Sagar Rabari Resignation | ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ (Local Body Elections) ની મતગણતરી પૂર્ણ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડા (Raju Karapada) એ પક્ષ છોડ્યો હતો, અને હવે સાગર રબારીની વિદાયથી સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે.
સોશિયલ મીડિયા (Social Media) પર આપી જાણકારી સાગર રબારીએ તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂર્ણ કરું છું અને તમામ જવાબદારીઓમાંથી મુક્ત થાઉં છું.” તેમણે અત્યાર સુધી સહયોગ આપનાર તમામ સાથીઓનો આભાર પણ માન્યો હતો.
ખેડૂત નેતા તરીકે મજબૂત પકડ સાગર રબારી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અને ખેડૂતોમાં અત્યંત લોકપ્રિય નેતા છે. ખેડૂતોના પ્રશ્નોને મજબૂતીથી ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં અનેક સ્તરે ચૂંટણીઓ (Elections) યોજાવાની છે, ત્યારે આવા કદાવર નેતાનું જવું ‘આપ’ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.
હજુ સુધી તેમણે અન્ય કોઈ પક્ષમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં ગરમાવો આવી ગયો છે.
