કામધેનુ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો

[3:15 PM, 5/6/2023————

પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલનના વિદ્યાર્થીઓ પગાર માટે નહીં, પણ દેશ માટે કર્તવ્યભાવથી કામ કરે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

સમગ્ર દેશમાં પશુસારવાર માટે મોબાઈલ વેટરનરી યુનિટની શરૂઆત, સમગ્ર દેશમાં પશુઓનું રસીકરણ કરાશે : કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા

ભારતને ‘ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી‘ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવામાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ : શ્રી રાઘવજીભાઈ પટેલ

GNLU, ગાંધીનગરમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં ૬૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત : સ્નાતક કક્ષાના ૪૯૯, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ તથા પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓને પદવી અપાઈ

=========================================================================================================

કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં આજે રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને પદવી એનાયત કરાઈ હતી. ૬૫ વિદ્યાર્થીઓને મેડલ્સ સહિત ૬૭૦ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કામધેનુ યુનિવર્સિટીમાંથી શિક્ષા અને દીક્ષા મેળવનાર વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે સમર્પણભાવથી લોકોના સારા સ્વાસ્થ્ય માટે, પર્યાવરણની રક્ષા માટે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ક્રાંતિ માટે અને પરિવાર, સમાજ, રાજ્ય તથા રાષ્ટ્રના કલ્યાણ માટે કર્તવ્યધર્મ બજાવવાની શીખ આપી હતી.

દીક્ષાંત ઉદ્બોધનમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશના પશુઓની દૂધ આપવાની ક્ષમતા સરેરાશ સાડા ત્રણ લીટર છે. આ એવરેજ સાથે પણ ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. દૂધ ઉત્પાદનની સરેરાશ વધીને 10 લીટર થાય એ માટે પશુઓની નસલ સુધારવાની દિશામાં વિદ્યાર્થીઓ કામ કરશે તો આપણા દેશની પ્રગતિને કોઈ નહીં આંબી શકે.

ગાયોને વાછરડી જ જન્મે એ માટે સેક્સ શોર્ટેડ સિમેનના વધુ ઉત્પાદન માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતમાં આ દિશામાં મહત્વની કામગીરી થઈ રહી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.  રાજ્ય સરકારે અપનાવેલા તાલીમના નવા મોડેલથી પ્રતિમાસ ૩ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. કામધેનુ-ગાય સમગ્ર વિશ્વની માતા છે. કરુણા, દયા અને ઉપકારનું પ્રતીક છે. ગાય એકમાત્ર છે જેના ગૌમૂત્ર અને ગોબર પવિત્ર તો છે જ, અત્યંત ઉપયોગી પણ છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને કોઈ જ ખર્ચ વિના સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.  પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે અને દૂધ ઉત્પાદન માટે સેક્સ શોર્ટેડ સિમેન ટેકનોલોજી અત્યંત ઉપયોગી છે.

પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રે અભ્યાસ કરીને દીક્ષાંત થયેલા છાત્રોને તેમને માત્ર પગાર માટે નોકરી નહીં પણ સમાજના, રાજ્યના અને દેશના કલ્યાણ માટે પ્રમાણિકતાપૂર્વક કર્તવ્યપાલનની ભાવનાથી કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ દીક્ષાંત સમારોહમાં સ્નાતક અને અનુસ્નાતક થતાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમારે આ ક્ષેત્રને તમારા કૌશલ્ય થકી આગળ વધારવાનું છે. ભારતની ઈકોનોમીમાં  પશુપાલન,મત્સ્ય અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનને વધારવાનું કાર્ય કરવાનું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ આ ક્ષેત્ર માટે સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં 108 ની સેવાની શરૂઆત કરી હતી. નાગરિકોની સારવાર માટે 108 ની જેમ સમગ્ર દેશમાં પશુ સારવાર માટે મોબાઈલ વેટરનરી યુનિટની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોના ઘર આંગણે તેમના પશુઓને સારવાર મળી રહેશે. પ્રથમ તબક્કામાં ૪૦૦૦ મોબાઇલ વેટરનરી એમ્બ્યુલન્સની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર દેશના પશુઓના રસીકરણ માટે રૂપિયા ૧૩ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ભારત ડેરી ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં આપણો દેશ નંબર વન પર છે. દેશના મુખ્ય પાક ઘઉં, બાજરી અને મકાઈ; ત્રણેય થઈને જેટલી રકમનું ઉત્પાદન થાય છે એટલી રકમનું તો આપણે દૂધ ઉત્પાદન કરીએ છીએ. ભારતની સૌથી મોટી પ્રોડક્ટ દૂધ છે. આવનારા વર્ષોમાં ભારતમાં દૂધનું ઉત્પાદન ઉત્તરોત્તર વધારવા માટે તેમણે આહવાન કર્યું હતું.

રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગનું મહત્વ ખૂબ જ વધારે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ‘ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી‘ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે, તેને પરિપૂર્ણ કરવામાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ પૂરવાર થશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવામાં ગુજરાતનો અગત્યનો ફાળો રહ્યો છે. આ વાતને ધ્યાને લઇને જ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી વિપુલ તકોને તેમજ આ ક્ષેત્રે શિક્ષણ-સંશોધનને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૦૯માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

કૃષિ મંત્રીશ્રીએ પશુપાલન, ડેરી તથા મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ભવિષ્યમાં જે પડકારો ઉભા થાય તેનો જ્ઞાન અને કુનેહથી જનહિતમાં ઉકેલ લાવી સમગ્ર વિશ્વના કલ્યાણમાં ભાગીદાર થવા પદવી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

સ્વાગત પ્રવચન કરતાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. એન. એચ. કેલાવાલાએ જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર વેટરનરી, ડેરી અને ફિશરીઝ સાયન્સની યુનિવર્સિટી છે, જે વિદ્યાર્થીઓ અને પશુ માલિકો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાતો પૂરી કરે છે. જેથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ વ્યાવસાયિક શિક્ષણ મળે અને પશુ માલિકોને તેમના પ્રાણીઓ માટે યોગ્ય આરોગ્ય સંભાળ મળી રહે. ડૉ. કેલાવાલાએ યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો અને સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે કામધેનુ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડૉ. એમ. એમ. ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.

પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૪૯૯ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત  કરવામાં આવી હતી. તે પૈકી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ, સ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૯ વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ તેમજ ૧૪ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. કામધેનુ વિશ્વવિદ્યાલય માં અત્યારે ૪,૫૦૭ જેટલા વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે

આ કાર્યક્રમમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કુલસચિવશ્રીઓ, કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

19 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

19 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago