
World Breastfeeding Week | દર વર્ષે 1થી 7 ઓગસ્ટ દરમિયાન, ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક ઝુંબેશ છે જેનો ઉદ્દેશ્ય સ્તનપાનને પ્રોત્સાહન આપવા, રક્ષણ આપવા અને સમર્થન આપવાનો છે. સ્તનપાન એ માત્ર શિશુ માટે પોષણનો સૌથી કુદરતી અને શ્રેષ્ઠ સ્ત્રોત નથી, પરંતુ તે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે મજબૂત પાયો પણ નાખે છે.
બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે.
ગુજરાતમાં કાર્યરત્ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે.
આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.