NRI

અમેરિકામાં H-1B થી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો બંધ કરવા બિલ રજૂ, ભારતીયોના IT સપના પર મોટો ફટકો

H-1B Green Card Bill | અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives) માં એક રિપબ્લિકન સાંસદ દ્વારા H-1B વિઝા પ્રોગ્રામમાં ધરમૂળથી ફેરફાર કરતું એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં નોકરીની કડક શરતો, ઉચ્ચ વેતન મર્યાદા અને નવા નિયંત્રણોની દરખાસ્ત કરવામાં આવી છે, જે અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી (IT) પ્રોફેશનલ્સને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરી શકે છે.

ટેક્સાસ (Texas) ના સાંસદ ચિપ રોય દ્વારા રજૂ કરાયેલા આ બિલનું નામ ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ ઓફ 2026’ (American White-Collar Worker Jobs Act of 2026) રાખવામાં આવ્યું છે. આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, H-1B અરજદારોએ વિદેશમાં પોતાનું કાયમી નિવાસસ્થાન જાળવી રાખવું પડશે અને ‘તેને છોડવાનો કોઈ ઈરાદો નથી’ તેવું સાબિત કરવું પડશે.

ગ્રીન કાર્ડનો રસ્તો થશે અશક્ય: ઇમિગ્રેશન (Immigration) નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ નવી જોગવાઈ અમેરિકાના વર્ષો જૂના ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ (Dual Intent) માળખાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ માળખું અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડ (Green Card) માટે અરજી કરવાની મંજૂરી આપતું હતું.

નિષ્ણાતોનું કહેવું છે કે જો આ બિલ વર્તમાન મુસદ્દા મુજબ પસાર થઈ જશે, તો પરંપરાગત રીતે H-1B થી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો લગભગ અશક્ય બની જશે. સાંસદ ચિપ રોયે જણાવ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી આ પ્રોગ્રામનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે અમેરિકન કામદારોને નુકસાન થાય છે અને આ લોટરી સિસ્ટમ (Lottery System) બંધ કરીને ગુણવત્તાના આધારે વેતન નક્કી કરવાનો સમય આવી ગયો છે.

ભારતીયો પર થનારી અસરો: અમેરિકાના વિઝા પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી ભારત છે. નાણાકીય વર્ષ 2024 ના ડેટા (Data) અનુસાર, મંજૂર થયેલા કુલ 4 લાખ નવા વિઝામાંથી 2.83 લાખ (એટલે કે 71 ટકા) વિઝા ભારતીય નાગરિકોને મળ્યા હતા. હાલમાં આશ્રિતો સહિત 12.6 લાખથી વધુ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જો કે, ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે આ મુદ્દે ભારે મતભેદો હોવાથી સંસદમાં આ બિલ પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે.

બિલમાં સૂચવાયેલા નવા આકરા નિયમો અને શરતો

ઊંચું વેતન: H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓના વાસ્તવિક વેતન જેટલું અથવા મજૂર વિભાગ દ્વારા નક્કી કરાયેલા 75મા પર્સેન્ટાઇલ મુજબનું વેતન ચૂકવવું પડશે, જેમાંથી જે વધુ હોય તે જ આપવાનું રહેશે. ટૂંકમાં અમેરિકનોના ભોગે ઓછો પગાર આપીને વિદેશી નાગરિકોને નોકરી નહીં આપી શકાય.

અમેરિકનોને પ્રાથમિકતા: કંપનીઓએ સરકારી પ્લેટફોર્મ પર નોકરીની જાહેરાત આપી સાબિત કરવું પડશે કે લાયક અમેરિકન કર્મચારીઓ ઉપલબ્ધ નથી.

કર્મચારીઓની મર્યાદા: કંપનીના કુલ અમેરિકન કર્મચારીબળમાં બિન-ઇમિગ્રન્ટ કર્મચારીઓનો હિસ્સો માત્ર 5% સુધી જ મર્યાદિત રાખવો પડશે.

છટણી પર પ્રતિબંધ: H-1B અરજી દાખલ કરતાં 1 વર્ષ પહેલાં અથવા પછીના 1 વર્ષ સુધી સમાન પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીને છૂટા કરી શકાશે નહીં.

વિઝાના સમયમાં ઘટાડો: H-1B વિઝાનો મહત્તમ સમયગાળો, જે હાલમાં 6 વર્ષ છે, તે ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.

લોટરી સિસ્ટમ બંધ: હાલની નસીબ આધારિત લોટરી પ્રણાલીને બદલે વિઝાની ફાળવણી સીધી વેતનના સ્તરના આધારે કરાશે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago