
karnataka Bus-Truck Accident: કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ પાસે સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 17 લોકોના જીવ ગયા હોવાનું અનુમાન છે. અકસ્માત બાદ બસમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.
અકસ્માત કેવી રીતે થયો?
પોલીસના જણાવ્યા મુજબ, હિરિયૂર તરફથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પ્રવેશી ગઈ અને એ જ સમયે બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે તેની સામસામે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બસ તરત જ આગની લપેટમાં આવી ગઈ.
જીવતા બળીને મોત, બચાવ કાર્યમાં પડકાર
અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી. કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકોના આગમાં જીવતા બળીને મોત થયા છે. મૃતકોની સત્તાવાર સંખ્યા ઓળખ પ્રક્રિયા બાદ જાહેર કરવામાં આવશે.
પોલીસ તપાસ અને ટ્રાફિક પ્રભાવ
પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીતે ઘટનાસ્થળે પહોંચીને તપાસની દેખરેખ રાખી હતી. હિરિયૂર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ધીમે ધીમે સામાન્ય કરવામાં આવ્યો.
