Breaking News

2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
*
55.23%ના શાનદાર વધારા સાથે GMDC ટોચ પર, રાજ્ય સરકારની માલિકીની અન્ય ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી

*

*
ગાંધીનગર, 30 જૂન: ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આ કંપનીઓ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (28 માર્ચથી 30 જૂન સુધી) BSE સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોના રિટર્નને વટાવી ગઈ છે. આ નોંધપાત્ર સિદ્ધિ આ કંપનીઓની મજબૂત નાણાંકીય સ્થિતિ અને વ્યૂહાત્મક સંચાલન દર્શાવે છે, જે એક અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત બનાવે છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારની માલિકીની કંપનીઓનું બજારમાં મજબૂત પ્રદર્શન રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ છે.

શેરબજારના તાજેતરના ડેટા અનુસાર, ભારતીય શેરબજાર- BSE અને NSE પર લિસ્ટેડ ગુજરાતની કંપનીઓએ નોંધપાત્ર ઉછાળો નોંધાવીને એકંદર માર્કેટ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. સોમવારે BSE સેન્સેક્સ 8.00% વધીને 83,606.46 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 8.49% વધીને 25,517.05 પર બંધ થયો હતો. તેનાથી વિપરીત, ગુજરાત સરકારની માલિકીની ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિની ટકાવારી નોંધાવી હતી. આ વૃદ્ધિ બજારમાં તેમનું મજબૂત સ્થાન અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

આ યાદીમાં સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) છે, જેણે 55.23%નો જબરદસ્ત વધારો નોંધાવ્યો, અને તેના શેરનો ભાવ ₹265.35 થી વધીને ₹411.90 થયો. ત્યારબાદ બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) એ 21.31%નો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ ₹180.20 થી વધીને ₹218.60 થયો છે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) એ 15.31% નો વધારો નોંધાવ્યો, જેના શેરનો ભાવ ₹177.30 થી વધીને ₹204.45 થયો, જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં 14.30% નો વધારો જોવા મળ્યો, જે ₹412.60 થી વધીને ₹471.60 થયો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ પણ અનુક્રમે 12.29% અને 11.60% નો વધારો નોંધાવીને સારું પ્રદર્શન કર્યું છે.

આ શાનદાર કામગીરી ગુજરાતના સરકારી માલિકીના સાહસોના વ્યૂહાત્મક વિઝન અને કાર્યકારી કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્પર્ધાત્મક બજારના માહોલમાં પણ સતત વિકાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારે હંમેશાં ટકાઉ વિકાસ, નવીનીકરણ અને રોકાણકારોના વિશ્વાસને મહત્વ આપ્યું છે, જેના કારણે આ કંપનીઓ બેન્ચમાર્ક સૂચકાંકોને પાર કરીને અસાધારણ રિટર્ન ડિલિવર કરવા માટે પ્રેરિત થઈ છે. આ કંપનીઓ નવીનીકરણ અને વિકાસની દિશામાં સતત આગળ વધી રહી છે, જેના કારણે રોકાણકારો અને હિતધારકો ટકાઉ વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post