ટેક્સાસમાં બાળકો અને યુવાનોમાં પુષ્ટિમાર્ગીય સંસ્કારનું સિંચન: ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ

ડલ્લાસ-ફોર્ટ વર્થ (DFW), ટેક્સાસ:
શ્રી ગોવર્ધનનાથજી મંદિર – ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા જય શ્રીકૃષ્ણ અને શ્રી યમુના મહારાણીની કૃપા તેમ જ શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી પુષ્ટિમાર્ગીય શિક્ષણ અને સંસ્કારની એક નવી આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બાળકો અને યુવાનોમાં શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરાગ, સેવા-ભાવ, ગુજરાતી ભાષા અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી તાજેતરમાં ‘પુષ્ટિ બાલ મિલન – વ્રજ વિહાર સમર શિબિર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં બાળકો અને વાલીઓ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, સંસ્થા દ્વારા DFW (ડલ્લાસ-ફોર્ટ વર્થ) વિસ્તારમાં તમામ વયજૂથ માટેના પ્રથમ પુષ્ટિમાર્ગીય શિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોને સમજવા, જીવનમાં ઉતારવા અને આવનારી પેઢી સુધી તેને પહોંચાડવાનો છે.
વયજૂથ મુજબના વિવિધ કાર્યક્રમો

આ શિક્ષણ કેન્દ્ર ખાતે દરેક વયના શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે:
-
બાળકો માટે: ગુજરાતી ભાષાનું જ્ઞાન, શ્લોકગાન, પુષ્ટિ શિક્ષણ, સેવા-ભાવ, યોગ અને નૈતિક સંસ્કારોનું ઘડતર.
-
યુવાનો માટે: પુષ્ટિ સિદ્ધાંતોની ગહન સમઝ, શ્રીકૃષ્ણ સાથે આત્મિક સંબંધ અને આધ્યાત્મિક માર્ગદર્શન.
-
વયસ્કો અને વડીલો માટે: પુષ્ટિ ગ્રંથો અને ગીતાજીનું જ્ઞાન, સેવા-સંસ્કાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ઉત્સવોની ઉજવણી.
૯મી ઓગસ્ટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન

આ નવી યાત્રાના પ્રારંભ રૂપે એક ખાસ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ: ૯ ઓગસ્ટ
સમય: બપોરે ૪:૩૦ થી પ:૩૦
આ કાર્યક્રમ દરમિયાન વર્ગો, વિવિધ વયજૂથના અભ્યાસક્રમ અને સમયપત્રક (ટાઇમટેબલ) અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ વાલીઓને સમયસર નોંધણી (Registration) પૂર્ણ કરી ઓરિએન્ટેશનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસના ટ્રસ્ટીઓ અને આયોજકોએ તમામ વૈષ્ણવ પરિકરનો આભાર માનતા જણાવ્યું હતું કે, “આપણી આગામી પેઢીને શ્રીકૃષ્ણ સાથે અને આપણા પુષ્ટિમાર્ગીય સંસ્કારો સાથે જોડવાના આ પવિત્ર કાર્યમાં સૌનો સહકાર સદા વંદનીય છે.”
