
Gujarati Tech News | નવો સ્માર્ટફોન બધાને ગમે છે, પરંતુ વારંવાર નવો ફોન ખરીદવો દરેક માટે શક્ય નથી. આ કારણથી સેકન્ડ હેન્ડ અને રિફર્બિશ્ડ સ્માર્ટફોનનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ હોય કે લોકલ મોબાઇલ માર્કેટ, ઓછી કિંમતે ફ્લેગશિપ ફોન ખરીદવાનો લાલચ આપવામાં આવે છે. પરંતુ થોડી બેદરકારી તમને કાનૂની મુશ્કેલી કે મોટાં નુકસાનમાં મૂકી શકે છે.
સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે સૌથી પહેલાં તેની લીગલ ઓળખ ચકાસવી અત્યંત જરૂરી છે. દરેક મોબાઇલમાં યુનિક IMEI નંબર હોય છે, જેના આધારે ફોન ચોરીનો છે કે નહીં તે જાણી શકાય છે. જો ચોરીનો ફોન ખરીદવામાં આવ્યો હોય, તો પોલીસ કાર્યવાહી સુધી મામલો પહોંચી શકે છે. તેથી ખરીદી પહેલાં IMEI નંબરને CEIR પોર્ટલ અથવા નેટવર્ક ઓપરેટર મારફતે જરૂર ચકાસવો જોઈએ.
ફોનની ફિઝિકલ કન્ડિશન પણ મહત્વપૂર્ણ છે. સ્ક્રીન પર લાઇન, શેડો, ટચ લેગ અથવા કલર બ્લીડ જેવી સમસ્યાઓ ભવિષ્યમાં મોટો ખર્ચ કરાવી શકે છે. બોડીમાં ડેન્ટ, વળેલો ફ્રેમ અથવા ઢીલા બટન ફોનના ભારે ઉપયોગ અથવા પડવાનું સંકેત આપે છે. સાથે જ કેમેરા લેન્સ, સ્પીકર અને ચાર્જિંગ પોર્ટની સારી રીતે તપાસ કરવી જોઈએ.
આજના સમયમાં બેટરી હેલ્થ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. જો બેટરી ઝડપથી ડ્રેન થાય, ફોન ગરમ થાય અથવા ચાર્જિંગ ધીમું હોય, તો ભવિષ્યમાં બેટરી બદલવાનો ખર્ચ ઉમેરાઈ શકે છે. શક્ય હોય તો બેટરી હેલ્થ ડેટા સેટિંગ્સ કે સર્વિસ સેન્ટર મારફતે ચકાસવો.
સોફ્ટવેર અને સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. ફોનમાં અગાઉના માલિકનું Google અથવા Apple એકાઉન્ટ લોગ-ઇન ન હોવું જોઈએ. ફેક્ટરી રીસેટ બાદ પણ જો જૂનું એકાઉન્ટ માંગે, તો એવો ફોન ક્યારેય ન ખરીદવો. સાથે જ, ફોનને સિક્યોરિટી અપડેટ મળે છે કે નહીં તે પણ ચકાસવું જરૂરી છે, કેમ કે જૂના ફોન સાયબર ફ્રોડ માટે વધુ જોખમી હોય છે.
રિફર્બિશ્ડ ફોન ખરીદતી વખતે વારંટી અને રિટર્ન પૉલિસી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઓછામાં ઓછા 6 મહિના સુધીની વોરંટી જોખમ ઘણું ઓછું કરી શકે છે. ઉપરાંત કોલિંગ, Wi-Fi, Bluetooth, GPS, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલૉક જેવા તમામ ફીચર્સ સ્થળ પર જ ટેસ્ટ કરવો શ્રેષ્ઠ રહે છે.
કિંમત ખૂબ જ ઓછી લાગે તો સાવચેત થવું જોઈએ. માર્કેટ રેટ કરતાં ઘણી સસ્તી ડીલ પાછળ કોઈ કારણ જરૂર છુપાયેલું હોય છે. હંમેશાં વિશ્વસનીય સોર્સ પરથી બિલ અને ટ્રાન્ઝેક્શન પ્રૂફ સાથે ખરીદી કરવી જોઈએ.
થોડકમાં કહીએ તો, સેકન્ડ હેન્ડ અથવા રિફર્બિશ્ડ ફોન સમજદારીપૂર્વક લેવાયો હોય તો ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ થોડી બેદરકારી તમને પૈસા સાથે સાથે કાનૂની મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.
