40 કરોડના ખર્ચે 935 મીટરના ફ્લાયઓવરથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની
કનેક્ટિવિટીને વેગ મળશે
મંત્રીશ્રીના હસ્તે વિરમગામના કલ્યાણપુરા-સચાણા-ઓગણ-કાયલાના માર્ગને
રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત
1-1

માર્ગ અને મકાન વિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા વિરમગામના ભોજવા ખાતે
નિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય તથા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી
ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથોસાથ મંત્રીશ્રીના હસ્તે વિરમગામ
તાલુકાના કલ્યાણપુરા-સચાણા-ઓગણ-કાયલાના માર્ગના રિસરફેસિંગની કામગીરીનું ખાતમુહૂર્ત
પણ કરવામાં આવ્યું છે.

આજના પ્રસંગે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિરમગામના નગરજનોને સંબોધતા મંત્રી શ્રી
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી વિકાસની
રાજનીતિ શરૂ કરી તે આપણા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત સરકાર જનકલ્યાણની યોજનાઓને
છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેનું સશક્ત માધ્યમ
છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આયુષ્યમાન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, જનધન
યોજના જેવી કેન્દ્ર સરકારની 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી
પહોંચી રહ્યો છે. આ યોજનાઓનો લાભ મેળવી મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓ પણ
ભારતને વિકસિત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ લોકોને
આરોગ્ય, શિક્ષણ, પરિવહન જેવી સુવિધાઓ આપી રહી છે. આ સુવિધાઓનો વ્યાપ વધારવા
માટે આવનારા બજેટમાં ગતવર્ષના બજેટ કરતા વિશેષ જોગવાઈ કરવામાં આવનાર છે.
વિરમગામની જનતાને આશ્વસ્થ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી વર્ષોમાં સમગ્ર
વિરમગામની સૂરત બદલવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આગામી વર્ષોમાં વિરમગામમાં
રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની અનેક માળખાકીય સુવિધાઓને વિકસાવવા અને
વિસ્તારવામાં આવશે. મંત્રીશ્રી કહ્યું કે, આ નવનિર્મિત બ્રિજથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત
વચ્ચેની કનેક્ટિવિટીને વેગ મળશે જેનાથી વિરમગામમાં ઉદ્યોગ અને રોજગારીનું પ્રમાણ પણ
વધવાનું છે.


આ અવસરે વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ
વિસ્તારમાં શાળા-કોલેજ, હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ, રોડ-રસ્તાઓ જેવી સુવિધાઓમાં સતત
વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, વિરમગામમાં ખુલ્લી ગટરનો પ્રશ્ન હલ કરવા માટે 52
કરોડની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો.
સાથોસાથ માંડલમાં 16 કરોડના ખર્ચે કોલેજ નિર્માણની મંજૂરી માત્ર 8 દિવસમાં આપવા બદલ
મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો પણ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકાર્પિત થયેલા 935 મીટર લંબાઈના આ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ 40
કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવ્યું છે. રાજ્યધોરીમાર્ગ 18 પર નિર્મિત આ બ્રિજ ટ્રાફિકની
સમસ્યાથી મોટી રાહત આપશે.
આજના પ્રસંગે વિરમગામના પૂર્વ ધારાસભ્ય શ્રી તેજશ્રીબેન પટેલ અને શ્રી પ્રાગજીભાઈ પટેલ,
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ શ્રી કામિનીબેન મનસુરા તેમજ અન્ય પદાધિકારીઓ તથા
અમદાવાદ જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુક દવે,
વિરમગામના પ્રાંત અધિકારી શ્રી જય બારોટ, અમદાવાદ માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક
ઈજનેર એ.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજના સમારોહમાં સ્થાનિક આગેવાનો
અને મોટી સંખ્યામાં વિરમગામના નગરજનો ઉમટ્યા હતા.