ગોકુલધામમાં પાવન પુરુષોત્તમ મહિનાની અનોખા મનોરથો સાથે ભવ્ય ઉજવણી
* વ્રજ કમળ મનોરથ, યમુના પુલીન પર મચકીના હિંડોળા, સાવન-ભાદો, આમ મનોરથ, નંદ મહોત્ત્સવ, ગિરિકંદરામાં છાક લીલા મનોરથના દર્શન માટે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં પવિત્ર-પાવન એવા પુરુષોત્તમ (અધિક માસ) મહિનાની અનોખા મનોરથો સાથે ભવ્ય રીતે ઉજવણી કરાઇ હતી. અધિક મહિનામાં રોજેરોજ અવનવાં મનોરથોનું આયોજન કરાયું હોઇ સમગ્ર મહિનાના દરમિયાન હજારો વૈષ્ણવોએ દર્શનનો લ્હાવો લીધો હતો. ગોકુલધામની સ્થાપના થયા બાદ આ વર્ષે ચોથા અધિક માસની અભૂતપૂર્વ રીતે ઉજવણી થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ અનોખી ઉજવણીને નિહાળી આનંદવિભોર બન્યા હતા.

વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પિઠાધીશ્વર પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં આ વર્ષે પતિત પાવન અધિક મહિનાની ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તા.15 મે થી તા.17 જૂન સુધીના અધિક મહિના દરમિયાન રોજેરોજ અવનવાં મનોરથો યોજાયા હતા.
ગોકુલધામ હવેલીનો પ્રારંભ વર્ષ 2017 માં થયા બાદ અત્યાર સુધીમાં વર્ષ 2018, 2020, 2023 અને ચાલુ વર્ષ 2026 માં અધિક મહિનાનો યોગ આવ્યો હતો. અગાઉના 3 અઘિક માસની સરખામણીમાં 2026 ના અધિક માસને ભવ્ય રીતે ઉજવણી માટેની તૈયારીઓ મહિનાઓથી શરૂ કરાઇ હતી. જેના પરિણામ સ્વરૂપ આ વર્ષના અધિક માસમાં પહેલી વખત અનેક નવાં મનોરથોનું આયોજન થઇ શક્યું હતું. અધિક મહિનાની ઉજવણીને સફળ બનાવવા ગોકુલધામ ટ્રસ્ટી મંડળ, ગોકુલધામ ગર્વર્નિંગ ટીમ, ગોકુલધામ સજાવટ ટીમ, ગોકુલધામ કીચન ટીમ અને ગોકુલધામ વોલેન્ટિયર્સ ટીમની અથાગ મહેનત રંગ લાવી હતી.
અધિક જેઠ માસ દરમિયાન વ્રજ કમળ મનોરથ, યમુના પુલીન પર મચકીના હિંડોળા, સાવન-ભાદો, આમ મનોરથ, નંદ મહોત્ત્સવ, ગિરિકંદરામાં છાક લીલા મનોરથ, સુકા મેવાની મંડળી અને કાચનો બંગલો સહિત અનેક અનોખા મનોરથ યોજાયા હતા. જેના દર્શન માટે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતાં ગોકુલધામ પરિસર હકડેઠઠ ભીડથી ઊભરાતું હોવાના દ્રશ્યો જોવા મળતાં હતા.

ગોકુલધામમાં આયોજિત અધિક માસની ઉજવણીને સફળ બનાવવા સમગ્ર મહિનાના મનોરથી તરીકે શાહ શકુબહેન અને પ્રકાશભાઇ, શાહ ઉલ્કાબહેન અને હર્ષદભાઇ, સ્વ.ડૉ.મૃદુલાબહેન અને ડૉ. મુકુંદભાઇ રાજા, સ્વ.વિપિનચંદ્ર અને મનોરમાબહેન મજમુદાર અને વૈષ્ણવ ફેમિલી-લિલર્બન દ્વારા સેવા આપવામાં આવી હતી.
ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા સહિત ગર્વંનિંગ ટીમના સભ્યો ટ્રેઝરર કિન્તુ શાહ, જીગર શાહ, હેતલ શાહ, સમીર શાહ,અલકેશ શાહ, વૈભવ શાહ, ગિરિશ શાહ, પરિમલ પટેલ, પિયૂષ પટેલ, આકાશ પટેલ, હર્ષ મહેતા, જીતેશ સંપત, શાલિન શાહ, સન્ની પટેલ, હિરેન પટેલ, કેતુલ ઠાકર, હિતેશ પંડિત, અચલ દલાલ સહિત વોલેન્ટિયર્સ ટીમે સમગ્ર અધિક મહિનાની ઉજવણીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(બોક્સ)
આખો અધિક મહિનો રોજેરોજ વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ (હેડિંગ)
ગોકુલધામ હવેલી-એટલાન્ટા, ખાતે અધિક મહિનાની ભવ્ય રીતે ઉજવણી કરાઇ હતી. એટલું જ નહિ આખો અધિક મહિનો રોજેરોજ વૈષ્ણવો માટે બપોરે અને સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. મહાપ્રસાદની સેવાને સફળ બનાવવા માટે અનેક વૈષ્ણવ દાતાઓએ મહાપ્રસાદ મનોરથી તરીકેનો લ્હાવો લીધો હતો. મહાપ્રસાદ સેવાને સફળ બનાવવા કિચન ટીમના પિયૂષ પટેલ, ગિરિશ શાહ, હર્ષ મહેતા, રાજેશ દેસાઇ, કિરીટ શાહ, રજનીભાઇ શેઠ, મનુભાઇ પટેલ, કામીનીબહેન ટેલર, ગૌરાંગ પટેલ સહિત અનેક વોલેન્ટિયર્સે ઉત્કૃષ્ઠ સેવા નિભાવી હતી.
