
Indian Players Retirement in 2025: વર્ષ 2025માં ટીમ ઈન્ડિયાને ઘણા ફ્યુચર સ્ટાર મળ્યા, તો કેટલાકે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ચાલો જાણીએ આ વર્ષે ભારતના કેટલા ખેલાડીઓએ રિટાયરમેન્ટ લીધું છે.
વર્ષ 2025 ભારતીય ક્રિકેટ માટે ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. એક તરફ જ્યાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટ જીતી છે, તો બીજી તરફ ઘરઆંગણે ટેસ્ટમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. ટીમના આ ઉતાર-ચઢાવના ગાળામાં ઘણા ભારતીય દિગ્ગજોએ આ વર્ષે નિવૃત્તિ પણ લીધી છે, જે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે કોઈ આંચકાથી ઓછી નથી. આવો જાણીએ એવા ભારતીય ખેલાડીઓ વિશે જેમણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે…
રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના ટોપ ખેલાડીઓમાં સામેલ છે. ભારતીય ટીમના દિલ અને ધડકન ગણાતા રોહિત-કોહલીએ પહેલા 2024 T20 વર્લ્ડ કપ પછી T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંને ખેલાડીઓએ મે 2025માં રમતના સૌથી મોટા ફોર્મેટ (ટેસ્ટ ક્રિકેટ)ને પણ અલવિદા કહી દીધું. હાલમાં બંને માત્ર વનડેમાં જ ભારત માટે રમી રહ્યા છે.
ટેસ્ટમાં લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડી ચેતેશ્વર પુજારા અને રિદ્ધિમાન સાહાએ પણ વર્ષ 2025માં નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ ટીમમાં અંદર-બહાર થતા રહેલા બંને ખેલાડીઓએ વાપસીની આશા છોડીને અંતે નિવૃત્તિ લઈ લીધી. પુજારાએ તેની છેલ્લી ટેસ્ટ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જ્યારે સાહાએ ડિસેમ્બર 2021માં છેલ્લી વાર ભારત માટે વ્હાઇટ જર્સી પહેરી હતી. સાહાએ ફેબ્રુઆરીમાં ક્રિકેટને અલવિદા કહ્યું, જ્યારે પુજારાએ ઓગસ્ટમાં નિવૃત્તિની જાહેરાત કરી.
ભારતના અન્ય કેટલાક ખેલાડીઓ વરુણ એરોન, પીયૂષ ચાવલા અને અમિત મિશ્રા પણ છે જેમણે આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સિવાય હવે મોહિત શર્માએ પણ 3 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે મોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ઘણી ટૂંકી રહી હતી. તેણે માત્ર બે વર્ષ (2013-15) માટે ભારતીય ટીમની જર્સી પહેરી હતી.
