Breaking News

મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય શ્રી રામભદ્રાચાર્યજીના મુખે ભગવાન શ્રી રામચંદ્રજીના

ચરિત્રોનું શ્રવણ કરી ધન્યતા અનુભવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવ સેવા સમિતિ દ્વારા અમદાવાદ શહેરના ઘોડાસર
સ્વામિનારાયણ સ્મૃતિમંદિરમાં આયોજિત રામકથામાં હાજરી આપી હતી. ઉપસ્થિત જનમેદનીને
સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ અને મક્કમ નિર્ધારથી આગામી 22
જાન્યુઆરીએ ઇતિહાસ સર્જાવવા જઈ રહ્યો છે. 550 વર્ષની પ્રતિક્ષાના અંતે અયોધ્યામાં ભવ્ય
રામમંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. ત્યારે આ અવસરે શ્રી રામભદ્રાચાર્યજીની
કથામાં ઉપસ્થિત રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે. એમ તેમણે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રામકથામાં પ્રભુ શ્રીરામના અયોધ્યા આગમન વખતે જે
દિવ્ય માહોલ સર્જાયો હતો તેઓ જ દિવ્ય માહોલ હાલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે આમ
તો આપણે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ પરંતુ યુગમાં એક વખત આવતી દિવાળી ની
ઉજવણી દેશભરમાં થશે જેના સાક્ષી બનવાની તક આપણને સહુને મળી છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સાથે વિરાસતના કાર્યમંત્રને સાકાર કરતા શ્રી
નરેન્દ્રભાઈએ 500 વર્ષ બાદ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં
આધ્યાત્મિક ક્રાંતિનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામને શોભે તેવું મહેલ
સમાન ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. સાથોસાથ અયોધ્યા નગરીની સજાવટ પણ
કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસને કારણે આજે દુનિયાભરમાં ભારતનો આદર વધ્યો
છે.


આજના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય શ્રી રામભદ્રાચાર્યજીના મુખે ભગવાન
શ્રી રામચંદ્રજીના ચરિત્રોનું શ્રવણ કર્યું અને આરતીમાં પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રીશ્રીની
સાથે સાંસદ શ્રી હસમુખ પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી
અમૂલ ભટ્ટ સહિતના મહાનુભાવો જોડાયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: