મહારાષ્ટ્રના રાજકારણમાં (Politics) ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી તેમજ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બળવો જોઈને વરિષ્ઠ નેતા શરદ પવાર એલર્ટ મોડ (Alert mode) પર આવી ગયા છે.
એવી માહિતી મળી રહી છે કે શિવસેના (UBT) ના 6 કે 7 સાંસદો (MPs) ટૂંક સમયમાં જ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આ બદલાતા રાજકીય ઘટનાક્રમો વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે રાકંપા (NCP SP) એ આગામી 1થી 2 દિવસમાં પોતાના સાંસદોની તાકીદની બેઠક બોલાવી હોવાની ચર્ચા છે, જોકે આ અંગે હજુ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.
વર્ષ 2024 માં યોજાયેલી લોકસભા (Lok Sabha) ચૂંટણીમાં શરદ પવારની એનસીપી (NCP) એ 9 બેઠકો પોતાના નામે કરી હતી. જોકે, ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) તેમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને માત્ર 10 ધારાસભ્યો જ ચૂંટાયા હતા.
તેની સરખામણીએ અજિત પવારની પાર્ટીના 41 ઉમેદવારોએ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023 માં અજિત પવારની આગેવાનીમાં એનસીપીમાં મોટું ભંગાણ પડ્યું હતું અને તેમને ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાળ’ મળ્યું હતું,
જ્યારે શરદ પવારની પાર્ટીનું નવું ચિહ્ન ‘તુતારી’ રાખવામાં આવ્યું હતું. હાલમાં જ અજિત પવારના નિધન બાદ બંને જૂથો એક થવાની અટકળો પર વિરામ મુકાઈ ગયો છે.
બીજી તરફ, શરદ પવારની પાર્ટીના કોંગ્રેસ (Congress) માં વિલય થવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ન તો કોંગ્રેસ તરફથી કે ન તો અમારી તરફથી આવો કોઈ પ્રસ્તાવ (Proposal) મૂકવામાં આવ્યો છે.
પક્ષના વરિષ્ઠ નેતાઓ જયંત પાટીલ અને શશિકાંત શિંદેને પણ આવા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી. મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ જોતાં શરદ પવાર પોતાના બાકી રહેલા સાંસદોને એકજૂથ રાખવા માટે સતત વ્યૂહરચના ઘડી રહ્યા છે.
