Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ઉત્તરાયણ ની ઉજવણીથી ગુંજ્યો લોસ એંજલસ ઓટલો

Chief Editor January 20, 2026
20-1 us1

 

ઉત્તરાયણ ની ઉજવણીથી ગુંજ્યો લોસ એંજલસ ઓટલો ! ‘ ઓટલો દે છે આવકારો ને હેતે વદે છે પધારો! આજ સૌ મિત્રો મળ્યા ને ઓટલે અવસર જામ્યો !!’ બસ , એજ આનંદ ને ઉત્સાહથી લોસ એંજલસ ઓટલો ગ્રુપે તાજેતરમાં મકરસંક્રાંતિ ને ઉત્તરાયણની ઉજવણી કરી . ઇન્ડિયા ગેટ રેસ્ટોરન્ટના ખીચોખીચ ભરાયેલ હોલમાં દરેકે દરેક વ્યક્તિ કાર્યક્રમની ઉચ્ચ સ્તરની સુંદર રજુઆત જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગઈ. “ ઉત્તરાયણનો ઉમળકો ને સંક્રાન્તિનો સમય ન્યારો; સાથમાં મિત્રો મળ્યા ને ઓટલે અવસર જામ્યો!” શબ્દોથી કાર્યક્રમની શરૂઆત થઇ. પાંચ કલાક ચાલેલ એ સમગ્ર કાર્યક્રમ વિષે એક મિત્રએ જણવ્યુ ; “ ૩૦૦ મિનિટના આ પ્રોગ્રામમાં ( ૧૧ થી ૪ )એક પણ ડલ ક્ષણ નહોતી .એટલો ઉચ્ચ કક્ષાનો સુંદર એ કાર્યક્રમ હતો .” કાર્યક્રમની શરૂઆત જ અલૌકિક હતી ; જીવન આનંદ મંગલ કેવી રીતે બનાવવું એનું બાર માસનું ગીત જે અંગ્રેજી ક્રિશ્ચમસકેરોલ ગીત ; “ટવેલ ડેયઝ ઓફ ક્રિશ્ચમસ” પર રચાયું છે એ સમૂહ ગીતથી ૧૨ બહેનોએ રજૂઅત કરી . આનંદ મંગળ ત્યારે જ થાય જો જાન્યુઆરીમાં સજ્જ થઇ ,ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન દિન નિમિત્તે પ્રેમ , માર્ચમાં હોળી ધુળેટી પર પ્રેમનાં અબીલગુલાલ , એપ્રિલમાં સ્પ્રિંગ આવે ત્યારે જીવનની પાનખરમાં પણ વસંત જોવાની દ્રષ્ટિ આવે ..વગેરે અને એમ બારે માસનો મહિમા ગાઈને આનંદ મંગળની કામના કરી..

લગભગ સિત્તેર વર્ષ વટાવી ચૂકેલ બધી જ બહેનો , ને એમાં ૮ જેટલી વડીલ બહેનોએ તો પ્રથમ વાર જ કાંઈ પણ ગાવાની ચેષ્ટા કરેલી જે ગૌરવની વાત સમગ્ર પ્રેક્ષક ગણે આનંદ ને તાળિયોના ગડગડાટ વચ્ચે વધાવી લીધી . ઓટલો સંસ્થા આમ પણ સિનિયર વડીલોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો ઘડે છે. ને આવા કાર્યક્રમોથી વડીલ ગણને પ્રોત્સાહન મળે છે. કોરોના સમયે તો આ ‘ઓટલો’ ના કાર્યક્રમોએ લોસ એંજલસ જ નહિ અમેરિકાના સમગ્ર ગુજરાતી સમાજને ઘેલું લગાડ્યું હતું – એ વેળાએ કાર્યક્રમો ઝૂમ વિડિઓ દ્વારા થતા હતા .ને હવે પ્રત્યક્ષ મળીને થતા પ્રોગ્રામોએ તો અનેક ગણો જાદુ ઉભો કર્યો છે . ‘મન ગોકુળિયું છે સજાવ્યું’ એ ભક્તિ ગીત હાર્મોનિયમ ને મંજીરા સાથે પારુલબેને અને અશોકભાઈએ ગાઈને સભામાં ભાવ ભક્તિનો માહોલ ઉભો કરી દીધો . ને એ જ ભાવ સાથે ૯૦ વર્ષની ઉંમરે પણ અડીખમ ઉભેલ ઇંદુબેનનું કમ્યુનિટી ગૌરવ સન્માન પણ થયું . લોસ એંજલ્સના અગ્રગણ્ય કમ્યુનિટી લીડર અને સફળ બિઝનેસ વ્યક્તિ સુરુભાઇ માણેક હસ્તે એમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પ્રદાન થયો . સુરુભાઇ માણેક સફળ ઉદ્યોગપતિ સાથે મહત્વની વસ્તુઓનો સંગ્રહનો શોખ પણ ધરાવે છે.ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગના બૂટથી માંડીને એમણે લહેરવેલ ફ્લેગ વગેરેના કલેક્શન સાથે મહાત્મા ગાંધીજીના ચશ્મા અને એમણે લખેલ એક પત્ર પણ એમના સંગ્રહાલયમાં છે , જેના વીસ મિલિયન ડોલર ($ 20 million )લંડનના મ્યુઝિયમે ઓફર કર્યા છે જેનો તેઓએ સવિનય અસ્વીકાર કર્યો છે .ભારતીય સંસ્કૃતિના ચાહક, રામભક્ત શ્રી સુરુભાઇએ અયોધ્યા રામ મંદિર થી મળેલ શાલ વગેરેથી એ વડીલ ઈંદુબહેનને નવાજ્યાં. દ્રઢ મનોબળનાં ને સાહસિક પ્રકૃતિનાં, સાડા ત્રણ દાયકાથી એકાકી જીવન જીવતાં , સંતાનોને ઉછેર્યા બાદ એમણે વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે અનેક બહેનોને અનેક રીતે સહાય કરી હતી .. નીલાબહેને એમની પ્રેરણા દાયક જીવન ઝરમર જણાવી. ત્યાર પછી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે સ્ટેજ પર આવ્યા મહેન્દ્રભાઈ ને પ્રદીપ ભાઈ, ‘ઉડે છે રંગ બે રંગી પતંગ અને સૌની અનેરી ઓળખાણ ; ચગશે જીવનના ખુલ્લા આકાશ આ જીવન પતંગ સમાન!’ ઉત્તરાયણનો મહિમા સમજાવતી એમની સ્કીટ રમુજી ને રસપ્રદ હતી. ‘લે તારા આ પતંગને તું સમજી લે એક વાર; ક્યારે ઢીલ ને ખેંચ હો ક્યારે સમજી લે એક વાર – એમ ચાણક્ય જ્ઞાન સમજાવ્યું . ને પછી આવ્યું જીવનની વાસ્તવિકતા રજૂ કરતું નરસૈયાનું ભજન હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય. એ ભાવવાહી સ્વર પ્રેક્ષકો મુગ્ધ બનીને માણી રહ્યાં.

બે વાગ્યે સ્વાદિષ્ટ ભોજન બાદ પણ જયારે એક પણ વ્યક્તિએ સભામાંથી વિદાય લીધી નહીં ત્યારે સમજાયું કે આ તો અહીં સૌ રસિક જન બેઠાં છે .. એમને ભોજનમાં રસ પડે ને એમને ભજનામાંય રસ પડે . ગરબાય કરે ને નાટક પણ માણે.. હવે થોડો સાહિત્યનો માહોલ ઉભો થયો હતો .ગીતા ભટ્ટે રઈશ મણિયારની કેટલીક કાવ્ય પન્ક્તિઓથી શરૂઆત કરી :’ કેમ જીવન જીવવું એ દાખલ પુષ્કળ હતા, પણ રકમ પામ્યો અલગ , રીત હું જાતે શીખ્યો . સંતુલન પ્રારબ્ધ ને પુરુષાર્થનું એવી રહ્યું ; હાર શીખવી તે સમય ; જીત હું જાતે શીખ્યો. શનિવાર હતો એટલે હનુમાન ચાલીસાએ ધૂમ મચાવી દીધી . વિમળાબેને વાંસળી વાદનથી સૌનું દિલ હરી લીધું.નિવૃત્તિનો સમય જ આ રીતે ગમે તે કલામાં શોખ કેળવવાનો છે , શોખ વિકસાવવાનો છે – એ સંદેશ સૌને કહ્યા વિના જ સમજાઈ ગયો . શીગ્રહ કવિ ઇલાબેને સમગ્ર કાર્યક્રમને કાવ્યમાં વણી આગવી શૈલીમાં રજુઆત કરી. જાણે કે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ યાદ કરાવી ; ‘કોઈ કહે કેસરની ક્યારી , કોઈ કહે કે ખડ; અમને તો કાંઈ ફરક પડે નહીં આપણે તો એ અવસર !’ બસ , સ્વાન્તઃ સુખાય!નવું નવું શીખવાનું . ‘તું જો હો વીજળી તો આખેઆખી પડ, ને જો હો ઝાકળ તો પાંદડી પર થી દડ! પણ તું કાંઈક કર. ને ત્યાં કાઠ્યાવાડી લહેકાથી સુભાષ ભટ્ટે બુલંદ અવાજે શરું કર્યું ; “ લાલ કસુંબલ આંખલડી ને એને પાઘડીએ છે પાણી . હે … એ પરથમ અર્પણ કરું એ મારા શાયર મેઘાણી .! ઓટલો સંસ્થાના પ્રણેતા સુભાષ ભટ્ટે આગામી ઉનાળા માટે તૈયાર કરી રહેલ એક કાર્યક્રમની જાહેરાત કરી ને સૌને સાનંદાશ્ચર્યમાં મૂકી દીધા. “ ગુજરાતી સાહિત્ય જગતનું વિસરાતું એક મહત્વનું સ્વરૂપ ; તે છે ભવાઈ ; જે આપણે આ વર્ષે સમરમાં રજૂ કરીશું.

 

ભવાઇના તદ્દન મૂળ સ્વરૂપને નજરમાં રાખીને , પણ આજની પેઢીને રસ પડે ને પ્રેરણા મળે એ રીતે તૈયાર થયેલ ગુજરાતી સાહિત્યનું એક આગવું અનોખું નજરાણું ભવાઈ ; તેમાં ‘ રાજા ભરથરી’ નો વેશ આપણે ભજવવાનાં છીએ ને તે માટે યોગ્ય કલાકારોની શોધ આજથી ચાલુ કરીએ છીએ. ઘણાં બધાંને આ ભવાઈ શબ્દ સાંભળીને આશ્ચર્ય થયું ને જુદા જુદા પ્રતિસાદ પણ સંભળાયા, પણ એનું નામ જ તો ભૂલતા વિસરાતા સ્વરૂપ પરથી ધૂળ ઉડાડવી ! આજે સાવ અજાણ – અપરિચિત સ્વરૂપ છ મહિનામાં અહીં પોતાની આગવી ઓળખ ઉભી કરશે , એમ સુભાષભાઈએ જણાવ્યું .

ઓટલો સંસ્થાના પાયામાં જેમના આશીર્વાદ મળ્યા છે તે લોક સાહિત્ય કલાકાર સ્વર્ગસ્થ અરવિંદ જોશી ને એમણે યાદ કરીને અંજલિ અર્પી . ને પછી ધમાકેદાર રજુઆત થઇ ; “ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ..” ઓડિયન્સ ઘેલું બનીને માણી રહ્યું મેઘાણીનું આ અમર ગીત . ચાર વાગ્યા સુધી લગભગ અડધું ઓડિયન્સ હજુ આનંદથી બેઠું હતું . હવે એ હોલમાં બીજો કાર્યક્રમ હતો એટલે વીખરાવું જરૂરી હતું . પણ આવા જામેલ માહોલમાંથી ઉઠવાની કોઈને ઉતાવળ નહોતી . ‘ ફિર કબ મિલેંગે ?” મજાકના સ્વરમાં પ્રદીપભાઈએ પૂછ્યું . ‘ આજે સૌને જાય શ્રી કૃષ્ણ , કાલે વહેલા આવજો ..બહેનોએ વળી ભજન ઉપાડ્યું ..ને એમ ગાતાં સૌ આનંદથી વીખરાયાં.. અહેવાલ : ગીતા ભટ્ટ .

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: PM મોદીએ કહ્યું- હું ભાજપનો કાર્યકર્તા અને નીતિનજી મારા બોસ
Next: McKinney,Txમાંપતંગોત્સવ
Follow

Recent Posts

  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
  • પશ્ચિમ રેલવે ચલાવશે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.