Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી

Chief Editor August 23, 2026
23 sc5

*

વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર નિષ્ણાતોનું મંથન

**

અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની પ્રગતિને વૈશ્વિક નેતૃત્વ સુધી લઈ જવા ‘ઇનોવેશન, કોલેબોરેશન અને યુવા શક્તિ’ મહત્વપૂર્ણ : કેન્દ્રીય મંત્રી શ્રી

ગજેન્દ્રસિંહ શેખાવત
***

અંતરિક્ષ ટેક્નોલોજીનો અંતિમ હેતુ સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવવાનો હોવો જોઈએ : શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

***

ગુજરાતને સ્પેસ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક તકોનું કેન્દ્ર બનાવવાનો સંકલ્પ : વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી

અર્જુનભાઈ મોઢવાડિયા
**

અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે આજે તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘Towards
Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership’ થીમ આધારિત આ કાર્યક્રમનું
આયોજન ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તથા
અંતરિક્ષ ક્ષેત્રને લગતા પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા રાજ્યના વિજ્ઞાન અને

ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરિંગ ટુ ગ્લોબલ સ્પેસ લીડરશિપ
માત્ર રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે ભારતની ત્રણ મહત્વપૂર્ણ આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.
ઇનોવેશન નવા ભારતની શક્તિનો આધાર છે, કોલેબોરેશન ભારતીય વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક નેતૃત્વ ભારતની
આકાંક્ષા છે. આ ત્રણેયના કેન્દ્રમાં દેશની યુવા શક્તિ રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આજે અંતરિક્ષ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેક્નોલોજી, રોબોટિક્સ, એડવાન્સ્ડ મટિરિયલ્સ અને હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તનના
યુગમાંથી પસાર થઈ રહ્યું છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીઓ અલગ-અલગ નહીં રહે, પરંતુ તેમનું કન્વર્જન્સ માનવજીવન, વૈશ્વિક
અર્થવ્યવસ્થા અને ભૂરાજકીય પરિસ્થિતિને પ્રભાવિત કરશે. જે રાષ્ટ્ર આ ટેક્નોલોજીઓના સંકલનની ક્ષમતા વિકસાવશે તે ૨૧મી સદીમાં

ટેક્નોલોજીકલ અને આર્થિક નેતૃત્વ કરી શકશે.

શ્રી શેખાવતે જણાવ્યું હતું કે ભારતની અંતરિક્ષ યાત્રા સંસાધનોની સમૃદ્ધિથી નહીં પરંતુ સંકલ્પ, વૈજ્ઞાનિક આત્મવિશ્વાસ અને દૂરંદેશી
વિચારસરણીથી શરૂ થઈ હતી. ડૉ. વિક્રમ સારાભાઈ જેવા દ્રષ્ટા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ ટેક્નોલોજીને માત્ર પ્રતિષ્ઠાનો વિષય નહીં પરંતુ
સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવવાનું સાધન બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમની સફળતાનું
મૂલ્યાંકન માત્ર ઉપગ્રહો અને મિશનની સંખ્યાથી નહીં, પરંતુ ખેડૂતો, માછીમારો, આપત્તિ વ્યવસ્થાપન, હવામાન આગાહી, સંચાર, શિક્ષણ,

આરોગ્ય અને સુશાસન ક્ષેત્રે ટેક્નોલોજીએ લાવેલા પરિવર્તનથી થવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૦ના સ્પેસ સેક્ટર રિફોર્મ્સ ભારતના અંતરિક્ષ ક્ષેત્ર માટે ઐતિહાસિક વળાંક સાબિત થયા છે.
ખાનગી ક્ષેત્ર, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો માટે અંતરિક્ષ ક્ષેત્ર ખોલવાથી ISROની ભૂમિકા ઓછી થઈ નથી પરંતુ તેની ક્ષમતાને વધુ વ્યાપક
બનાવવાની તક મળી છે. આ પ્રક્રિયા સ્પેસ ઓપોર્ચ્યુનિટીઝના ડેમોક્રેટાઇઝેશન તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ખાનગી ક્ષેત્ર સેટેલાઇટ
મેન્યુફેક્ચરિંગ, લોન્ચ સર્વિસિસ, કોમ્પોનન્ટ્સ, ગ્રાઉન્ડ સપોર્ટ, સ્પેસ એપ્લિકેશન્સ અને ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી

કરી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતની સ્પેસ ઇકોનોમી હાલમાં આશરે ૮ અબજ ડોલરની છે અને આગામી દાયકામાં તેને ૪૪ અબજ
ડોલર સુધી લઈ જવાની વિશાળ સંભાવના છે. જોકે માત્ર આર્થિક કદ વધારવું પૂરતું નથી. ભારતમાં અદ્યતન ટેક્નોલોજીનું નિર્માણ, ઉચ્ચ
કૌશલ્ય આધારિત રોજગારનું સર્જન, બૌદ્ધિક સંપદાનું વ્યાપારીકરણ અને ભારતીય સમસ્યાઓના ટેક્નોલોજી આધારિત ઉકેલ

વિકસાવવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

શ્રી શેખાવતે અંતરિક્ષ ક્ષેત્રના ભાવિ પડકારો અંગે સ્પેસ ડેબ્રિસ, સાયબર સુરક્ષા, ડેટા સિક્યોરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના
જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઓર્બિટ સમગ્ર વિશ્વ માટે વહેંચાયેલું અને મર્યાદિત સંસાધન છે. વધતા
ઉપગ્રહોની સાથે સર્જાતા સ્પેસ ડેબ્રિસને ભવિષ્યમાં અવરોધ બનતા અટકાવવા ભારતે આગેવાની લેવી પડશે.

યુવાનોને આહ્વાન કરતાં શ્રી શેખાવતે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી પાસે ભારતને વિકસિત બનાવવાની અને વિકસિત ભારતમાં
રહેવાની બંને તક છે. વૈજ્ઞાનિકો, ટેક્નોલોજી નિષ્ણાતો, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને યુવાનો સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરે
તે જરૂરી છે. ડૉ. વિક્રમ સારાભાઈ જેવા દ્રષ્ટાઓએ નાખેલા મજબૂત પાયાના આધારે ભારતને વિકસિત અને વૈશ્વિક સ્પેસ લીડર

બનાવવાનું સૌભાગ્ય આજની પેઢીને મળ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત માટે વિરાસત પણ મહત્વપૂર્ણ છે અને વિકાસ પણ
મહત્વપૂર્ણ છે. અમદાવાદ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ વચ્ચેનો ઐતિહાસિક સંબંધ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ડૉ.
વિક્રમ સારાભાઈએ ભારતમાં અંતરિક્ષ કાર્યક્રમનો પાયો નાખ્યો હતો અને આજે ISRO તથા સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર જેવી સંસ્થાઓ

ભારતને અંતરિક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહી છે.

શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતે વિજ્ઞાન અને ટેક્નોલોજીને વિકાસના મુખ્ય ક્ષેત્ર તરીકે સ્વીકારીને સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ
અને ઉદ્યોગો માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરી છે. આજે યુવા પેઢી માત્ર નોકરી શોધનારી નહીં, પરંતુ નોકરી આપનારી અને પોતાના
વિચારોને સ્ટાર્ટઅપમાં પરિવર્તિત કરનારી બની રહી છે. ગુજરાતમાં સ્પેસ ટેક્નોલોજી આધારિત અનેક સ્ટાર્ટઅપ્સ નવી સંભાવનાઓ સાથે

આગળ આવી રહ્યા છે.

તેમણે ગુજરાતમાં સ્થાપિત થનારી કોમન ટેસ્ટિંગ ફેસિલિટી માટે ભારત સરકાર તથા IN-SPACeના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી
દેશભરના સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સને ગુજરાતમાં આવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.

શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેક્નોલોજી સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન અને
શ્રેષ્ઠતાના કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી તથા અદ્યતન BSL-4 ફેસિલિટી જેવી પહેલો

ગુજરાતને વૈશ્વિક સંશોધન અને નવીનતાના હબ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.

વિજ્ઞાનના લોકપ્રિયકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સાયન્સ ગેલેરીઓ તેમજ ૨૪ જિલ્લાઓમાં રિજનલ સાયન્સ સેન્ટર
અને જિલ્લા સાયન્સ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ તથા સામાન્ય જનતામાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આશરે ૧૦

લાખ લોકો સાયન્સ ટુરિઝમનો લાભ લઈ રહ્યા છે.

તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી માટે અમદાવાદની પસંદગી કરવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કરતાં શ્રી મોઢવાડિયાએ
જણાવ્યું હતું કે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાના આવા મહત્વપૂર્ણ કાર્યક્રમનું યજમાન બનવાની તક મળવી ગૌરવની બાબત છે. ગુજરાત સરકાર
અંતરિક્ષ વિજ્ઞાન, સ્પેસ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્રે નવી તકો ઊભી કરીને યુવાનોને વૈશ્વિક સ્તરે આગળ વધવા માટે

મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.

ભારતની અંતરિક્ષ યાત્રા વિશ્વની અગ્રણી અવકાશ શક્તિ બનવા તરફ :- ડૉ. વી. નારાયણન, ISROના અધ્યક્ષ તથા અવકાશ વિભાગના

સચિવ

ISROના અધ્યક્ષ તથા અવકાશ વિભાગના સચિવ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ચંદ્રયાન-૩ના ચંદ્રના
દક્ષિણ ધ્રુવ નજીક સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં રાષ્ટ્રીય
અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૬૨માં શરૂ થયેલી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની સફર આજે વિશ્વની અગ્રણી

અંતરિક્ષ શક્તિઓમાં સ્થાન મેળવવા સુધી પહોંચી છે.

તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૧ દ્વારા ચંદ્ર પર પાણીના અણુઓની શોધ, ચંદ્રયાન-૨ની અદ્યતન કેમેરા ટેક્નોલોજી અને ચંદ્રયાન-૩ની
સફળતા ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રતિબિંબ છે. અંતરિક્ષ ક્ષેત્રમાં થયેલા સુધારાઓ બાદ દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો

થયો છે અને આજે આશરે ૪૪૦ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત છે.

ડૉ. નારાયણને જણાવ્યું હતું કે ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિઓ પૂરતો સીમિત નથી પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં
અંતરિક્ષ ટેક્નોલોજીના લાભ પહોંચાડવાનો તેનો મુખ્ય હેતુ છે. ગગનયાન, ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫, મંગળ તથા શુક્ર ગ્રહના મિશન અને

વર્ષ ૨૦૩૫ સુધી ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના સહિતના મહત્વાકાંક્ષી લક્ષ્યો ભારતે નિર્ધારિત કર્યા છે.

આ પ્રસંગે IN-SPACeના ચેરમેન ડૉ. પવનકુમાર ગોએન્કાએ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની પ્રગતિ, વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકા
તથા ભવિષ્યમાં ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ISRO Robotics Challenge, ભારતીય અંતરિક્ષ હેકાથોન અને ડૉ. વિક્રમ

સારાભાઈ સ્પેસ ક્વિઝના વિજેતા ટીમોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કારકિર્દી માટે નવી પેઢીને તૈયાર કરવી, ભારતના નવા અંતરિક્ષ પરિતંત્રનો વ્યાપ વધારવો
તથા અંતરિક્ષ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગની નવી ક્ષિતિજો જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોની ચર્ચાઓ યોજાઈ હતી. શૈક્ષણિક અને
સંશોધન સંસ્થાઓ, ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ, નવીનતા, સંશોધન, ખાનગી ક્ષેત્રની ભાગીદારી તથા વૈશ્વિક સહયોગની
નવી તકોને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વ તરફ આગળ ધપાવવાના સંકલ્પને વધુ મજબૂત

બનાવતો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો.

આ પ્રસંગે SACના ડાયરેક્ટર ડૉ. વી. એન. રાવ, ડૉ. કાર્તિકેય સારાભાઈ સહિતના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ,

સ્ટાર્ટઅપ્સ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં હત્યા
Follow

Recent Posts

  • અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી
  • મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં હત્યા
  • ભારતીયનિવાસ BhartiyaNivas of Dallas, Texas
  • ફ્રિસ્કો કેમ્પસ ખાતે પ્લાનિંગ વર્કશોપ
  • અમેરિકામાં કાર દરિયામાં ખાબકતાં 19 વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું મોત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.