B S C OF DALLAS દ્વારા સ્નેહ, આનંદ ઉલ્લાસથી ભરપૂર સમર પિકનિક 2026

“B S C OF DALLAS દ્વારા સ્નેહ, આનંદ ઉલ્લાસથી ભરપૂર સમર પિકનિક 2026”
Bharatiya Senior Citizens Of Dallas દ્વારા તા. 24 મે, રવિવારના રોજ Breckinridge Park Richardson , TX ,ખાતે બપોરના 3:00 વાગ્યાથી સાંજના 8:00 વાગ્યા સુધી લગભગ 180 સભ્યોની ઉત્સાહભરી હાજરી વચ્ચે Summer પિકનિકનું સુંદર આયોજન કરવામાં આવેલ. અનુકૂળ અને આનંદદાયક વાતાવરણ વચ્ચે સભ્યોએ મિત્રતા, હાસ્ય, સહભાગિતા અને પ્રકૃતિની મજા સાથે યાદગાર સાંજ માણી. કાર્યક્રમની શરૂઆત હંમેશાની જેમ સ્વાદિષ્ટ સ્નેક્સથી થઈ. જ્યોત્સનાબેન અમીન તરફથી પ્રેમપૂર્વક પીરસાયેલ ખમણ તેમજ Lilaben & Meghajibhai Ghelani અને Ashaben & Dhirubhai Dobaria તરફથી આપવામાં આવેલી મસાલા ચા અને સ્નેહસભર આત્થિયે સૌના દિલ જીતી લીધા. સેવાભાવ અને લાગણીથી કરાયેલ આ આવકારથી સમગ્ર વાતાવરણ ઉષ્માભર્યું બની ગયું હતું. ચાલુ માસ દરમિયાન જેમના જન્મદિવસ તેમજ મેરેજ એનિવર્સરી આવેલ હતા તે સભ્યો અને કપલ્સનું ફૂલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.
“Happy Birthday” અને એનિવર્સરી ગીતોની મધુર ધૂન વચ્ચે કેટલાક કપલ્સે હળવા નૃત્ય સાથે પ્રસંગને વધુ આનંદમય બનાવી દીધો. તાજેતરમાં યોજાયેલી San Antonio ટુર અંગેની સંપૂર્ણ માહિતી અને ખર્ચની વિગત પ્રવીણભાઈ પાનસુરીયાએ સભ્યો સમક્ષ સુંદર રીતે રજૂ કરી. સાથો સાથ બચેલા પૈસાનું સભ્યોએ સંસ્થાને દાન તરીકે આપેલ. આ પ્રસંગે Swami Vivekanand Netra Mandir Trust તરફથી સુરતથી પધારેલા ડૉ. Bhavin Bhuva અને ડૉ. Bhavin Patel એ ટ્રસ્ટની સેવાકીય અને માનવતાભરી પ્રવૃત્તિઓ અંગે હૃદયસ્પર્શી માહિતી આપી. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય, નિઃશુલ્ક સારવાર તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા જેવી સેવાઓ વિશે સભ્યોએ ખૂબ રસપૂર્વક સાંભળ્યું અને સારો પ્રતિસાદ આપતા સહયોગ કરેલ અને વધારે સહયોગ માટે ભાવના પણ વ્યક્ત કરેલ. મનોરંજન વિભાગમાં બિંગો ગેમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. નરેશભાઈ શાહ અને અશ્વિનભાઈ અમીને સુંદર આયોજન સાથે ગેમ રમાડતા સભ્યોમાં ભારે ઉત્સુકતા અને આનંદ જોવા મળ્યો. નાના મોટા દરેક સભ્યોએ આતુરતાપૂર્વક ભાગ લીધો અને આશરે સાત જેટલા ઇનામોના વિતરણ સાથે સમગ્ર વાતાવરણ હાસ્ય અને રોમાંચથી ગુંજી ઉઠ્યું.

વિશાળ અને હરિયાળું પાર્ક હોવાથી ઘણા સભ્યોએ જૂથોમાં વોકિંગ, ટોકિંગ અને પ્રકૃતિની મજા માણી. ક્યાંક હાસ્યના ફવારા હતા તો ક્યાંક જૂના મિત્રોની યાદોનું મીઠું મિલન જોવા મળ્યું. સાથોસાથ પેવેલિયન ખાતે શરદભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પવાશીયા અને અશોકભાઈ રૂપાણીએ મધુર અને મનમોહક ગીતોની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને વધુ સંગીતમય અને આનંદમય બનાવી દીધું.
આજના પ્રસંગે રજનીભાઈ અને ભારતીબેન પટેલની મેરેજ એનિવર્સરી નિમિત્તે ડિનરની સુંદર વ્યવસ્થા તેમના તરફથી કરવામાં આવી હતી. સાથે જ અશોકભાઈ અને મુક્તાબેન રૂપાણી તરફથી મીઠાઈની પ્રેમભરી ભેટ આપવામાં આવી હતી. સ્વાદિષ્ટ ભોજનમાં પાપડ, છાશ, રસાવાળું શાક, વઘારેલી ખીચડી તથા મીઠાઈમાં ના લાડુનો સૌએ ભરપૂર સ્વાદ માણ્યો. ડિનર બાદ રજનીભાઈ તરફથી પીરસાયેલ ઠંડુ અને રસદાર તરબૂચ ડેઝર્ટ સમાન બની સમગ્ર સાંજને વધુ તાજગીભરી બનાવી ગયું. કુસુમબેન અને જેન્તીભાઈ બલર તરફથી તેમની મેરેજ એનિવર્સરી નિમિત્તે આપવામાં આવેલ સ્નેહસભર અનુદાન બદલ સંસ્થા તરફથી હૃદયપૂર્વક આભાર તથા શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના સેક્રેટરી શ્રી નરેશભાઈ શાહ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. સાથે જ વિનુભાઈ રામોલિયા, મનસુખભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ પાનસુરીયા, વિઠ્ઠલભાઈ બલર, દીપકભાઈ પટેલ, સુરેશભાઈ ભાવસાર, યોગેશભાઈ પટેલ, ભારતીબેન પટેલ, પૂર્ણિમાબેન શાહ તથા અન્ય વોલન્ટિયર્સના સહકાર, સેવા અને મહેનતથી આ સમર પિકનિક અત્યંત સફળ અને યાદગાર બની રહી. સ્નેહ, સેવા, સંગાથ અને આનંદથી ભરપૂર આ સમર પિકનિક સભ્યોના હૃદયમાં લાંબા સમય સુધી મીઠી યાદો બની રહેશે.

