Gujarat Drugs War | ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું સમાપન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ અવસરે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવાની કાર્યવાહી માત્ર અભિયાન નહીં પરંતુ એક સતત જંગ છે, જેનો હેતુ રાજ્યના યુવાનો તેમજ પરિવારોને ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત રાખવાનો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ સામેની કાર્યવાહી અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરવામાં નહીં આવે. ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરુદ્ધના આ જંગમાં કડકાઈ અને સખ્તાઈથી કાર્ય કરી રહી છે, જે બદલ પોલીસ અધિકારીથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
સંશોધનાત્મક પ્રેઝન્ટેશન અને ટેકનોલોજી પર ભાર
બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન જિલ્લા એસપી અને પોલીસ કમિશનરો દ્વારા રજૂ કરાયેલા સંશોધનાત્મક પ્રેઝન્ટેશનની પ્રશંસા કરતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, તેમાં નવીન વિષયો, ટેકનોલોજી અને અભિગમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમવર્કના પ્રયાસો ભવિષ્યમાં અન્ય જિલ્લાઓ અને શહેરોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે.
નાગરિક વિશ્વાસ અને ટીમ લીડરશિપ
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્યના ગરીબ, છેવાડાના નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને પીડિતો માટે ગુજરાત પોલીસ જ સૌથી મોટો આધાર છે. નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવાથી ઝડપી અને અસરકારક પરિણામ મળી શકે છે. પોલીસ વડાઓએ પોતાના કર્મચારીઓને રેન્ક નહીં પરંતુ અનુભવ અને ક્ષમતાના આધારે મૂલવવા જોઈએ અને ટીમ લીડર તરીકે હંમેશા તેમના સાથે ઊભા રહેવું જોઈએ.
ડ્રગ્સ સામે કડક કાર્યવાહી
નાયબ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ અને સુરત પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરતમાં તાજેતરમાં હાઇબ્રીડ ગાંજો પકડવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2022ની સરખામણીમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે પોલીસની સક્રિય કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની નહીં પરંતુ કડકાઈની નીતિ અપનાવવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.
પોલીસ અધિકારીઓનું સન્માન
આ પ્રસંગે વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ 36 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગાંધીનગરમાં આયોજિત સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને પદક આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ ઉપરાંત,
-
Union Home Minister’s Medal for Excellence in Investigation હેઠળ 15 અધિકારીઓને,
-
Union Home Minister’s Special Operation Award હેઠળ 16 અધિકારીઓને,
-
તેમજ એક મહિલા પોલીસ અધિકારીને જીવન રક્ષા પદક-2024 એનાયત કરવામાં આવ્યું હતું.
રાજ્ય પોલીસ વડાનું નિવેદન
રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ઐતિહાસિક ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં હકારાત્મક અને લાંબા ગાળાનો પરિવર્તન લાવશે. કોન્ફરન્સમાં રજૂ થયેલી બેસ્ટ પ્રેક્ટિસીસને તમામ જિલ્લાઓ અને એકમોમાં અમલમાં મૂકવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
સમાપન સમારોહમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, ડૉ. નીરજા ગોટરું સહિત એડીજીપી, આઇજીપી, ડીઆઇજી અને એસપી રેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
