ટેક્સાસ ખાતેશ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી

શ્રી ગોવર્ધન નાથજી મંદિર વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ ખાતેશ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી અત્યંત ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાંઆવી હતી. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે સવારે શ્રી ઠાકોરજીનું પંચામૃત સ્નાન કરવામાં આવ્યું તથા સાંજે પણ વિશેષ ઉત્સવ શૃંગાર સાથેના મનોહર દર્શનનો સૌ વૈષ્ણવોએ લાભ લીધો. મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિ અને કૃષ્ણમય ભાવનાથી ગુંજી ઉઠ્યું.
બીજા દિવસે નંદ મહોત્સવ નિમિત્તે દર્શન, સત્સંગ અને વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો ની અનેરી ધૂન, ગરબાની રમઝટ, ખાસ કરીને અત્રે ચાલી રહેલ પુષ્ટિ શિક્ષા કેન્દ્ર ના, પુષ્ટિ બાલ મિલનના બાળ વૈષ્ણવો દ્વારા મટકી ફોડનો સુંદર કાર્યક્રમ મંદિર ના જ પાર્ક માં આયોજિત કરવામાં આવ્યો, જેમાં બાળકોએ કૃષ્ણ, બાલ સખા, રાધાજી અને સખીઓના સુંદર પોશાક સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો મટકી ફોડી આનંદની વહેંચણી કરવામાં આવી હતી. સાથે અત્રે સ્થાપિત શ્રી ગિરિરાજ જીના પૂજન નો લાભ લીધો હતો. , આ સમગ્ર પ્રસંગે ઉપસ્થિત વૈષ્ણવોમાં આનંદની લહેર પ્રસરી ગઈ. બાળ વૈષ્ણવોની સુંદર ભાગીદારી, ભક્તિભાવ અને ઉત્સાહે સમગ્ર નંદ મહોત્સવને વધુ જીવંત અને આનંદમય બનાવી દીધો.
શ્રી નંદલાલના જન્મોત્સવની આ પાવન ઉજવણી સૌ માટે ભક્તિ, આનંદ, એકતા અને કૃષ્ણપ્રેમથી ભરપૂર એક સુંદર સ્મૃતિ બની રહી.આગામી તા. ૧૯, સપ્ટેમ્બર,અહી રાધાષટમીના ઉત્સવની ઉજવણી સાંજે ૫ઃ૦-૬ઃ૩૦ કલાકે થશે , સૌને લાભ લેવા આમંત્રણ છે.
