Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ રહેલી કથિત હેરાનગતિ અને પીછો કર્યા બાદ 38 વર્ષીય ભારતીય મૂળની મહિલા શાલિની ઠાકુર (Shalini Thakur) ની શોપિંગ સેન્ટરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ઘટનાના થોડા જ સમય બાદ, 22 વર્ષીય આરોપી રોહિત પણ પોતાની કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તેણે પોતે જ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ અને તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ઘટના હાવ એવન્યુ પાસે આવેલા પાનેરા શોપિંગ સેન્ટર નજીક બપોરે લગભગ 3:00 વાગ્યે બની હતી.
શાલિની ઠાકુર જ્યારે શોપિંગ સેન્ટરમાં પોતાની પાર્ક કરેલી કાર પાસે પહોંચી ત્યારે આરોપી રોહિત પહેલેથી જ ત્યાં હાજર હતો. તેણે શાલિનીનો સામનો કર્યો અને તેની સાથે વિવાદ શરૂ કર્યો હતો.
જ્યારે શાલિનીએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે રોહિતે તેનો પીછો કર્યો અને તેના પર એકથી વધુ ગોળીઓ ચલાવી દીધી હતી.
શાલિની જમીન પર પડી ગયા બાદ પણ આરોપીએ તેની નજીક જઈને માથાના ભાગે નજીકથી ગોળી મારી હતી. શાલિનીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
લાઈસન્સ પ્લેટ કેમેરાથી આરોપીનું લોકેશન મળ્યું ઘટના બાદ પ્રત્યક્ષદર્શીઓએ શંકાસ્પદ કારની માહિતી પૂરી પાડી હતી. પોલીસે તાત્કાલિક FLOCK લાઈસન્સ પ્લેટ કેમેરા સિસ્ટમ દ્વારા વાહનને ટ્રેસ કર્યું અને હાઇવે 50 પાસે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરે અચાનક બ્રેક મારીને વાહન રોકી દીધું હતું. લાંબા સમય સુધી કારમાંથી બહાર ન આવતાં જ્યારે ડેપ્યુટીઓએ તપાસ કરી તો રોહિત કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મહિનાઓથી ચાલતી હતી હેરાનગતિ તપાસમાં સામે આવ્યું છે કે જાન્યુઆરી 2026 થી રોહિત દ્વારા શાલિનીનો પીછો કરવામાં આવી રહ્યો હતો. એક ઘટનામાં તેણે શાલિનીની કારના ટાયરમાંથી હવા કાઢી નાખી હતી જેથી મદદ કરવાના બહાને તે તેની નજીક આવી શકે. એટલું જ નહીં, તેણે શાલિનીના એપાર્ટમેન્ટની ચાવી મેળવીને તે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસણખોરી પણ કરી હતી.
પોલીસની સલાહ બાદ મે મહિનામાં શાલિનીએ તેની સામે પ્રોટેક્શન ઓર્ડર મેળવ્યો હતો. જોકે, જુલાઈમાં પણ રોહિતે તેના ઘરના દરવાજે વસ્તુઓ મૂકીને નિયમનો ભંગ કર્યો હતો.
સમુદાયમાં શોકની કાળી ડિબંગ શાલિની ઠાકુરના અચાનક અવસાનથી પરિવાર, મિત્રો અને સ્થાનિક ભારતીય-અમેરિકન સમુદાય (Indian-American Community) માં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેના પરિવારને અંતિમ સંસ્કાર અને આર્થિક મદદ માટે ગોફંડમી (GoFundMe) પર ક્રાઉડફંડિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. સાક્રામેન્ટો શેરિફ ઓફિસ હાલ આ કેસની વધુ તપાસ ચલાવી રહી છે.
આરોપી ગેરકાયદેસર નિવાસી હતો
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે શાલિનીનો પીછો કરીને તેની હત્યા કરનાર અને બાદમાં આત્મહત્યા કરનાર ૨૨ વર્ષીય આરોપી રોહિત રોહિત (Rohit Rohit) ભારતનો નાગરિક હતો અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હતો.
ગેરકાયદેસર પ્રવેશ અને બોર્ડર પેટ્રોલે કરી હતી ધરપકડ
DHS ની માહિતી અનુસાર, આરોપી રોહિત ડિસેમ્બર 2023માં એરિઝોના (Arizona) બોર્ડર મારફતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે દાખલ થયો હતો. તે સમયે યુ.એસ. બોર્ડર પેટ્રોલ (U.S. Border Patrol) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. જોકે, પાછળથી તેને ડિપોર્ટેશન પ્રોસિડિંગ્સ (Deportation Proceedings) અર્થાત દેશનિકાલની પ્રક્રિયા હેઠળ નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી તે કેલિફોર્નિયા પહોંચ્યો હતો અને શાલિની ઠાકુરનો પીછો કરવા લાગ્યો હતો.
