય મહત્વના સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને સાયબર સિક્યુરિટી ટુલ્સનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવા માટે યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડશે.

મુખ્યમંત્રીશ્રીએ નેશનલ આઇ.ઈ.ડી. (ઇમ્પ્રોવાઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ પણ શરૂ કરાવી હતી. આ પ્રણાલીથી નેશનલ બોમ્બ ડેટા સેન્ટર માટે ઓનલાઈન ડેટા કલેક્શન, ડેટા એનાલિસિસ અને રિયલ ટાઇમ ડેટા શેરીંગનું કામ સરળ બનશે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કાર્યરત પાંચ રાષ્ટ્રીય રક્ષા શક્તિ સ્કૂલની ભૂમિકા પણ આપી હતી. સુરક્ષા અને સલામતીના પાઠ વિદ્યાર્થીઓ શાળામાંથી જ શીખે અને ડિફેન્સ તેમજ પોલીસ કર્મી બનવાની ટ્રેનિંગ શાળાના બાળકોને બાલ્યકાળથી જ આપી શકાય તે માટે પાંચ રાષ્ટ્રીય રક્ષા સ્કૂલ કાર્યરત કરવામાં આવી છે. અન્ય પાંચ સ્કૂલો આગામી સમયમાં શરૂ થવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સ્કૂલમાં બાળકોને સંયમ, અનુશાસન, શ્રમનું સન્માન, રાષ્ટ્રીય ગૌરવ, જવાબદારીભર્યું વર્તન અને જેન્ડર સેન્સિટિવિટી જેવા મૂલ્યો શીખવવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે સંલગ્ન આવી રાષ્ટ્રીય રક્ષા સ્કૂલ દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવાનું કેન્દ્રીય ગૃહ વિભાગનું આયોજન છે, તેમ તેમણે કહ્યું હતું.

2047 સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાપેઢીની ભૂમિકા મહત્વની રહેશે તેવું જણાવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આ પ્રસંગે કહ્યું કે, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આર.આર.યુ.માં યુવાનોને જે રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, તે પ્રશંસનીય છે

21મી સદીમાં ટેકનોલોજી ખૂબ જ મહત્વની બની રહેશે તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, પહેલાં ઘણી બધી ટેકનોલોજી માટે આપણે અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના વિચારને રજૂ કરી તેને બળ આપતા આજે દેશમાં મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજની યુવા પેઢી ઉત્સાહપૂર્વક આર.આર.યુ.માં અભ્યાસ કરવા માટે આવી રહી છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના કાર્યકાળમાં ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, અને ઇન્ડિયન ઇન્સટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન્સ જેવી અનેક યુનિવર્સિટીને કાર્યરત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના યુવાનોને જવાબદારી સાથે સાથે બળ પણ આપ્યું છે, એટલે, અમૃતકાળના આગામી ટૂંક સમયમાં જ દેશ આત્મનિર્ભર બની સમગ્ર વિશ્વ ઉપર છવાઈ જશે. તેમ જ દેશની ઇકોનોમી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની જશે, તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે નવા ઇનોવેશન સાથે આર.આર.યુ. આગળ વધી રહ્યું છે અને રાષ્ટ્રની સુરક્ષા ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ઉમદા પ્લેટફોર્મ પણ બનાવી રહ્યું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

આર.આર. યુ. ના ઉપકુલપતિ શ્રી બિમલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશભરમાં સુરક્ષા દળો, એજન્સીઓ અને સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર સ્વદેશીકરણ અને ઇનોવેશન કેન્દ્રિત સંશોધન અને વિકાસમાં રોકાયેલા છે તેમને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રકલ્પો શ્રેષ્ઠ સહયોગ પ્રદાન કરશે.
તેમણે જણાવ્યું હતું કે નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS) ડેટા એકત્ર કરવાથી લઈને વિશ્લેષણ માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે સેવા પૂરી પાડશે. જે તમામ બોમ્બ ડેટા માટે કેન્દ્રિય સંગ્રહસ્થાન તરીકે કામ કરશે. જે તપાસકર્તાઓને ભૂતકાળના કેસોની માહિતી મેળવવા માટે સશક્ત બનાવશે.

તેમણે નેશનલ સિક્યુરિટી ગાર્ડના સહયોગમાં રચાયેલા નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (NBDC)નાં રાષ્ટ્રીય ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) રિપોઝીટરી તરીકેના મહત્ત્વને સમજાવી ઉમેર્યું હતું કે આ કેન્દ્ર દેશમાં તમામ IED બ્લાસ્ટની ઘટનાઓ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. તેની મુખ્ય ભૂમિકામાં પોસ્ટ-બ્લાસ્ટ ઓપરેશન્સ એસેસમેન્ટ્સ (PBOA), IED ડેટાનું પૃથક્કરણ અને લિન્કિંગ, ફિંગરપ્રિન્ટિંગ તકનીકોનો ઉપયોગ અને સુરક્ષા એજન્સીઓને નિર્ણાયક માહિતીનો પ્રસાર કરવાનો સમાવેશ થાય છે. જે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આરઆરયુના અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને બોમ્બ ડિસ્પોઝલ સેન્ટર માટે નેશનલ ઇન્ફોર્મેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રક્ષાશક્તિ શાળાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો રક્ષાશક્તિ શાળાના વિદ્યાર્થીઓ અને અગ્નિવીરો સાથેના સંવાદસત્રમાં સહભાગી બન્યા હતા.

આરઆરયુમાં રેસિડેન્શિયલ સૈનિક સ્કૂલ મિશનના મોડલ પર તૈયાર કરાયેલી રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. દેશમાં એક પ્રકારની આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સમગ્ર માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ, 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો શૈક્ષણિક અભ્યાસક્રમો દરમિયાન સૈન્ય તાલીમ અને શિસ્તને અનુસરશે, જે તેમને 10+2 પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જોડાવા અથવા CAPFs, CPOs અને SPOsમાં ફીડર સ્તરે સીધી ભરતી માટે સ્પર્ધા કરવા માટે તૈયાર કરશે. આ પ્રોજેક્ટ હાલમાં ગુજરાતમાં અમલમાં છે. આ યોજના આર.આર. યુ.ના અન્ય કેમ્પસ એવા અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં શરૂ કરવામાં આવશે.

આ સાથે જ, RRU, ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સાથેની ભાગીદારીમાં, ગુજરાતના વિવિધ આદિવાસી જિલ્લાઓમાંથી યુવાનોને અગ્નિવીર તરીકે તૈયાર કરી રહ્યું છે. આર.આર. યુ દ્વારા પ્રશિક્ષિત તમામ 150 અગ્નિવીર સફળતાપૂર્વક રક્ષા મંત્રાલયની અગ્નિવીર યોજનામાં જોડાશે અને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શક્તિ ધ્વનિ પુસ્તક, 365 ડે કોફી ટેબલ બુક અને પોલીસનો ઇતિહાસ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો.વાઈસ ચાન્સેલર શ્રી કલ્પેશ વાંદ્રાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સેના અને સુરક્ષા એજન્સી અધિકારીઓ, આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: