Sayla Chotila Accident: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે. સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક (Eicher Truck) અને બાઈક (Bike) વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, બાઈક સવાર પરિવાર વખતપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈશર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક મહિલા સહિત પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે સાયલા સરકારી હોસ્પિટલ (Hospital) ખસેડાયા હતા.
ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) રિફર કરવામાં આવ્યા છે. સાયલા પોલીસે (Police) ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકના મૃતદેહને પીએમ (Post Mortem) અર્થે ખસેડી વધુ તપાસ અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
