FBI Most Wanted suspect Manjit Singh Bedi arrested in Punjab India
અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈ (FBI) ની મોસ્ટ વૉન્ટેડ (Most Wanted) યાદીમાં સામેલ અને $600,000 (અંદાજે રૂ. 5 કરોડથી વધુ) ના સરકારી ખાદ્ય સહાય કૌભાંડમાં આરોપી ભારતીય મૂળના અમેરિકી નાગરિક મનજીત સિંહ બેડી (Manjit Singh Bedi) ની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે.
FBI દ્વારા આરોપીની માહિતી આપનાર માટે $150,000 (અંદાજે રૂ. 1.25 કરોડ)ના ઇનામની જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં જ પંજાબ પોલીસે આ મોટી સફળતા મેળવી છે.
65 વર્ષીય મનજીત સિંહ બેડીની જાલંધર કમિશ્નરેટ પોલીસ (Jalandhar Commissionerate Police) દ્વારા પરાગપુર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. FBIએ આરોપીની ગિરફ્તારીની પુષ્ટિ કરી છે અને હવે તેને અમેરિકા પ્રત્યાર્પિત (Extradite) કરવા માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે.
શું હતું $600,000 નું SNAP કૌભાંડ?
અમેરિકાના વોશિંગ્ટન (Washington) રાજ્યના ટાકોમા (Tacoma) માં ‘એશિયન ગ્રોસરી સ્ટોર’ (Asian Grocery Store) ચલાવતા મનજીત સિંહ પર માર્ચ 2024 થી જૂન 2025 વચ્ચે અમેરિકા સરકારના સપ્લીમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) માં મોટું કૌભાંડ આચરવાનો આરોપ છે. આ સરકારી યોજના ગરીબ પરિવારને મફત ખોરાક માટે આર્થિક મદદ પૂરી પાડે છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીના સ્ટોરને ઈબીટી કાર્ડ (EBT Card) દ્વારા SNAP બેનિફિટ્સ સ્વીકારવાની મંજૂરી મળી હતી. જોકે, જરૂરિયાતમંદ લોકોને કરિયાણું વેચવાને બદલે મનજીત કાર્ડ સ્વાઇપ કરીને લોકોને અડધી રકમ રોકડ (Cash) માં આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો. ઉદાહરણ તરીકે, $200 ના ટ્રાન્ઝેક્શન સામે ગ્રાહકને $100 કેશ આપી બાકીના $100 પોતે રાખી લેતો હતો, જ્યારે કાગળ પર આ પૂરેપૂરી ખરીદી બતાવવામાં આવતી હતી.
અમેરિકાથી ભારત ભાગી આવવાની કહાણી:
આ કૌભાંડ સામે આવ્યા બાદ વોશિંગ્ટનની ફેડરલ કોર્ટે (Federal Court) મનજીત સામે વાયર ફ્રોડ (Wire Fraud) ના ચાર્જિસ લગાવ્યા હતા. શરૂઆતમાં તેને પાસપોર્ટ જમા કરાવવાની અને રાજ્ય ન છોડવાની શરતે જામીન મળ્યા હતા. પરંતુ, તે શરતોનો ભંગ કરીને યુ.એસ.-કેનેડા બોર્ડર (U.S.-Canada Border) ક્રોસ કરી ભારત ભાગી આવ્યો હતો. મે 21 ના રોજ તેની સામે ફેડરલ એરેસ્ટ વોરંટ (Federal Arrest Warrant) ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
ભારતમાં નોંધાયેલો અલગ કેસ:
જાલંધરના પોલીસ કમિશનર સતિંદર સિંહના જણાવ્યા અનુસાર, બેડી સામે રામા મંડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને પંજાબ ટ્રેવલ પ્રોફેશનલ્સ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેના આધારે તેની ધરપકડ કરાઈ છે. પંજાબ પોલીસ હાલ તેના નાણાકીય વ્યવહારો અને પ્રવાસ વિગતોની તપાસ કરી રહી છે. પંજાબના ડીજીપી (DGP) ગૌરવ યાદવે પણ આ ધરપકડની માહિતી શેર કરી હતી.
અમેરિકાના કૃષિ વિભાગ (USDA) હેઠળ ચાલતી SNAP યોજનામાં નિયમ મુજબ રાશન ખરીદી શકાય છે પરંતુ રોકડ લઈ શકાતી નથી. હાલ એફબીઆઈ આરોપીને અમેરિકી અદાલત સમક્ષ રજૂ કરવા માટે ભારત સરકારના સંપર્કમાં છે.
