
AI Image Trends 2025 privacy risks | વર્ષ 2025 હવે પૂર્ણતાના આરે છે અને જો આપણે પાછળ વળીને જોઈએ તો આ વર્ષ ચોક્કસપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે રહ્યું છે. તેમાં પણ સૌથી વધુ ચર્ચા AI ઇમેજ જનરેટર્સની થઈ છે. સોશિયલ મીડિયા પર ક્યારેક લોકો 90ના દાયકાના હીરો-હીરોઈન જેવા લુકમાં જોવા મળ્યા, તો ક્યારેક નાના રમકડા જેવા 3D અવતારમાં. પરંતુ, આ મનોરંજક તસવીરો પાછળ તમારી પ્રાઈવસી માટે ખતરાની ઘંટી પણ વાગી રહી છે.
2025ના વાયરલ AI ટ્રેન્ડ્સ અને છુપાયેલા જોખમો
1. રેટ્રો સાડી AI ટ્રેન્ડ (Retro Saree Trend): ગૂગલ અને અનેક થર્ડ પાર્ટી એપ્સ દ્વારા આ વર્ષે રેટ્રો સાડી ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થયો હતો. આ ટ્રેન્ડ માટે લોકોએ પોતાની એકદમ ક્લિયર અને ક્લોઝ-અપ સેલ્ફી અપલોડ કરી હતી. ટેક એક્સપર્ટ્સના મતે, અજાણી થર્ડ-પાર્ટી એપ્સ પર ફોટો અપલોડ કરીને લોકોએ પોતાની બાયોમેટ્રિક ઓળખ અજાણ્યા સર્વર્સને સોંપી દીધી છે.
2. 3D સ્ટેચ્યુ અને મિનિએચર ટ્રેન્ડ (3D Statue Trend): Gemini અને અન્ય ટૂલ્સની મદદથી પોતાની જાતને નાનકડી મૂર્તિ કે રમકડા તરીકે દર્શાવવાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવા પ્લેટફોર્મ સુરક્ષિત હોઈ શકે છે, ત્યારે તેની નકલમાં બનેલી સેંકડો નકલી વેબસાઇટ્સ અને એપ્સ લોકોનો પર્સનલ ડેટા ચોરી કરી રહી છે.
3. પ્રોફેશનલ હેડશોટ અને એનિમેશન ટ્રેન્ડ: ઘણા યુવાનોએ સ્ટુડિયો ગયા વગર ઘરે બેઠા AI દ્વારા પ્રોફેશનલ કોર્પોરેટ ફોટા બનાવ્યા અને તેને CV (રેઝ્યૂમે) માં પણ વાપર્યા. આ સગવડ મેળવવાના ચક્કરમાં લોકોએ પોતાની હાઈ-ક્વોલિટી ઇમેજ એવી એપ્સને આપી દીધી જેની સુરક્ષા પોલિસી વિશે કોઈ માહિતી જ નહોતી.
તમારા ડેટા પર શું છે ખતરો?
એક્સપર્ટ્સના મતે, ફ્રીમાં મળતી આ સુવિધા પાછળ નીચે મુજબના જોખમો રહેલા છે:
-
ડીપફેક (Deepfake) ખતરો: તમારી હાઈ-ક્વોલિટી ફોટોનો ઉપયોગ કરીને તમારા ચહેરાનું ડિજિટલ ક્લોન બનાવી શકાય છે, જેનો દુરુપયોગ વીડિયો કોલિંગ સ્કેમમાં થઈ શકે છે.
-
ડેટાનું વેચાણ: ઘણી ફ્રી એપ્સ યુઝર્સનો ડેટા એડવર્ટાઈઝિંગ કંપનીઓને વેચીને કમાણી કરે છે.
-
ગૅલેરી અને કોન્ટેક્ટ્સનું એક્સેસ: ફોટો બનાવવા માટે ઘણી એપ્સ આખા ફોનની ગૅલેરી અને લોકેશનનું એક્સેસ માંગી લે છે, જે જોખમી છે.
સાવચેતી જ બચાવ છે: ઇન્ટરનેટ પર જ્યારે કોઈ વસ્તુ એકદમ ફ્રી મળે છે, ત્યારે સમજી લેવું કે ત્યાં ‘પ્રોડક્ટ’ તમે પોતે છો. 2026માં પ્રવેશતા પહેલા એ વાત યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ નવો ટ્રેન્ડ આવે ત્યારે ફોટો અપલોડ કરતા પહેલા એપની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જ જરૂરી છે.
