
Namotsav Mega Musical Show | વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જીવન, મક્કમ વિચારધારા અને રાષ્ટ્રનિર્માણના અડગ સંકલ્પને જન-જન સુધી પહોંચાડવા માટે અમદાવાદના સંસ્કારધામ (ઘુમા) ખાતે ભવ્ય મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, “નમોત્સવ એ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની યાત્રા છે.”
150 કલાકારો દ્વારા જીવંત પ્રસ્તુતિ
આ મેગા ઈવેન્ટમાં જાણીતા કલાકાર સાઈરામ દવે સહિત 150 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આ શૉ દ્વારા નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીની સફરને ટેકનોલોજી અને સંગીતના સમન્વયથી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નરેન્દ્ર મોદી: નિયતિને નિયતથી ઘડનાર નેતા
શ્રી અમિતભાઈ શાહે સંબોધનમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી કોઈ સામાન્ય રાજનેતા નથી, પરંતુ તે એક એવું વ્યક્તિત્વ છે જેમણે નિષ્ઠા અને પારદર્શિતાથી ભારતની કિસ્મત બદલી છે. ગરીબ પરિવારમાં જન્મેલા એક વ્યક્તિને આજે વિશ્વના ૨૯ દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે, જે સમગ્ર ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ છે.
11 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓનો ચિતાર
ગૃહમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ થયેલા ક્રાંતિકારી ફેરફારો ગણાવતા કહ્યું કે:
-
ગરીબી નાબૂદી: 27 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા.
-
જનસુવિધા: 11 કરોડ ગેસ કનેક્શન, 15 કરોડ શૌચાલય અને 4 કરોડ ગરીબોને પાકા મકાન મળ્યા.
-
રાષ્ટ્રીય ગૌરવ: કલમ 370 નાબૂદી, રામ મંદિર નિર્માણ અને ડિજિટલ ઇન્ડિયામાં ભારતનો ડંકો.
-
અર્થતંત્ર: ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું અને હવે ત્રીજા ક્રમ તરફ આગળ વધી રહ્યું છે.
નવી પેઢી માટે પ્રેરણાનું ઝરણું
શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘નમોત્સવ’ નવી પેઢીના યુવાનો અને બાળકોમાં દેશપ્રેમ તેમજ સેવાના મૂલ્યો જગાડશે. તેમણે આ ભવ્ય આયોજન બદલ સંસ્કારધામની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
View this post on Instagram
ઉપસ્થિત મહાનુભાવો
આ કાર્યક્રમમાં ICC ચેરમેન શ્રી જય શાહ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પરિમલ નથવાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને ડૉ. આર. કે. શાહ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
