EPF Account Merge | જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેના ‘યુનિવર્સલ એકાઉન્ટ નંબર’ (UAN) સાથે એક કરતાં વધુ PF ખાતા (મેમ્બર આઈડી) જોડાઈ જતા હોય છે. નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી અને આ ખાતા આપમેળે મર્જ પણ થતા નથી.
જોકે, નિષ્ણાતોના મતે જૂના ખાતાના પૈસા વર્તમાન ખાતામાં ટ્રાન્સફર કરી લેવા ખૂબ જ ફાયદાકારક છે. ખાતું મર્જ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કર્મચારીની જૂની નોકરીના વર્ષોની ગણતરી (સર્વિસ હિસ્ટ્રી) પણ નવા ખાતા સાથે આગળ વધે છે.
નિયમ મુજબ, પીએફની રકમ 5 વર્ષની સળંગ નોકરી પછી જ ટેક્સ ફ્રી બને છે. જો આ સમયગાળો પૂરો થયા પહેલાં રકમ ઉપાડવામાં આવે, તો તેના પર ટેક્સ લાગી શકે છે અને નિયમ અનુસાર TDS પણ કપાઈ શકે છે.
તમે EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જઈને જાતે જ ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકો છો:
- સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગ-ઈન કરો.
- લોગ-ઈન થયા પછી, ‘Online Services’ ટેબ હેઠળ આપેલા ‘One Member – One EPF Account (Transfer Request)’ વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ક્રીન પર દેખાતી પર્સનલ વિગતો બરાબર વેરિફાય કરી લો.
- જૂની નોકરીના પીએફ ખાતાની વિગતો મેળવવા માટે ‘Get Details’ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ક્લેમ વેરિફિકેશન માટે જૂના અથવા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકને પસંદ કરી, આધાર લિંક્ડ મોબાઈલ પર OTP મેળવીને રિક્વેસ્ટ સબમિટ કરો.
જો ભૂલથી કર્મચારીને 2 અલગ-અલગ UAN નંબર મળી ગયા હોય, તો પોતાના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પરથી uanepf@epfindia.gov.in પર મેઇલ કરીને જૂનો UAN નંબર બંધ કરવા માટે વિનંતી કરી શકાય છે.
