દીનદયાળ પોર્ટ માત્ર ગુજરાતનું જ નહિ પણ દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર
ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને આસામની ઈન્ડસ્ટ્રીયલ કેપિસિટીનું સંયોજન એટલે ઈ-મિથેનોલ પ્રોજેક્ટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી નવી ઊર્જા વ્યવસ્થાઓ તરફ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.
એક સમયે પડાકારોની ભૂમિ તરીકે ઓળખાતા કચ્છની ઓળખ બદલવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું

૦૦૦૦
આસામના મુખ્યમંત્રીશ્રી હિમંત બિસ્વા સરમા :
સોલાર, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું ગુજરાત
ગુજરાતના સુપુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લીધે આસામના વિકાસને મળી નવી દિશા
દેશના વિકાસમાં કોઈ રાજ્ય કેવી રીતે સક્ષમતાથી યોગદાન આપી શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાત
૦૦૦૦
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે ભારત દુનિયાની એક મોટી અને શક્તિશાળી અર્થવ્યવસ્થા બની છે : કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ
૦૦૦૦
ગાંધીધામ ખાતે ₹૨,૩૦૦ કરોડના ખર્ચે ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રીશ્રી હિમંત બિસ્વા સરમા
૦૦૦૦
૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટના કાર્યાન્વિત થવાથી સ્થાનિક સ્તરે ૩,૫૦૦થી વધુ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું થશે સર્જન
૦૦૦૦
*દીનદયાળ પોર્ટ અને આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડના
સંયુક્ત ઉપક્રમથી ગ્રીન શિપિંગ ક્ષેત્રમાં આવશે નવી ક્રાંતિ*
૦૦૦૦
ઈ-મિથેનોલ ગ્રીન ફ્યુઅલ ઉત્પાદન સાથે ગુજરાત સહિત કચ્છના ઔદ્યોગિક વિકાસ અને રોજગારને મળશે નવી દિશા
૦૦૦૦
ગુજરાત-આસામની ઔદ્યોગિક ભાગીદારીથી કચ્છમાં ટકાઉ બંદર વિકાસના ધ્યેય સાથેના ₹૨,૩૦૦ કરોડના ગ્રીન ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ
૦૦૦૦

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રીશ્રી હિમંત બિસ્વા સરમાએ કચ્છના ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શનિવારે શિલાન્યાસ કર્યો હતો.
ગાંધીધામ ખાતે ₹૨,૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા
૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કાર્યક્રમ DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે યોજાયો હતો.
આ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના ગ્રીન એનર્જીના વિઝનને નવી દિશા આપશે.
પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર સેવા સમર્પણ અને જનસેવા સાધનાના ૨૫ વર્ષ ૭મી ઓક્ટોબરે પૂર્ણ થવાના છે. વડાપ્રધાનશ્રીએ સરકારના વડા તરીકે સતત અને સૌથી વધુ સમય સેવારત રહેવાનો અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ સફળતા લોકો સુધી પહોંચાડવા દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યું છે.

ઈ-મિથેનોલ પ્લાન્ટ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે કચ્છની ધરતી પર દીનદયાળ પોર્ટ ખાતે દેશની ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન શિપિંગને નવી દિશા આપતા પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને આસામની ઈન્ડસ્ટ્રીયલ કેપિસિટીનું સંયોજન છે અને તે એક ભારત – શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
દીનદયાળ પોર્ટ માત્ર ગુજરાતનું જ નહિં, પરંતુ દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી નવી ઊર્જા વ્યવસ્થાઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. કચ્છમાં દીનદયાળ પોર્ટને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાની દિશામાં ઝડપથી કામગીરી થઈ રહી છે. કચ્છના કંડલા ખાતે ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના પ્રોડક્શન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. આ ઇકોસિસ્ટમમાં આસામ પેટ્રોકેમિકલના ઇ-મિથેનોલનું એક મહત્વપૂર્ણ જોડાણ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેક્ટના વિઝન અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટનું સૌથી મોટું મહત્વ માત્ર તેના રોકાણમાં નહિ પરંતુ તેની પાછળ રહેલા પર્યાવરણીય સંકલ્પમાં છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનશ્રીના પંચામૃત દ્વારા ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો તરફ આગળ વધવાનો સંકલ્પના વિઝનને સ્પષ્ટ કરે છે. આજે દેશમાં સૌ પ્રથમ હાઈડ્રોજન પાવર્ડ ટ્રેન ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૭ સપ્ટેમ્બર એટલે આવતી કાલે દેશની પહેલી LNG ટ્રેનને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાબરમતીથી પ્રસ્થાન કરાવવશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતીય રેલવે દ્વારા ક્લિન અને ગ્રીન એનર્જીની દિશામાં આ નક્કર કદમ બની રહેશે.
કંડલા દીનદયાળ પોર્ટ ખાતે નિર્માણ થનાર ઈ-મિથેનોલ પ્લાન્ટ વડાપ્રધાનશ્રીની ગ્રીન ગ્રોથની પ્રતિબદ્ધતાને ચરિતાર્થ કરે છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતનો મોટાભાગનો વેપાર સમુદ્ર માર્ગે થાય છે. જેના કારણે પોર્ટ્સ અને શિપિંગનું ડિકાર્બનાઈઝેશન પણ ક્લાઈમેટ ગોલ્સ માટે ખૂબ મહત્વનું છે. કંડલા ખાતે ગ્રીન મિથેનોલનું ઉત્પાદન અને બંકરિંગ ફેસેલિટી ઊભી થવાથી જહાજોને ક્લીનર મરિન ફ્યુઅલ ઉપલબ્ધ થવાની દિશામાં એક મહત્વપૂર્ણ માળખું તૈયાર થશે.
કચ્છના ઔદ્યોગિક વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે પડાકારોની ભૂમિ તરીકે ઓળખાતા કચ્છની આ ઓળખ બદલવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. એશિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં નિર્માણ થઈ રહ્યો છે. આજે કચ્છમાં ઈન્ડસ્ટ્રી, પોર્ટ એન્ડ રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ફ્યુઅલનો નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. આ ઈ-મિથેનોલ પ્રોજેક્ટ વડાપ્રધાનશ્રીના વિઝનને મજબૂત બનાવે અને સાબિતી આપે છે કે, ઇકોનોમિક ગ્રોથ અને એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલીટી એકબીજાના વિરોધી નથી પણ એકબીજાના સહયોગી છે. વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ કોન્સેપ્ટમાં પણ પર્યાવરણની જવાબદારીને લોકોની રોજિંદી જીવનશૈલી અને સામૂહિક પ્રયાસો સાથે જોડી છે. કંડલા ખાતેનો પ્રોજેક્ટ મ મિશન લાઈફના વ્યાપક વિચાર સાથે સુસંગત છે. ક્લિન એનર્જી તરફ આગળ વધવું, સંસાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ ઊભું કરવાનો ભાવ પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો છે.

અંતમાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો કે, આપણે સૌ વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પમાં સહભાગી બનીએ. ક્લિન અને ગ્રીન એનર્જીના મહત્તમ ઉપયોગથી આપણે આવનારી પેઢી માટે એનર્જી સિક્યોરિટી પણ સુનિશ્ચિત કરીએ.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમાએ બંને રાજ્યોના ઔદ્યોગિક સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ઈ-મિથેનોલ પ્રોજેક્ટને દેશ માટે એક ખૂબ મહત્વપૂર્ણ અને મોટી ઉપલબ્ધિ છે. આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં વધુ વિસ્તરિત થશે અને દેશ વિદેશના જહાજો માટે જરૂરી ઈંધણ અને ઊર્જાને ગ્રીન મિથેનોલમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૧ના ગ્લાસગો COP26 સમિટના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનો ઉલ્લેખ કરતા આસામના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ભારતમાં અશ્મિભૂત ઈંધણનો વપરાશ ઘટાડીને ગ્રીન ઊર્જા તરફ વધવાનો નવો ઉત્સાહ શરૂ થયો છે. ગુજરાત સોલાર, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે. ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મજબૂત રીતે ઉભરી રહ્યું છે.
આસામના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને આસામના સાંસ્કૃતિક અને વેપારિક સંબંધોને યાદ કરતા કહ્યું કે, ભગવાન કૃષ્ણ અને માતા રૂક્મિણીના સમયથી જ બંને રાજ્યોનો સંબંધ મજબૂત છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર ભારતના સર્વાંગી વિકાસ અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ બદલ તેમણે ગુજરાતના સુપુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આભાર વ્યક્ત કર્યો હતો કે,
ગુજરાતના સુપુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લીધે આસામના વિકાસને નવી દિશા મળી છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં આસામના મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત થકી આસામને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની તક મળી રહી છે. દેશના વિકાસમાં કોઈ રાજ્ય કેવી રીતે સક્ષમતાથી યોગદાન આપી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજે ગુજરાત બન્યું છે. ગુજરાત મોડેલથી પ્રેરણા લઈને આસામ સરકાર અનેક પ્રોજેક્ટમાં તેનું અમલીકરણ કરી રહી છે.
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લાં ૧૨ વર્ષથી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વિઝન હેઠળ દેશની જનતાને એકજૂટ કરીને ભારતમાતાની સેવામાં સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે ભારત દુનિયાની એક મોટી અને શક્તિશાળી અર્થવ્યવસ્થા બની છે. ઈ-મિથેનોલ પ્લાન્ટથી અસમ અને ગુજરાત વચ્ચે એક મજબૂત સંબંધ સ્થપાશે અને ભારત સરકારની સંસ્થાઓ સાથે મળીને દેશના અર્થતંત્રને નવી દિશા આપશે. કચ્છ અને ગુજરાતના દરિયાઈ વેપારના ૫૦૦૦ વર્ષ જૂના ઈતિહાસનો ઉલ્લેખ કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રોજેક્ટના કાર્યાન્વિત થવાથી નવી પેઢી માટે રોજગારીના દ્વાર ખુલશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને દુનિયાનો સૌથી શક્તિશાળી અને વિકસિત દેશ બનાવવાના સંકલ્પને નવું બળ મળશે.
પોર્ટની ક્ષમતા અને વિઝન વિશે માહિતી આપતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી ચેરમેનશ્રી સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન ઊર્જાના વિઝનને સાકાર કરતો આ અવસર છે.
તેમણે ઈ-મિથેનોલ પ્રોજેક્ટ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, શિપિંગ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ શ્રી બિકુલ ડેકાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઈ-મિથેનોલ પ્લાન્ટ એ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરીને ભારતમાં જ જહાજોની ફ્યૂઅલના ઉત્પાદનની નવી દિશાઓ ખોલશે. હોર્મૂઝ જેવી કટોકટીની સ્થિતિમાં પણ ઘરેલું ગ્રીન ફ્યુઅલ ઉત્પાદન રાષ્ટ્રના વિકાસમાં મહત્વનો રોલ અદા કરશે. આસામ પેટ્રો કેમિકલ લિમિટેડનો ટેક્નિકલ અનુભવ અને ગુજરાતનું પોર્ટ ડેવલપમેન્ટનું માળખાનું સંયોજન દેશના વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવશે.
* ઈ-મિથેનોલ ૧૫૦ TPD ક્ષમતા અને રોજગાર સર્જનથી ગુજરાત સહિત કચ્છને મળશે નવી ઔદ્યોગિક દિશા*
અંદાજે ₹૨,૩૦૦ કરોડના મૂડીરોકાણ સાથે કંડલા ખાતે સ્થાપિત થનાર આ ૧૫૦ TPD (ટન પ્રતિ દિવસ) ક્ષમતાનો અદ્યતન ઈ-મિથેનોલ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ પુરવાર થશે. દૈનિક ૧૫૦ ટન સ્વચ્છ ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન દરિયાઈ શિપિંગ ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતાને ઘટાડામાં મદદરૂપ બનશે. ગ્રીન વિઝન સાથે આ ઔદ્યોગિક એકમના કાર્યાન્વિત થવાથી સમગ્ર ગુજરાત સહિત કચ્છની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ૩,૫૦૦થી વધુ રોજગારીની સુવર્ણ તકોનું સર્જન થશે. જેના લીધે સ્થાનિક યુવાનો, એન્જિનિયરો, ટેક્નિકલ વર્કફોર્સ ઉપરાંત લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ અને શ્રમિકો માટે આજીવિકાના યોગ્ય અવસરો ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ ભારત સરકારના ગ્રીન પોર્ટ્સ, ટકાઉ દરિયાઈ પરિવહન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ગાંધીધામ
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, મહાનગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય સર્વશ્રી અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી બી.ડી.ડવેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સહિત પદાધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, બંદર પ્રશાસનના અધિકારીશ્રીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
