Global AI Protest | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ને અત્યાર સુધીની સૌથી મોટી ટેક ક્રાંતિ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. વિશ્વભરની દિગ્ગજ ટેક કંપનીઓ (Tech Companies) દાવો કરી રહી છે કે AI દુનિયા બદલી નાખશે, માણસોના કામ કરવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરશે અને એક નવી ગ્લોબલ ઇકોનોમી (Global Economy) ઊભી કરશે.
જોકે, આ આકર્ષક દાવાઓની બીજી તરફ એક ભયાનક વાસ્તવિકતા પણ આકાર લઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિરુદ્ધ દુનિયાના અનેક પ્રગતિશીલ દેશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં સુપરપાવર અમેરિકા (USA) પણ બાકાત નથી.
દુનિયાના નકશા પર નજર કરીએ તો એઆઈના વિરોધમાં પ્રદર્શનો સતત વધી રહ્યા છે. ક્યાંક સ્થાનિક લોકો એઆઈ ડેટા સેન્ટર (AI Data Center) ના નિર્માણને રોકી રહ્યા છે, ક્યાંક વિખ્યાત લેખકો એઆઈ વિરુદ્ધ મોરચો માંડી રહ્યા છે, તો ક્યાંક વિદ્યાર્થીઓ અને એક્ટિવિસ્ટ્સ (Activists) ટેક કંપનીઓના ઉચ્ચ અધિકારીઓનો ઘેરાવ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિને જોતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલ ઉઠવા લાગ્યો છે કે શું AI સામે કોઈ મોટું ગ્લોબલ આંદોલન (Global Movement) આકાર લઈ રહ્યું છે?
AI સામે કેમ ભભૂક્યો જનતાનો ગુસ્સો?
એઆઈ પ્રત્યેનો આ વિરોધ માત્ર સામાન્ય નોકરીઓ છીનવાઈ જવાના ડર પૂરતો મર્યાદિત નથી. સામાન્ય નાગરિકો અને પર્યાવરણવાદીઓની ચિંતા અત્યારે જુદા જુદા સ્તરે વહેંચાયેલી છે. એક તરફ કર્મચારીઓને ડર છે કે ફ્યુચર ટેકનોલોજી (Future Technology) તેમની આજીવિકા છીનવી લેશે.
બીજી તરફ સ્થાનિક આદિવાસીઓ અને ગ્રામીણ સમુદાયોને લાગે છે કે એઆઈ મોડલ્સ (AI Models) ને ચલાવવા માટે ઊભા કરવામાં આવતા વિશાળ ડેટા સેન્ટર્સ તેમના શહેરો, કુદરતી સંસાધનો અને ગામડાઓ પર અસહ્ય બોજ બની રહ્યા છે.
વાસ્તવમાં, AI સિસ્ટમ્સને અવિરત ચલાવવા માટે અકલ્પનીય માત્રામાં વીજળી, પાણી અને કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Computing Infrastructure) ની જરૂર પડે છે. આ જ મુખ્ય કારણ છે કે અમેરિકા, કેનેડા (Canada) અને યુરોપ (Europe) ના અનેક વિસ્તારોમાં નવા ડેટા સેન્ટરોના પ્રોજેક્ટ્સ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પાણી અને વીજળીનું અંધાધૂંધ આંધણ
ડેટા સેન્ટર્સમાં થતા પાવર કન્ઝમ્પશન (Power Consumption) નો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક 100-Megawatt નો એઆઈ ડેટા સેન્ટર એકલા હાથે 75000 ઘરો વપરાશ કરે એટલી વીજળી બબાદ કરે છે.
આટલું જ નહીં, વિવિધ રિપોર્ટ્સ અનુસાર એક આઘાતજનક અનુમાન છે કે વર્ષ 2025 સુધીમાં એઆઈ સિસ્ટમ્સના કારણે 765 બિલિયન લીટર પાણીનો વપરાશ થઈ ચૂક્યો હતો. આ આંકડો સમગ્ર વિશ્વની મિનરલ વૉટર બૉટલ ઇન્ડસ્ટ્રી (Water Bottle Industry) ના કુલ કદ બરાબર છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (International Energy Agency – IEA) ના પ્રોજેક્શન (Projection) મુજબ, વર્ષ 2030 સુધીમાં દર વર્ષે એઆઈ પાછળ 1200 બિલિયન લીટર પાણીનો ધુમાડો થશે. વાસ્તવમાં આ કિંમતી પાણીનો ઉપયોગ ડેટા સેન્ટરના સર્વર્સને ઠંડા રાખવા એટલે કે કૂલિંગ (Cooling) માટે કરવામાં આવે છે.
આ સિવાય ડેટા સેન્ટરને ચોવીસ કલાક કાર્યરત રાખવા માટે થર્મલ પાવર દ્વારા જે ઇલેક્ટ્રિસિટી (Electricity) બને છે, તેમાં પણ પાણી મોટા પાયે વપરાય છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ્સના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાશે અને સ્થાનિક પર્યાવરણ (Environment) સંપૂર્ણપણે નાશ પામશે.
અમેરિકામાં ડેટા સેન્ટર બન્યા રાજકીય મુદ્દો
અમેરિકામાં હાલમાં એઆઈ વિરોધનું મુખ્ય કેન્દ્રબિંદુ આ ડેટા સેન્ટર્સ જ બન્યા છે. અનેક રાજ્યોમાં સ્થાનિક વહીવટી તંત્ર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. તાજેતરમાં કેલિફોર્નિયા (California) ના કોચેલા (Coachella) વિસ્તારમાં સેંકડો લોકોએ પ્રસ્તાવિત ડેટા સેન્ટર પ્રોજેક્ટ વિરુદ્ધ જોરદાર પ્રદર્શનો કર્યા હતા.
આ જનવિરોધ એટલી હદે વધી ગયો કે સ્થાનિક પ્રશાસને અબજો ડોલરના પ્રોજેક્ટ્સ પર કામચલાઉ રોક લગાવવાની ફરજ પડી છે. આ સિવાય વર્જિનિયા, ટેક્સાસ, એરિઝોના, વિસ્કોન્સિન અને મિસોરી જેવા અનેક રાજ્યોમાં પણ સમાન પ્રદર્શનો જોવા મળ્યા છે.
જનઆક્રોશના કારણે કેટલીક જગ્યાએ મલ્ટિ-બિલિયન ડોલરના પ્રોજેક્ટ્સ કાયમ માટે રદ (Cancel) કરવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ પ્રોડક્શન (Production) પાછળ ઠેલવામાં આવ્યું છે.
કેનેડામાં પણ રસ્તા પર ઉતરી જનમેદની
માત્ર અમેરિકા જ નહીં, પાડોશી દેશ કેનેડામાં પણ એઆઈ ડેટા સેન્ટરોના વિરોધમાં પૂર આવ્યો છે. કેનેડાના વેનકુવર (Vancouver) શહેરમાં સેંકડો પ્રદર્શનકારીઓએ એઆઈ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ વિરુદ્ધ વિશાળ રેલી યોજી હતી. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પર્યાવરણીય પ્રદૂષણ અને ઊર્જાનું સંકટ સ્થાનિક નાગરિકોએ ભોગવવાનું હોય, તો આ પ્રોજેક્ટ્સથી સામાન્ય જનતાને શું ફાયદો?
કલાકારો અને લેખકો પણ મેદાને
એઆઈના વિરોધ પાછળ કોપીરાઈટ (Copyright) અને બૌદ્ધિક સંપદાનો મુદ્દો પણ એટલો જ મોટો છે. દુનિયાભરના પ્રખ્યાત લેખકો, કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) આરોપ લગાવી રહ્યા છે કે એઆઈ કંપનીઓ ઓપન સોર્સમાંથી તેમનો ડેટા ચોરી કરીને પોતાના મોડલ ટ્રેનિંગ (Model Training) માટે વાપરી રહી છે.
હાલમાં જ હજારો લેખકોએ એઆઈના વિરોધમાં પ્રતીકાત્મક રૂપે ‘ખાલી પુસ્તકો’ (Blank Books) પ્રકાશિત કરીને અનોખો પ્રહાર કર્યો હતો. ફિલ્મ, મ્યુઝિક (Music) અને મીડિયા ઇન્ડસ્ટ્રીની અનેક યુનિયનો અત્યારે એઆઈના નિયમન માટે કડક કાયદાની માંગ કરી રહી છે.
ટેક કંપનીઓ અને સામાન્ય જનતા વચ્ચે ખાઈ
વર્તમાન પરિસ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે ટેક કંપનીઓ અને આમ જનતા વચ્ચેનો અવિશ્વાસ ચરમસીમાએ પહોંચ્યો છે. કંપનીઓ એઆઈને આર્થિક વિકાસનું સાધન ગણાવે છે, જ્યારે 70 ટકા જેટલા સામાન્ય લોકો તેને રોજગાર, પ્રાઇવસી (Privacy) અને પ્રકૃતિ માટે મોટો ખતરો માને છે.
છેલ્લા 2 વર્ષથી એઆઈ જે કોઈ પણ પ્રશ્ન વિના સ્વીકારવામાં આવી રહ્યું હતું, તે ‘હનીમૂન પિરિયડ’ (Honeymoon Period) હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે. હવે વૈશ્વિક સ્તરે ચર્ચા માત્ર એ વાતની નથી કે એઆઈ શું કરી શકે છે, પરંતુ ચર્ચા એ વાતની છે કે આ મોંઘા ટેકનોલોજીકલ પ્રયોગની કિંમત કોણે ચૂકવવી પડશે.
