AI એક્શન પ્લાનના બીજા સ્તંભ Infrastructureને મજબૂત કરવા માટે રાજ્યવ્યાપી GPU-as-a-Service ફ્રેમવર્ક અમલમાં

—–
સરકારી વિભાગો, સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગની સુવિધા
—–
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે અને State-wide GPU-as-a-Service (GPUaaS) Frameworkને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની સામૂહિક અને કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ બનશે.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત ન રાખીને સુશાસન, જાહેર સેવા વિતરણ અને નવીનતામાં તેનો વ્યાપ વધારવા માગે છે. આ માટે અમલમાં મુકાયેલા AI Action Planના છ મુખ્ય સ્તંભોમાં Data, Infrastructure, Capacity Building, Foundational R&D and Use Case Development, Deeptech Startup Facilitation તથા Safe & Trusted AIનો સમાવેશ થાય છે. આ જ યોજનાના બીજા સ્તંભ એટલે કે Infrastructureને મજબૂત કરવા માટે હવે GPUaaS માળખું કાર્યરત કરાયું છે.
એક જ પ્લેટફૉર્મથી અનેક સરકારી સંસ્થાઓને AI કમ્પ્યુટિંગ શક્તિ
આ નવા માળખા હેઠળ ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કેન્દ્રિત GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવામાં આવશે. આથી અલગ-અલગ સરકારી વિભાગોને પોતાના સ્તરે મોંઘા હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાતમાં ઘટાડો થઈ શકે છે અને ઉપલબ્ધ સંસાધનોનો કેન્દ્રિત રીતે ઉપયોગ શક્ય બનશે.
સરકારી વિભાગો ઉપરાંત સરકારી સંસ્થાઓ, બોર્ડ-કૉર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગ દ્વારા સમયાંતરે મંજૂર કરવામાં આવતી અન્ય સંસ્થાઓ પણ મંજૂર AI તથા ડેટા આધારિત ઉપયોગના કિસ્સાઓ માટે આ GPU સુવિધાનો લાભ લઈ શકશે.
મંજૂર AI પ્રોજેક્ટને મળશે પ્રાથમિકતા
GPU રિસોર્સિસની ફાળવણી કેન્દ્રિય વ્યવસ્થા મારફતે થશે. તેમાં ટેક્નિકલ શક્યતા, ઉપલબ્ધ સંસાધનો, મંજૂર ઉપયોગ-કેસ, જરૂરિયાતની પ્રાથમિકતા અને લાગુ પડતી સરકારી નીતિઓ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે. GIL GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોવિઝનિંગ, ઓપરેશન, મોનિટરિંગ અને મેનેજમેન્ટ સહિતની જવાબદારી સંભાળશે. પરિણામે AI આધારિત પ્રોજેક્ટ્સ માટે જરૂરી કમ્પ્યુટિંગ ક્ષમતાનું વ્યવસ્થિત સંચાલન થઈ શકશે.
સરકારી વિભાગો અને AI સ્ટાર્ટઅપ્સ માટે 100% સબસિડી
આ નિર્ણયનું સૌથી મહત્વનું પાસું એ છે કે પાત્ર રાજ્ય સરકારના વિભાગો, સરકારી સંસ્થાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100 ટકા સબસિડીના ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત AI CoEમાં AI Innovation Challenge હેઠળ પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા AI Use Casesના production rollout માટે પણ આ સુવિધા 100 ટકા સબસિડીના આધારે ઉપલબ્ધ રહેશે. આથી AI ક્ષેત્રમાં નવીન પ્રયોગો કરી રહેલા સરકારી તંત્ર તેમજ પસંદગીના સ્ટાર્ટઅપ્સ માટે હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગનો પ્રવેશ વધુ સરળ બનશે.
અન્ય સ્ટાર્ટઅપ્સને પણ સુવિધા, પરંતુ ઉપલબ્ધતા આધારિત

સરકારી વિભાગો અને પસંદગીના સ્ટાર્ટઅપ્સ ઉપરાંત અન્ય સ્ટાર્ટઅપ્સને પણ GPU સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે. જોકે આ માટે GPU રિસોર્સિસની ઉપલબ્ધતા અને મંજૂર GPUaaS Framework હેઠળની શરતો લાગુ પડશે. આવા કિસ્સામાં વાસ્તવિક GPU સેવા ખર્ચ સાથે લાગુ પડતી GIL કન્સલ્ટન્સી ફી ચૂકવવાની રહેશે.
GIL સંભાળશે ‘એન્ડ-ટુ-એન્ડ’ વ્યવસ્થા
GPUaaS ઇકોસિસ્ટમને માત્ર કમ્પ્યુટિંગ રિસોર્સ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા પૂરતી સીમિત રાખવામાં આવી નથી. GILને ઓપરેશનલ, ટેક્નિકલ અને વહીવટી સંકલન, મોનિટરિંગ, નાણાકીય વ્યવસ્થાપન અને ગવર્નન્સ સપોર્ટ સહિતની એન્ડ-ટુ-એન્ડ જવાબદારી સોંપવામાં આવી છે. IndiaAI દ્વારા empanelled Cloud Service Provider પાસેથી લેવામાં આવતી GPU સેવાઓના વાસ્તવિક ખર્ચ પર GILને 7 ટકા કન્સલ્ટન્સી ફી ચૂકવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
AI સાથે ડેટા સિક્યોરિટી અને જવાબદાર ઉપયોગ પર પણ ભાર
AIની વધતી પહોંચ સાથે ડેટા અને સાયબર સુરક્ષાને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. વિભાગો અને વપરાશકર્તા સંસ્થાઓ GPU સંસાધનોનો ઉપયોગ માત્ર મંજૂર હેતુ માટે જ કરી શકશે. સાથે જ માહિતી સુરક્ષા, ડેટા પ્રાઇવસી, સાયબર સિક્યોરિટી અને Responsible Use of AI સંબંધિત લાગુ સરકારી નીતિઓનું પાલન કરવાનું રહેશે.
માર્ગદર્શિકા અને મોનિટરિંગ માટે GILને જવાબદારી
GPUaaSના વ્યવહારુ અમલીકરણ માટે પાત્રતા, અરજી પ્રક્રિયા, GPU ફાળવણીની પદ્ધતિ, ઓપરેશનલ ગાઇડલાઇન્સ, ચાર્જિંગ મેથોડોલોજી અને મોનિટરિંગ ફ્રેમવર્ક સહિતની વિગતવાર માર્ગદર્શિકા GIL દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની મંજૂરીથી સમયાંતરે બહાર પાડવામાં આવશે. આથી રાજ્યમાં AI માટેની GPU ક્ષમતાનો ઉપયોગ એકસમાન, વ્યવસ્થિત અને નીતિબદ્ધ રીતે થાય તે માટેનું માળખું પણ તૈયાર થશે.
AI આધારિત ગવર્નન્સને મળશે નવી ગતિ
ગુજરાત સરકારના AI Action Planમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વના છ સ્તંભોમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે GPUaaS Frameworkના અમલીકરણથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તંભને વ્યવહારુ સ્વરૂપ મળ્યું છે. હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગની કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ થવાથી મંજૂર AI અને ડેટા આધારિત ઉપયોગ-કેસ માટે જરૂરી કમ્પ્યુટિંગ ક્ષમતાનો ઉપયોગ વધુ સુવ્યવસ્થિત રીતે કરી શકાશે. સરકારી વિભાગોથી લઈને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સ સુધી આ વ્યવસ્થાનો વ્યાપ રાખવામાં આવ્યો છે.
આમ; ગુજરાતમાં હવે AI માટે માત્ર નીતિ અને આયોજન નહીં, પરંતુ તેને અમલમાં મૂકવા માટેનું સંયુક્ત, કેન્દ્રિત અને સંચાલિત કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ગયું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
