H-1B Visa Fee Hike: અમેરિકામાં નોકરી કરવાનો સપનો જોતા ભારતીય યુવાનો અને ત્યાંની ટેક કંપનીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના એક ફેડરલ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને માન્ય રાખ્યો છે, જેમાં H-1B વિઝાની ફી વધારીને 1,00,000 ડોલર (લગભગ ₹89 લાખ) કરવાની દરખાસ્ત સામેલ છે. આ ચુકાદા બાદ અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.
કોર્ટનો ચુકાદો: ટ્રમ્પને કાયદાકીય સત્તા
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલ (Beryl Howell) એ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, વિઝા પ્રોગ્રામની કિંમતમાં વધારો કરવાનો અધિકાર અમેરિકાના પ્રમુખને છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવતા જજે જણાવ્યું હતું કે, આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાં કોંગ્રેસે પ્રમુખને વ્યાપક સત્તા આપી છે.
શું છે H-1B વિઝા?
H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેના માધ્યમથી અમેરિકી કંપનીઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કુશળ વ્યાવસાયિકોને નોકરી પર રાખી શકે છે.
ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મોટો આંચકો
ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝાના નિયમોમાં સૂચવાયેલા ફેરફારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી 2,000થી 5,000 ડોલર વચ્ચે રહેતી વિઝા ફી સીધી 1 લાખ ડોલર સુધી વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત, વર્ષોથી ચાલતી લોટરી સિસ્ટમને દૂર કરીને હવે ઉચ્ચ પગાર ધરાવતા અને વધુ કુશળ ઉમેદવારોને પ્રાથમિકતા આપતું નવું મોડલ અમલમાં મૂકવાની તૈયારી છે. આ કડક નિયમો 27 ફેબ્રુઆરી, 2026થી લાગુ થવાની શક્યતા છે.
ભારત પર સૌથી વધુ અસર કેમ?
આ નિર્ણયની સૌથી મોટી અસર ભારત પર પડશે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, અમેરિકામાં H-1B વિઝા મેળવનારા કુલ કામદારોમાં લગભગ 70% હિસ્સો ભારતીયોનો છે. જો વિઝાની ફી આટલી ભારે વધે, તો અમેરિકી કંપનીઓ ભારતીય એન્જિનિયરોને હાયર કરવાનું ટાળી શકે છે અથવા તેમની ભરતી ખર્ચાળ બનશે.
ટેક કંપનીઓ માટે વધતું સંકટ
ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ટેક કંપનીઓ વિદેશી ટેલેન્ટ પર મોટા પાયે આધાર રાખે છે. H-1B વિઝાની ફી 1 લાખ ડોલર થવાથી કંપનીઓ પર આર્થિક બોજ વધશે, જેના કારણે હાયરિંગ પ્રક્રિયા, પગાર અને વૈશ્વિક ટેલેન્ટ સ્ટ્રેટેજી પર સીધી અસર પડી શકે છે.
