વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં ₹30,700 કરોડથી વધુની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યા
ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર રાષ્ટ્રને સમર્પિત, ચાર ફ્રેઈટ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને કર્યો શુભારંભ
ન્યૂ સાણંદ (નોર્થ) જંકશનથી ન્યૂ મકરપુરા માટે ફ્રેઈટ ટ્રેન સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં *₹*30,700 કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું. આ પ્રસંગે ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરને રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે સાથે ચાર ફ્રેઈટ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ટાંડા રોડ–વડોદરા (પ્રતાપનગર) ટ્રેન સેવા પણ સામેલ છે.
આ જ ક્રમમાં ન્યૂ સાણંદ (નોર્થ) જંકશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ન્યૂ સાણંદ (નોર્થ)થી ન્યૂ મકરપુરા માટે ફ્રેઈટ ટ્રેન સેવાનો લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યો. આ ઐતિહાસિક પ્રસંગે સાણંદ વિસ્તારના જનપ્રતિનિધિઓ, અમદાવાદ મંડળ તથા DFCCILના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને આ મહત્વપૂર્ણ સિદ્ધિના સાક્ષી બન્યા.
ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરથી દેશના પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરની છેલ્લી કડીઓ પણ જોડાઈ ગઈ છે અને આજે 2,800 કિલોમીટરથી વધુ લાંબી ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર પરિયોજના પૂર્ણ થઈ ગઈ છે. તેમણે આને 21મી સદીના ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું કે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર દેશના વેપાર અને કારોબારનો મુખ્ય આધાર બની રહ્યા છે.
વડાપ્રધાનજીએ કહ્યું કે ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર ઝડપથી વિકસતા ભારતની જીવનરેખા છે અને તેણે દેશના ટ્રાન્સપોર્ટેશન સેક્ટરનો કાયાપલટ કરી દીધો છે.
તેમણે જણાવ્યું કે પહેલા જે ટ્રેક પર પેસેન્જર ટ્રેનો ચાલતી હતી, તે જ ટ્રેક પર માલગાડીઓ પણ સંચાલિત થતી હતી. તેનાથી યાત્રી અને માલ પરિવહન બંને પ્રભાવિત થતા હતા. ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોરે આ વ્યવસ્થાને બદલી નાખી છે.
આજે પૂર્વીય અને પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર પર દરરોજ 430થી વધુ માલગાડીઓ ચાલી રહી છે. વડાપ્રધાનજીએ જણાવ્યું કે પહેલા માલગાડીને 100 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ સાડા છ કલાક લાગતા હતા, જ્યારે ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર મારફતે આ જ અંતર હવે અડધાથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.
તેમણે કહ્યું કે જે અંતર ટ્રકથી કાપવામાં સામાન્ય રીતે લગભગ 30 કલાક લાગે છે, તે જ અંતર ડેડિકેટેડ ફ્રેઈટ કૉરિડોર પર માલગાડી દ્વારા લગભગ 10થી 12 કલાકમાં પૂરું કરી શકાય છે. આનાથી બળતણની બચત, પરિવહન ખર્ચમાં ઘટાડો, સમયની બચત અને પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક લાભો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભારતીય રેલવેને આધુનિક અને આત્મનિર્ભર બનાવવા પર ભાર
આ પ્રસંગે માનનીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવેની ઓપરેટિંગ સિસ્ટમ, રિઝર્વેશન સિસ્ટમ, જૂના મેન્યુઅલ્સ તથા નિર્માણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે ભારતીય રેલવેની જરૂરિયાતોને અનુરૂપ નવી ડિઝાઇનના વેગન તૈયાર કરવામાં આવી રહ્યા છે. મીઠા જેવા વિવિધ પ્રકારના માલના પરિવહન માટે ખાસ ડિઝાઇનના વેગન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરે છે.
રેલવે મંત્રીએ કહ્યું કે ચેનાબ બ્રિજ, મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડવા સહિતની અનેક લાંબા સમયથી પડતર મહત્વપૂર્ણ પરિયોજનાઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. આનાથી દેશના દૂરના વિસ્તારોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળી રહી છે.
બુલેટ ટ્રેન પરિયોજનાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત
શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેનની રાહ પણ હવે ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સુરતથી વાપી સેક્શનનું નિર્માણ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની દિશામાં છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અનુરૂપ ભારતમાં જ બુલેટ ટ્રેનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં નિર્મિત થવા જઈ રહેલી બુલેટ ટ્રેનની પહેલી બોડી ફ્રેમ તૈયાર થઈને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે આગામી વર્ષે મે-જૂન સુધીમાં ભારતમાં નિર્મિત બુલેટ ટ્રેનને પરીક્ષણ માટે પાટા પર લાવવાનો લક્ષ્યાંક છે. પરીક્ષણ પછી આ મહત્વાકાંક્ષી પરિયોજના દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના યાત્રાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેનના સંચાલન પછી વડોદરાથી મુંબઈનું અંતર લગભગ દોઢ કલાકમાં કાપી શકાશે, જે ગુજરાતના નાગરિકો માટે ઝડપી, આધુનિક અને વિશ્વસ્તરીય પરિવહન સુવિધાનું નવું પ્રકરણ હશે.
2047ના વિકસિત ભારતનો મજબૂત પાયો નાખી રહ્યું છે આધુનિક રેલવે
શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવે આજે એ ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે, જેની પરિકલ્પના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે કરી છે.
તેમણે કહ્યું કે આધુનિક રેલવે માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ દેશની આર્થિક પ્રગતિ, વેપાર, ઉદ્યોગ, રોજગાર અને વિકાસની મજબૂત આધારશિલા છે. આજે થઈ રહેલા રોકાણ અને આધુનિકીકરણનો લાભ આવનારી અનેક પેઢીઓને મળશે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે નવા ભારત, ઉજ્જવળ ભારત અને 2047 સુધી વિકસિત ભારતના નિર્માણની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
આ ઐતિહાસિક પ્રસંગે શ્રી અશ્વિની વૈષ્ણવે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અભિનંદન કરતાં કહ્યું કે તેમના નેતૃત્વમાં દેશના રેલવે ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનો ભારતના ભવિષ્યને નવી ગતિ અને નવી દિશા આપી રહ્યા છે.
