Sandeep Pathak FIR | આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં ઓચિંતો વધારો થયો છે. તાજેતરમાં જ કેજરીવાલનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયેલા પાઠક સામે પંજાબમાં કાયદાકીય ગાળિયો કસાયો છે.
પંજાબ પોલીસ દ્વારા રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ બંને કેસ અત્યંત ગંભીર અને બિન-જામીનપાત્ર (Non-Bailable) કલમો હેઠળ નોંધાયા હોવાથી તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે તેવી પ્રબળ શક્યતા છે.
સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર (Chief Strategist) માનવામાં આવતા હતા. તેમના નેતૃત્વમાં પક્ષે અનેક ચૂંટણીઓમાં સફળતા મેળવી હતી, પરંતુ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમણે રાઘવ ચઢ્ઢા સહિત અન્ય 7 સાંસદો સાથે પક્ષ પલટો કરીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો હતો.
આ ઘટનાથી AAP ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, ભાજપમાં જોડાયાના ગણતરીના સમયમાં જ તેમની સામે થયેલી આ કાર્યવાહીને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને કેસ અલગ-અલગ ઘટનાઓ સાથે જોડાયેલા છે. જોકે, FIR માં લગાવવામાં આવેલા આરોપોની વિગતવાર માહિતી અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ બિન-જામીનપાત્ર ગુનો હોવાથી સંદીપ પાઠક માટે કોર્ટમાંથી રાહત મેળવવી મુશ્કેલ બની શકે છે.
ભાજપ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી (Political Vendetta) ગણાવી રહ્યું છે, જ્યારે પંજાબ સરકાર કાયદો પોતાનું કામ કરી રહ્યો હોવાનો દાવો કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે ભાજપ અને AAP વચ્ચે મોટી નિવેદનબાજી અને કાયદાકીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
