ઈન્ડો-અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કની 30મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી: યાદગાર કાર્યક્રમોની વણઝાર
ઈન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટરની 30મી વર્ષગાંઠની ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્કના સભાગૃહમાં ભવ્ય અને યાદગાર રીતે લગભગ 500 સભ્યો અને શુભેચ્છકોની અંતરની પ્રીતે ઉજવણી થઈ હતી. બે દિવસની ઉજવણીમાં નૃત્ય, કળા, ગીત-સંગીત, વ્યાખ્યાનો, અભિવાદન અને સન્માન સહિત ઘણા કાર્યકમો યોજાયા હતા. પ્રસંગના પ્રારંભે સંસ્થાના ઉપપ્રમુખ પંકજ પરીખે ઉજવણીના વિવિધ આયામની ટૂંકમાં વાત કરીને સંસ્થાની બે બહેનો નીતિશા પંચોલી તથા તેજલ રાવલને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોંપ્યું હતું.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય પછી અમેરિકા અને ભારત બન્ને દેશનાં રાષ્ટ્રગાન થયા હતાં. શાસ્ત્રી ધર્મા સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા. ગણેશવંદના અવંતિકા શાહ અને જેસીકા પંચોલીએ નૃત્ય સાથે કરી હતી. એ પછી કાવ્યા રામાણીએ હિન્દી ફિલ્મના ગીત પર નૃત્ય રજૂ કરીને માહોલને વધારે કલાત્મક બનાવ્યો હતો.
સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે 30 વર્ષની આ સફર યાદગાર રહી છે અને અમે તેની યાદગાર ઉજવણી કરી રહ્યા છીએ.તેમણે સંસ્થાની મહત્વની માહિતી આપીને ઉમેર્યું હતું કે સંસ્થા નિર્ધારિત ઉપક્રમો સાથે સતત સક્રિય રહે છે તેનો અમને આનંદ છે.

પ્રમુખ શ્રી જગદીશભાઈ અને ઉપપ્રમુખ શ્રી પંકજભાઈએ જણાવ્યું હતું કે, “આ 30 વર્ષની સફર માત્ર એક ઉજવણી નથી, પરંતુ સમાજના સહકાર, એકતા અને વિશ્વાસનું પ્રતિક છે. ભવિષ્યમાં પણ આ સંસ્થા સમાજ માટે આવી જ પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરતું રહેશે.” પરામર્શક મુકુંદ મહેતાએ જણાવ્યું હતું કે 30 એ માત્ર આંકડો નથી, પરંતુ સંસ્થાની મક્કમ સફરની ફળશ્રુતિ છે.
આ પ્રસંગે પંકજ પરીખે સંસ્થાની સ્થાપના કરનાર સંસ્થાપકોને પણ આદરપૂર્વક યાદ કર્યા હતા. એ પછી પરિંદા શાહે અદભુત રીતે કુચીપુડી નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત ભાવકોનાં મન મોહી લીધાં હતાં. જાણીતા હાસ્યકાર શ્રી દિનકર મહેતાએ વાતાવરણને હાસ્યસભર બનાવી દીધું હતું.

ત્યાર બાદ સાયકોથેરાપિસ્ટ તથા લેખક આર. ડી. પટેલે દરિયાપારના વિશેષ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓનાં મનોવલણો વિશે સૂક્ષ્મ અવલોકનો સાથે મહત્ત્વની વાતો કરી હતી. લંચ પછીના તરતના જ સત્રમાં સુનહરે પલ કાર્યક્રમમાં ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરાયાં હતાં. એ પછી પુનઃ દિનકર મહેતાએ સભ્યો સમક્ષ હાસ્યની રસલ્હાણ કરી હતી.
ત્યારબાદ બે ભાગમાં એવોર્ડ સેરેમની યોજાઇ હતી. જેમાં પ્રથમ ભાગમાં ન્યુયોર્કમાં ગુજરાતી કમ્યુનિટી માટે કામ કરનારી લગભગ 15 વ્યક્તિવિશેષનું સન્માન કરાયું હતું,
જેમાં ડો. સુધીર પરીખ, હર્ષદ પટેલ (પકાજી), ડાહ્યાભાઈ પટેલ, અનિલ શાહ, લાભુભાઈ ઉપાધ્યાય, વગેરે મહાનુભવોનો સમાવેશ થતો હતો. તે પછી 35 જેટલા ગ્રાન્ડ, પ્લેટિનમ અને ગોલ્ડ સ્પોન્સર્સને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઇન્ડિયા હોમના શ્રીમતી વસુંધરા કલસાપુડીનું પણ સન્માન કરાયું હતું. સંસ્થાને લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવાઆપનારા અને સંસ્થાના પ્રાણ સમા શ્રી પંકજ પરીખનું ખાસ એવોર્ડથી ભવ્ય સન્માન કરાયું હતું, જે તેમના માટે સરપ્રાઈઝ ઘટના હતી. તેમના પુત્ર અને પુત્રીનો વિડીયો સંદેશ રજૂ થયો ત્યારે તેઓ ભાવવિભોર બન્યા હતા. પ્રતિસાદ આપતા પંકજભાઈએ કહ્યું હતું કે હું ઔપચારિક રીતે નિવૃત્ત થાઉં છું, બાકી હું હંમેશા સંસ્થા માટે હાજર જ હોઈશ.

એ પછી સંસ્થાની 30મી વર્ષગાંઠ નિમિત્તે તૈયાર કરાયેલી સ્મરણિકા એટલે કે સોવેનિયરનું મહેમાનોના હસ્તે વિમોચન કરાયું હતું, અમદાવાદથી આવેલા લેખક પત્રકાર અને સમાજસેવક રમેશ તન્નાએ પ્રેમ, પ્રસન્નતા અને પોઝિટિવિટી એ વિષય પર પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ મેકોલે દીવાને ગ્રુપ દ્વારા બોલીવુડ આધારિત ઉર્જામય પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી. કાઠીયાવાડી ભોજન પછી લોક સૂરોની હેલી કાર્યક્રમમાં જાણીતાં ગાયિકા વત્સલા પાટીલે મંચ પર ગુજરાતને ઊભું કરી દીધું હતું.
સંચાલન ભૂષણ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચાર વખત જુદા જુદા આકર્ષક ઇનામોના લકી ડ્રો કરીને અને નાના નાના ગુડીઝ વહેંચીને પ્રેક્ષકોના રસને જાળવી રખાયો હતો. છેલ્લે આઈસ્ક્રીમનો સ્વાદ માણીને આજના આ લગભગ 12 કલાકના કાર્યક્રમની વિવિધ પળોને યાદ કરતા સૌ વિખરાયા હતા
.
ગૌરવશાળી 30મા વર્ષના ભવ્ય ઉજવણી ના ભાગરૂપે શનિવારના આખા દિવસના ભરચક કાર્યક્રમન઼ી સફળતા પછી બીજા દિવસે રવિવારે તા. 17 મે ના રોજ પ્રારંભમાં સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન અને પછી અનોખા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે સમાજના અગ્રણીઓ, મહાનુભાવો, સભ્યો અને વિવિધ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Niche એન્ટરટેન્મેન્ટ પ્રાયોજિત સંગીતનો આ કાર્યક્રમ ન્યૂયોર્ક ક્વીન્સ માં આવેલા હિન્દૂ ટેમ્પલ ઓડિટરીયમ ખાતે યોજાતો હતો. વર્ષ 1913-2025 દરમિયાન ભારતીય સિનેમા જગતના ઉતાર ચડાવ સાથેની મસ્તીભરી સફરને નૃત્ય અને સંગીત સાથે રજૂ કરાઇ હતો. સમગ્ર કાર્યક્રમ 160 મિનિટનો હતો, જેમાં હાજર પ્રેક્ષકોએ આંખનો પલકારો પણ માર્યા વગર કાર્યક્રમ માણ્યો હતો.

ન્યૂયોર્કના સાઝ એન્ટરપ્રાઇઝના સહકારથી આ અદભુત અને અફલાતૂન સંગીતમય કાર્યક્રમની રજૂઆત થઈ હતી. ઈન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યૂયોર્કની 30મી એનિવર્સરીમાં સંસ્થાના સભ્યો જાણે કે પોતાનાં સંતાનોનો લગ્ન પ્રસંગ હોય એવી રીતે સજીધજીને ચહેરા પર સંપૂર્ણ પ્રસન્નતાને લઈને આવ્યાં હતાં. બે દિવસના આ કાર્યક્રમમાં વિવિધ કલાસ્વરૂપો તથા સંસ્થાના જરૂરી કાર્યક્રમોનું અદભુત સંતુલન જોવા મળતું હતું. સંસ્થાના આયોજકોએ એકએક મિનિટનો સુંદર ઉપયોગ કર્યો હતો. ખાણી,-પીણી એ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે ત્યારે સવારના નાસ્તાથી શરૂ કરીને બપોરનું જમણ તથા રાતના વાળુમાં માત્ર ગુજરાતીપણું જ નહીં, પરંતુ ભારતીય વ્યંજનો પણ જોવા મળ્યાં હતાં. સંસ્થાની વિવિધ સમિતિઓની નિષ્ઠા અને શિસ્તને કારણે કાર્યક્રમ સુચારુરૂપે સંપન્ન થયો હતો. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પ્રસન્નતા તથા પ્રેમમય વાતાવરણ અનુભવાતું હતું જે આયોજકોની મોટી સિદ્ધિ ગણી શકાય
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
