Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન

Chief Editor June 13, 2026
13-6 ma1

દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી:૧૦૦ હેક્ટર જમીન પર ફર્નિચર પાર્ક બનશે

 


**
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ ફર્નિચર પાર્કની રૂપરેખા ઘડવા ફર્નિચર પાર્ક સમીટમાં દેશના અગ્રણી ઉદ્યોગકારો સાથે પોરબંદરમાં સંવાદ કરી તેમના સૂચનો મેળવ્યા:વન – પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ની ઉપસ્થિતિ

ફર્નિચર પાર્ક માટેની સમિટમાં ફર્નિચર ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો સહભાગી થયા: ઉદ્યોગકારો આવતીકાલે તા.૧૪ જૂન ના રોજ સુચિત ફર્નિચર પાર્કની સાઈટની મુલાકાત લેશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રોત્સાહિત પોલીસી હેઠળ ગુજરાતમાં નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે તેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિકાસ થશે

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ફેન્ડેલી રાજ્ય:પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે: દેશનો વિકાસ દર વધતા ફર્નિચર ઉદ્યોગ માટે ભારત પણ મોટું માર્કેટ:કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવનારી નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીનો લાભ પોરબંદરના ફર્નિચર પાર્કના ઉદ્યોગકારોને પણ થશે

ફર્નિચર પાર્કનો વિચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે: રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ જમીન અને લેબરની દ્રષ્ટિએ પોરબંદર અનુકૂળ: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
૦૦
ભારતનો ફર્નિચર ઉદ્યોગ બ્રિટનના બજારો સુધી પહોંચે તેવી આશા છે: બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગ

 

પોરબંદર તા.૧૩
પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને સરકાર દ્વારા પોરબંદરમાં થઈ રહેલા આયોજનો અને ઉદ્યોગકારોને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી પોરબંદર દરિયા કાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટી ની વિપુલ સંભાવના ને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયાએ ઉદ્યોગકારો નિકાસકારો અને પોરબંદરના સ્થાનિક મુખ્ય વેપારીઓ ઉપરાંત વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલી ભારતની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત પોરબંદર-વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના સંકલ્પમાં આ ફર્નિચર પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે અને પોરબંદર- સૌરાષ્ટ્રની વૈશ્વિક કનેક્ટિવિટી વધશે તેની રૂપરેખા આપી હતી.

 

પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઈટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે. અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે .પોરબંદર નજીક શિપ બિલ્ડીંગ ક્લસ્ટર કુછડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો હતો. આવતીકાલે તા.14 જુનના રોજ ભારવાડા કુછડી સહિતના વિસ્તારોની ઉદ્યોગકારો મુલાકાત લેશે.

પોરબંદર ખાતે આયોજિત ‘વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ માં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ ભારતની વર્તમાન વૈશ્વિક સ્થિતિ, આર્થિક તકો અને પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ સંભાવનાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત આજે એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા અને વિશાળ બજાર તરીકે વૈશ્વિક પટલ પર સ્થાપિત થઈ રહ્યું છે, જ્યાં લોકોની ખરીદ શક્તિ સતત વધી રહી છે. દેશમાં રહેલી સ્થિર અને મજબૂત સરકારના નિર્ણાયક પગલાંઓ અને સ્પષ્ટ રોડમેપ સાથે ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ ‘વિકસિત દેશ’ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ ધ્યેયને હાંસલ કરવા માટે બ્રિટન, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મુક્ત વ્યાપાર કરારો (FTA) કરીને વ્યાપાર ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના અનેક દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે અને ભારત આજે ‘ગ્લોબલ સાઉથ’ તેમજ પેસિફિક ટાપુ દેશોનો એક સશક્ત અવાજ બની ગયું છે.
મંત્રીશ્રીએ દેશના સર્વાંગી વિકાસ માટે ઔદ્યોગિક પ્રગતિને અનિવાર્ય ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણી સરકાર ગરીબો અને ખેડૂતોના કલ્યાણની સાથે-સાથે ઉદ્યોગો માટે પણ અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડનારી (Industry-friendly) સરકાર છે, કારણ કે ઉદ્યોગોના વિકાસ વિના ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરવું અશક્ય છે. આ સંદર્ભમાં પોરબંદરને તેમણે એક આદર્શ સ્થળ ગણાવ્યું હતું, જે વડાપ્રધાનના ‘પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન’ (બંદર આધારિત ઔદ્યોગિકીકરણ) ના વિઝનને સંપૂર્ણપણે પૂરું કરે છે. પોરબંદર પાસે સમુદ્ર કિનારો (Port) અને પૂરતી જમીન (Land) ની ઉપલબ્ધતા હોવાની સાથે-સાથે અહીંના સ્થાનિક ઉદ્યોગપતિઓ અને જનપ્રતિનિધિઓ પણ રોકાણકારોને સહયોગ આપવા માટે ઉત્સાહિત છે, જે ઉદ્યોગો માટે એક શ્રેષ્ઠ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે. અંતમાં, તેમણે ફર્નિચર પાર્કના કોન્સેપ્ટને સમજાવતા કહ્યું કે અહીં ડિઝાઇનિંગ, સ્કીલિંગ સેન્ટર અને તમામ જરૂરી સુવિધાઓ એક જ છત્ર હેઠળ (One Umbrella) ઉપલબ્ધ બનશે. તેમણે તમામ સહભાગીઓને પોરબંદરમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરતા ખાતરી આપી કે સરકાર તેમના દરેક મૂલ્યવાન સૂચનોની નોંધ લઈને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ જરૂરી સુવિધાઓ અને સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે.
ગુજરાતના લાંબા દરિયા કિનારા અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનનો મહત્તમ લાભ ઉઠાવીને રાજ્યને વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટનું એક નવું પાવરહાઉસ બનાવવા માટે સરકાર મક્કમ છે. આ અંતર્ગત, ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB), કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી પોરબંદરને એક મોડેલ પોર્ટ-આધારિત ઔદ્યોગિક હબ તરીકે વિકસાવવાનું મેગા વિઝન તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં રાજ્યના બંદરોની કાર્ગો ક્ષમતાને ૬૦૦ મિલિયન મેટ્રિક ટનથી પાંચ ગણી વધારીને ૩,૦૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે, પોરબંદરમાં એક અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ અને ‘ફર્નિચર પાર્ક’ની સ્થાપના માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

 

આ પ્રસંગે વન- પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ ફર્નિચર પાર્કનો વિચાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. પોરબંદર ૧૬મી સદીથી આફ્રિકા અને અખાતના દેશો સાથે સમુદ્રી વ્યાપારથી જોડાયેલું છે. અહીં નાનજી કાલિદાસ મહેતા અને માધવાણી જેવા અગ્રણીઓએ પૂર્વ આફ્રિકામાં વ્યાપારિક સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આજે પણ હજારો પરિવારો બ્રિટનમાં સ્થાયી થઈને પોતાના વતન સાથે મજબૂત જોડાણ ધરાવે છે. અહીં વહાણવટો અને હોડી બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી સમૃદ્ધ છે, જેમાં અગાઉ ૧૫ ટનની ક્ષમતા ધરાવતી હોડીઓ આજે ૩,૦૦૦ ટન સુધી પહોંચી છે અને હાલ આશરે ૪,૫૦૦ જેટલી ફિશિંગ બોટ્સ કાર્યરત છે. સામાજિક અને પર્યટનની દૃષ્ટિએ, આ વિસ્તાર દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર સ્થળોની નજીક છે જ્યાં વાર્ષિક ૧ કરોડથી વધુ પ્રવાસીઓ આવે છે, તેમજ બરડા ડુંગર ખાતે સિંહોનું બીજું ઘર (૨૪ સિંહો) અને મોકર સાગર પક્ષી અભયારણ્ય જેવા કુદરતી સંસાધનો આવેલા છે.

રોકાણકારો માટે પોરબંદરને શ્રેષ્ઠ ગણાવતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે, વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ અહીં જમીનની કિંમત ઘણી ઓછી છે, જેના લીધે સૌથી સસ્તી જમીન અને સસ્તા શ્રમિકો અહીં ઉપલબ્ધ છે. પવન અને સૌર ઉર્જાનું હબ હોવાથી અહીં ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય મળશે. કનેક્ટિવિટીના મામલે પોરબંદર અજોડ છે, જે ૫ નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલ્વે અને ૯ મીટર ડ્રાફ્ટ ધરાવતા સમુદ્રી પોર્ટની સુવિધાથી સજ્જ છે, જ્યાં આગામી સમયમાં શિપ બિલ્ડિંગ અને રિપેરિંગની સુવિધાઓ વધારાશે. હવાઈ પરિવહન ક્ષેત્રે, અહીંના ઐતિહાસિક એરપોર્ટની રનવે પટ્ટીને ૧,૩૦૦ મીટરથી વધારીને ૩,૦૦૦ મીટર સુધી લંબાવવામાં આવી રહી છે અને આગામી ૨૫ જૂનથી અમદાવાદ તેમજ મુંબઈ માટેની દૈનિક ફ્લાઈટ્સ પણ શરૂ થઈ જશે.

સરકારના સહયોગ અંગે ખાતરી આપતા તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે ભાગીદાર છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશની સૌથી આકર્ષક નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અને ડેટા સેન્ટર પોલિસી જાહેર કરવા જઈ રહી છે, જ્યારે શિપ બિલ્ડિંગ નીતિને મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાત હવે ટેક્સટાઇલ અને ફાર્મા જેવા પરંપરાગત ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજી જેવા ભવિષ્યના હાઈ-ટેક ઉદ્યોગો (ફ્યુચરીસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ) નું હબ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બદલાયેલી વહીવટી કાર્યસંસ્કૃતિનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે, સરકારની નીતિ સર્વાંગી વિકાસ અને રોજગારીના હેતુએ ઉદ્યોગ ફ્રેન્ડલી રહી છે. આ પ્રોજેક્ટ માટે કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સુધી તમામ સ્તરેથી સૌથી ઝડપી મંજૂરીઓ આપવામાં આવશે. તેમણે દક્ષિણ કોરિયાના તકનીકી સહયોગથી શિપ બિલ્ડિંગ ક્ષેત્રે પોરબંદર વૈશ્વિક સ્તરે મોટો વિકાસ સાધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલીંગે પોરબંદરને ‘ગ્લોબલ ફર્નિચર હબ’ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને અદભુત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. મહાત્મા ગાંધીની જન્મભૂમિની મુલાકાત બદલ ગૌરવ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાત ભારતના આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન છે અને દેશની કુલ નિકાસમાં તેનો હિસ્સો ૩૦% થી વધુ છે. ખાનગી ક્ષેત્રના પોતાના અનુભવને આધારે તેમણે ઉદ્યોગસાહસિકોને અર્થતંત્રના સાચા સંચાલક ગણાવ્યા હતા અને પોરબંદરના પરંપરાગત તથા આધુનિક ઉદ્યોગોના સમન્વયની પ્રશંસા કરીને અહીંનો ફર્નિચર ઉદ્યોગ બ્રિટનના બજારો સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી.

ગુજરાત મેરિટાઇમ બોર્ડના વીસી અને સીઈઓ ડૉ. અજય કુમારે કુછડી ખાતે પ્રસ્તાવિત શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ ઇન્ડસ્ટ્રી કમિશનર શ્રી પી. સ્વરૂપ દ્વારા પોરબંદર ફર્નિચર પાર્ક માટે શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક અભિવાદન સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

સમિટના અંતે પોરબંદર અને સૌરાષ્ટ્રની પરંપરાગત ગૌરવંતી સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

 

આ સમિટમાં પોરબંદર મનપા મેયર શ્રી સાગર મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા તેમજ દેશના ૫૦ થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
Follow

Recent Posts

  • પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન
  • સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
  • અસારવા–જયપુર એક્સપ્રેસનો ખાતીપુરા સુધી વિસ્તૃત
  • વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે મહેસાણા રેલવે સ્ટેશન પર રક્તદાન શિબિરનું આયોજન
  • ઈરાન અને કતારની આ ડીલ જો થઈ હોત તો દુનિયાભરમાં મચી જાત હાહાકાર! પરંતુ તેહરાન ન માન્યું
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.