Tamil Nadu TVK | તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 (Assembly Election 2026) ના પરિણામો બાદ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કષગમ’ (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે અને હવે કોંગ્રેસે તેને ટેકો જાહેર કરતા રાજ્યમાં નવા સમીકરણો રચાયા છે.
કોંગ્રેસની શું માગ? તમિલનાડુની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. 2021 અને 2026 ની ચૂંટણીમાં DMK સાથે ગઠબંધન (Alliance) કરનાર કોંગ્રેસે હવે વિજયની પાર્ટી TVK ને સમર્થન આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ ટેકાના બદલામાં કેબિનેટ (Cabinet) માં 2 મંત્રી પદ અને સરકારી બોર્ડના અધ્યક્ષ પદની માંગણી કરી શકે છે.
કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર રાખવાનો તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, જનતાનો આદેશ સીધો ડીએમકે (DMK) સરકારની વિરુદ્ધમાં છે. કોંગ્રેસના સાંસદ (MP) મણિકમ્મ ટાગોરે ‘X’ પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે.
હવે જ્યારે ભાજપ (BJP) તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના (Strategy) પર વિચાર કરી શકે છે.
કોંગ્રેસનું માનવું છે કે ડીએમકેની હારના કારણે તેમને બિનજરૂરી નુકસાન થયું છે, તેથી હવે તેઓ ભાજપ વિરુદ્ધ લડતી શક્તિઓ સાથે ઉભા રહેવાના વિકલ્પો ચકાસી રહ્યા છે.
ડીએમકે ભડકી, કોંગ્રેસને દગાબાજ ગણાવી તમિલનાડુમાં થલપતિ વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) એ 108 બેઠકો સાથે મેળવેલી ભવ્ય જીત બાદ વર્ષો જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે. કોંગ્રેસે વિજયને શરતી ટેકો જાહેર કરતા ડીએમકે (DMK) એ કોંગ્રેસને ‘દગાબાજ’ અને ‘પીઠમાં છરો ભોંકનાર’ ગણાવી તીખી પ્રતિક્રિયા આપી છે.
ડીએમકેના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો મુખ્યમંત્રી (CM) એમ.કે. સ્ટાલિનને કારણે આવી હતી. બીજી તરફ, કોંગ્રેસે એઆઈએડીએમકે (AIADMK) ને સત્તાથી દૂર રાખવા અને ભાજપને રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે, જેના માટે વિજયે કોંગ્રેસ અધ્યક્ષ (President) મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને સમર્થન માંગ્યું છે.
આંકડાનું ગણિત: શા માટે વિજય હજુ પણ સરકાર બનાવવાથી દૂર? તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી બહુમતી (Majority) માટે 118 બેઠકોની જરૂર છે. ચૂંટણી પરિણામોની સ્થિતિ મુજબ:
TVK ની બેઠકો: 108 બેઠકો મેળવી છે.
કોંગ્રેસનો સાથ: કોંગ્રેસના 5 ધારાસભ્યો (MLAs) છે, જેમના ટેકા બાદ આ આંકડો 113 પર પહોંચે છે.
વધારાની જરૂરિયાત: કોંગ્રેસના સમર્થન છતાં વિજયને સરકાર બનાવવા માટે હજુ પણ 5 અન્ય ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે.
સીટોનું સમીકરણ અને ટેકનિકલ અડચણો વિજય માટે બહુમતી સાબિત કરવી એટલી સરળ નથી કારણ કે કેટલીક ટેકનિકલ બાબતો આંકડાકીય ખેલ બગાડી શકે છે: વિજય ‘પેરમ્બુર’ અને ‘તિરુચિરાપલ્લી પૂર્વ’ એમ બંને બેઠકો પરથી જીત્યા છે. નિયમ મુજબ તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જેનાથી TVK ની સંખ્યા ઘટીને 107 થઈ જશે.
સ્પીકરનું પદ પણ ગુંચવાશે જો TVK પોતાના સ્પીકર (Speaker) ની નિમણૂક કરે, તો તેઓ વિશ્વાસ પ્રસ્તાવ (Confidence Motion) દરમિયાન મતદાન કરી શકશે નહીં, જેનાથી પાર્ટીની અસરકારક મતદાન ક્ષમતા 106 પર આવી જશે. આ સંજોગોમાં વિજયને પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે કુલ 12 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર પડી શકે છે.
7મી મે ના રોજ શપથ ગ્રહણની શક્યતા રાજકીય ચર્ચાઓ મુજબ, વિજય બુધવારે રાજ્યપાલ (Governor) રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો બધું યોજના મુજબ પાર ઉતરશે, તો 7 મે ના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે અને તેમની સાથે અન્ય 9 મંત્રીઓ શપથ (Oath) લઈ શકે છે. હાલમાં TVK અન્ય પક્ષો જેવા કે VCK અને લેફ્ટ (Left) પાર્ટીઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે.
