Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

 આ ગણતરી વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે
 ઓખાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ.
 આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણી તેમજ ચેરના વૃક્ષોનો સમૃદ્ધ વરસો
 દર વર્ષે લાખોની સંખ્યામાં સ્થાનિક-યાયાવર પક્ષીઓનું આ દરિયાઈ વિસ્તારમાં વિચરણ

કિચડિયા- WADERS પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન

દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. ૦૩ થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.

સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેક જૈવવિવિધતા માટે જાણીતું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન – પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ-જળચર સંરક્ષણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન-પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લાં ૨૫ વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે.
ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી. લાંબા દરિયાકાંઠા અને ૪૨ ટાપુઓનો સમાવેશ થાય છે. કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરીયાને અહીં જોવા મળતી દરિયાઇ જીવસૃષ્ટિ અને ચેર -મેન્ગ્રુવના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઇ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય છે. જ્યારે અન્ય સ્થાનો ઉપર સ્કુબા ડાઇવીંગ કરવી અનિવાર્ય બની જાય છે.

મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવાળા, ડોલ્ફીન, કાચબા, ડુગોંગ, પોરપોઇઝ, વિવિધ જાતિના કરચલાં, પફરફીશ, સ્ટારફીશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.
આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ હોવાથી આ વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (મધ્ય એશિયાઇ ઉડ્ડયનમાર્ગ) એ યુરોપ -એશિયામાં આર્કટીક અને હિન્દ મહાસાગર પર ફેલાયેલો છે. જેમાં ખાસ કરીને ઉત્તરે સાઇબેરીયાના બ્રિડીંગ ગ્રાઉન્ડસ-પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઇને દક્ષિણ-પશ્ચિમી એશિયા, માલદિવ્સ અને બ્રિટીશ ઇન્ડીયન ઓશન ટેરેટરીમાં આવેલા નોન બ્રિડીંગ-વિન્ટર ગ્રાઉન્ડસ એટલે કે, શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ ખાસ કરીને વોટર બર્ડસ-પાણીના પક્ષીઓ તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાય વે મારફતે અનેક દેશો પરથી પસાર થઇને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે.

પક્ષી જગતમાં જામનગરનું અનેરુ મહત્ત્વ
સ્થાનિક અને વિદેશી પક્ષીઓ માટે ગુજરાતનો જામનગર જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ ખૂબ અનેરુ મહત્વ ધરાવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ સમૃદ્ધ વિસ્તારોમાં વિહરતા જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા જળપ્લાવિત વિસ્તારો, લાંબી દરિયાઈ પટ્ટી, ડુંગરાળ અને ઘાસના વિસ્તારો, જળાશયો અને સોલ્ટ પાન પક્ષીઓને રેહઠાણ-ખોરાક માટેની આદર્શ પરિસ્થિતિ પુરી પાડતા હોવાથી તેમના માટે આe વિસ્તાર સ્વર્ગ સમાન છે.
વર્ષોથી અહિયાં વિચરતા કિચડિયા- WADERS પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન છે. જામનગરમાં આશરે ૩૦૦ થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. માત્ર કિચડીયા પક્ષીઓની ૫૦ થી વધારે પ્રજાતીઓ જોવા મળે છે. એમાં પણ “શંખલો- Crab plover”, “મોટો કિચડિયો – Great Knot” જેવા પક્ષીઓ દેશમાં અન્યત્ર ખૂબ જ ઓછા જોવા મળે છે, જ્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. જેના ફળસ્વરૂપે ખીજડિયા પક્ષી અભયારણ્ય,નરારા અને અન્ય વિસ્તારો પક્ષી પ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર કિચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રયાસ બની રહેશે.

પક્ષી ગણતરી:

રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. સ્થાવર પક્ષી તેમજ વિશ્વભરમાંથી આવતા યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતીઓની ઓળખ, તેમની સંખ્યા વગેરેની માહિતી મેળવવા વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પક્ષી વસ્તી અંદાજ પણ કરવામાં આવે છે. જેના થકી સંપૂર્ણ માહિતી મેળવી પક્ષીઓના યોગ્ય સંરક્ષણ અને સંવર્ધન માટેના નિર્ણય લેવામાં આવે છે.
આ ઉપરાંત પક્ષીઓના વસવાટ માટેના નવા વિસ્તારોની ઓળખ, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની ઉપસ્થિતી વિશેની માહિતી, તેમની સંખ્યા, વસ્તી ગીચતા અને આવાગામન માટેનો યોગ્ય સમય જેવા વિવિધ પાસાઓને પણ આવરી લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: