બ્રેઇનડેડ શીતલબેન રાઠોડના પરિવારનો માનવતાભર્યો નિર્ણય: ચાર અંગો સહીત બે આંખો અને ચામડીનું દાન

**
ત્વચા દાન પ્રત્યે વધી સામાજિક જાગૃતિ – સિવિલ હોસ્પિટલની રોટરી સિવિલ સ્કીન બેંકને મળ્યું 50મું ત્વચા દાન
**
રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના ભગીરથ પ્રયાસોથી અત્યાર સુધીમાં 1098 અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત
**
અંગદાતા પરિવારોની સંવેદનશીલતા અને તબીબોની સમર્પણ ભાવનાથી જ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન થકી અનેક જરૂરિયાતમંદો માટે નવજીવનનું સરનામું બની :- ડૉ. રાકેશ જોષી, સુપ્રિન્ટેન્ડેન્ટ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ
**
રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત અને અવિરત પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી સિદ્ધિ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તાજેતરમાં 255મું સફ્ળ અંગદાન સંપન્ન થયું છે, જે સરકાર અને હોસ્પિટલ તંત્રની ઉત્કૃષ્ટ સેવા ભાવના તથા પ્રોત્સાહક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વિરમગામ નજીક આવેલા વાણી ગામના રહેવાસી 44 વર્ષીય શીતલબેન રાઠોડને તારીખ 15 સપ્ટેમ્બરના રોજ બ્રેન હેમરેજ થતાં પ્રથમ વિરમગામ ખાતે, ત્યારબાદ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા સઘન સારવાર આપવા છતાં, તારીખ 20 સપ્ટેમ્બરના રોજ તબીબો દ્વારા તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટર અભિષેક બારોટ અને ડોક્ટર પિયુષ સુમેરાએ બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તબીબોના આ સંવેદનશીલ માર્ગદર્શન અને સમજાવટ બાદ શીતલબેનના પતિ કનુભાઈ રાઠોડે અત્યંત ઉમદા અને માનવતાભર્યો નિર્ણય લીધો હતો. તેમણે પોતાના અર્ધાંગિની શીતલબેનના એક લીવર, બે કિડની અને એક પેનક્રિયાઝ સહિત કુલ ચાર અંગો તેમજ બે આંખો અને ચામડી સહિત ત્રણ પેશીઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ અંગદાન થકી મળેલા અંગો અને પેશીઓનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર અને પુનર્વસન માટે કરવામાં આવશે. દાનમાં પ્રાપ્ત થયેલા એક લીવર, બે કિડની અને એક પેનક્રિયાઝનું સફ્ળ પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત, દાનમાં મળેલી બે આંખોનો સ્વીકાર સિવિલ મેડીસીટી સ્થિત એમ. એન. જે. આંખની હોસ્પિટલ દ્વારા અને ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની રોટરી સિવિલ સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. રોટરી સિવિલ સ્કીન બેંકનું આ 50મું સ્કીન દાન હતું. આમ આ અંગદાનથી કુલ 7 દર્દીઓને નવજીવન મળશે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલની આ ભગીરથ અંગદાન યાત્રા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 255 અંગદાતાઓ પાસેથી કુલ 844 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત 204 ચક્ષુ અને 50 ચામડી સહિત કુલ 254 પેશીઓનું દાન મળ્યું છે. આમ, આજદિન સુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કુલ 1098 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.અંગદાતા પરિવારોની સંવેદનશીલતા અને તબીબોની સમર્પણ ભાવનાથી જ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન થકી અનેક જરૂરિયાતમંદો માટે નવજીવનનું સરનામું બની છે”
સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કુલ અંગદાનની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 229 લીવર, 470 કિડની, 23 સ્વાદુપિંડ (પેનક્રિયાઝ), 80 હૃદય, 34 ફેફસાં, 6 હાથ, 2 નાનાં આંતરડાં, 204 ચક્ષુ અને 50 ચામડીનું દાન પ્રાપ્ત કરી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રદાન કરવામાં આવ્યું છે.
