Taiwan Crisis India | અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી (US-Iran Peace Deal) આખરે ફાઈનલ થઈ ગઈ છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે જ લાંબા સમયથી વૈશ્વિક અર્થતંત્રને ડરાવી રહેલું હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) સંકટ સમાપ્ત થઈ ગયું છે.
દુનિયાની 20 ટકા તેલ અને ગેસની જરૂરિયાતો પૂરી કરતો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હવે ફરીથી ખુલી ગયો છે અને ઈરાની ઓઈલ ટેન્કરોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં સર્જાયેલા આ હોર્મુઝ સંકટને વૈશ્વિક તેલ બજારના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કટોકટી તરીકે જોવામાં આવી રહી હતી. જો કે, આ રાહતની વચ્ચે ભારતના પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ એક મોટી અને ચોંકાવનારી ચેતવણી આપી છે.
જાન્યુઆરી 2016 થી ઓક્ટોબર 2017 સુધી ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા વિજય ગોખલેએ જણાવ્યું છે કે, હોર્મુઝ કરતા પણ ઘણું મોટું સંકટ ભવિષ્યમાં ભારતની સામે આવી શકે છે, જે તાઈવાન (Taiwan) સાથે જોડાયેલું છે.
ભારતથી ભલે આ વિસ્તાર 5,000 કિલોમીટર દૂર હોય, પરંતુ તે દેશ માટે મોટો માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. તેમણે પોતાના નવા પુસ્તક ‘ચાઈનાઝ વોર’ પર ચર્ચા દરમિયાન આ ગંભીર એલર્ટ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે તાઈવાન વિવાદ આપણી ચિંતાનો વિષય નથી, પરંતુ તાઈવાન કે મલક્કા સ્ટ્રેટ (Strait of Malacca) માં જો કોઈ સંકટ ઊભું થાય તો તેની ભારત પર પડનારી નકારાત્મક અસરોનો અંદાજ આપણે ખૂબ ઓછો લગાવી રહ્યા છીએ.
થોડા મહિનાઓ પહેલા સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની શક્યતા બિલકુલ નહિવત માનવામાં આવતી હતી. નિષ્ણાતોનું પણ કહેવું હતું કે ઈરાન ક્યારેય આ માર્ગ બંધ કરવાનું પગલું નહીં ભરે, કારણ કે તે તેલ નિકાસ (Oil export) પર પ્રતિબંધ ન લગાવી શકે જે તેની જીવાદોરી છે.
પરંતુ બંને પક્ષો વચ્ચે યુદ્ધ વધતા અને ઈરાનના ટોચના નેતાઓ પર હુમલા થતાં અચાનક આ આંતરરાષ્ટ્રીય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ તેને વૈશ્વિક તેલ પુરવઠાના ઇતિહાસમાં સૌથી મોટું સંકટ ગણાવ્યું હતું.
આ સ્થિતિ ભારત માટે મોટી મુસીબત બની ગઈ હતી કારણ કે ભારતની કુલ તેલ આયાતનો 55 ટકા હિસ્સો અને CNGનો 90 ટકા હિસ્સો હોર્મુઝ માર્ગ પરથી જ પસાર થાય છે. આ કટોકટી દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતો 100થી 110 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ હતી, જેના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ પર મોંઘવારીનો મોટો બોમ્બ ફૂટ્યો હતો.
આ સંકટથી માત્ર ભારત કે એશિયા જ નહીં, પરંતુ યુરોપ અને અમેરિકા પણ પરેશાન થઈ ગયા હતા. આ ગંભીર આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને જ અમેરિકાએ ઈરાન સાથેની સમજૂતીને પ્રાથમિકતા આપી છે, જેના પર શુક્રવાર 19 જૂને હસ્તાક્ષર કરવામાં આવશે.
પૂર્વ વિદેશ સચિવ ગોખલેના મતે, હોર્મુઝ ખુલ્યા પછી એવું લાગી શકે કે ખરાબ સમય વીતી ગયો છે, પરંતુ ભારતની નબળાઈઓ માત્ર પશ્ચિમ એશિયા પૂરતી સીમિત નથી. જો તાઈવાન સ્ટ્રેટમાં કોઈ સંકટ કે નાકાબંધી જેવી સ્થિતિ ઊભી થશે, તો તેની સામે હોર્મુઝની અસરો ખૂબ નાની લાગશે.
જો કે, તેઓ સીધા યુદ્ધ (War) ની વાત નથી કરી રહ્યા, કારણ કે જો એવું થશે તો અમેરિકાના જોડાવા સાથે જ ત્રીજું વિશ્વયુદ્ધ (Third World War) શરૂ થઈ જશે. પરંતુ યુદ્ધ વગરની પણ કોઈપણ અસ્થિરતા ભારતની સપ્લાય ચેઈન અને અર્થતંત્રને હચમચાવી શકે છે, જેના માટે ભારતે અત્યારથી જ વ્યૂહાત્મક રીતે તૈયાર રહેવું પડશે.
