અમેરિકામાં ઓર્ગેનાઇઝ્ડ સ્કેમ નેટવર્ક (Organised Scam Network) વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે.
જેન્ટ્રી પોલીસ ડિપાર્ટમેન્ટે (Gentry Police Department) એન્ટી-સ્કેમ ઓર્ગેનાઇઝેશન (Anti-scam Organisation) ‘ટ્રિલોજી મીડિયા’ (Trilogy Media) અને સ્વતંત્ર સ્કેમ ઇન્વેસ્ટિગેટર્સ (Scam Investigators) ચેપી ગ્રે અને બુલરેક્સિન સાથે મળીને એક મોટું અંડરકવર સ્ટિંગ ઓપરેશન (Undercover Sting Operation) પાર પાડ્યું છે.
આ ઓપરેશન દરમિયાન સ્કેમર્સના નેટવર્ક માટે કામ કરતા બે કથિત કેશ કલેક્ટર્સ (Cash Collectors) પ્રશાંત ગજેરા (Prashant Gajera) અને ધારાબેન બાવડીયા (Dharaben Bavadiyya) ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
ટ્રિલોજી મીડિયાના જણાવ્યા અનુસાર, સ્કેમર્સે એક માસૂમ વ્યક્તિને છેતરીને તેની પાસેથી મોટી રકમ પડાવવા માટે એક ઇન-પર્સન કુરિયર મોકલવાની તૈયારી કરી હતી.
જોકે, ઇન્વેસ્ટિગેટર્સને આ બાબતની અગાઉથી જાણ થઈ જતાં, તેઓએ સ્થાનિક પોલીસ સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો. જ્યારે આ બંને શંકાસ્પદ આરોપીઓ ભોગ બનનાર વ્યક્તિ પાસેથી કેશ કલેક્ટ કરવા નિર્ધારિત જગ્યાએ પહોંચ્યા, ત્યારે ત્યાં પહેલેથી જ ગોઠવાયેલા પોલીસ અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા.
ટ્રિલોજી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા બોડી-કેમેરા ફૂટેજ અને વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે જ પ્રશાંત ગજેરા અને ધારાબેન બાવડીયાની અટકાયત કરે છે.
ત્યારબાદ તેમની પૂછપરછ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. ટ્રિલોજી મીડિયાએ આ સમગ્ર ઓપરેશન પર એક ડોક્યુમેન્ટ્રી સિરીઝ પણ બનાવી છે, જેમાં બંને આરોપીઓના પોલીસ ઇન્ટરવ્યુ રેકોર્ડિંગ પણ સામેલ છે.
આજકાલ ઓર્ગેનાઇઝ્ડ સ્કેમ ગેંગ વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરવા માટે ટેક-સપોર્ટ, ગવર્મેન્ટ ઇમ્પર્સનેશન (Government Impersonation) અને બેંક ફ્રોડ (Bank Fraud) જેવા સ્કેમ આચરે છે.
ઇન્વેસ્ટિગેટર્સે જણાવ્યું કે, વિદેશમાં બેઠેલા ઓપરેટર્સ હવે પીડિતો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવવાને બદલે સ્થાનિક સ્તરે આવા કુરિયર્સ એટલે કે ‘કેશ મ્યુલ્સ’ (Cash Mules) નો ઉપયોગ કરે છે, જેથી પોલીસ પકડથી બચી શકાય.
જેન્ટ્રી પોલીસે હજુ સુધી આ ધરપકડ અંગે કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપ્યું નથી અને પ્રશાંત ગજેરા અને ધારાબેન બાવડીયા સામેના ચોક્કસ ચાર્જીસની વિગતો પણ કોર્ટ રેકોર્ડમાં ઉપલબ્ધ થવાની બાકી છે.
જોકે, ઓનલાઇન સામે આવેલા બુકિંગ ફોટોગ્રાફ્સથી તેમની ધરપકડ કન્ફર્મ થઈ છે. આ કેસની કાનૂની કાર્યવાહી આગળ વધવાની સાથે વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.
