
Mumbai: મુંબઈની બોરીવલી કોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો કાનૂની કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પોતાના બીજા પતિની જુબાનીના કારણે પહેલા પતિ સામેનો ૧૭ વર્ષ જૂનો ભરણપોષણનો (Maintenance) કેસ હારી ગઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો મહિલાએ બીજા લગ્ન કરી લીધા હોય, તો તે તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જ્યારે મહિલાએ તેના પહેલા પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ હતો કે તેના પતિએ તેને વર્ષો સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે અને અંતે ઘરની બહાર કાઢી મૂકી છે. આ આધારે મહિલાએ પોતાના ગુજરાન માટે ભરણપોષણની માંગ કરી હતી.
શરૂઆતમાં કોર્ટે મહિલાની તરફેણમાં વચગાળાનો આદેશ આપતા પતિને દર મહિને રૂ. 3,200 ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ કેસના અંતિમ ચુકાદા સુધી અમલી રહેવાનો હતો.
બીજા પતિની એન્ટ્રી અને કેસમાં વળાંક
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ટ્રાયલ દરમિયાન મહિલાના બીજા પતિએ કોર્ટમાં હાજર થઈને જુબાની આપી. બીજા પતિએ સ્વીકાર્યું કે તેણે આ મહિલા સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા છે. આ જુબાની આવતા જ બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે જો મહિલા પહેલેથી જ પુનઃલગ્ન કરી ચૂકી છે અને સુખી દામ્પત્ય જીવન જીવી રહી છે, તો તે કાયદાકીય રીતે તેના પહેલા પતિ પાસેથી કોઈ પણ પ્રકારના ભરણપોષણની માંગ કરી શકે નહીં.
કોર્ટનો મહત્વનો ચુકાદો
બોરીવલી કોર્ટે બચાવ પક્ષની દલીલો અને બીજા પતિના નિવેદનને ગ્રાહ્ય રાખતા ઠેરવ્યું કે, જ્યારે હાલના પતિએ લગ્નની પુષ્ટિ કરી દીધી છે, ત્યારે મહિલા ભરણપોષણની હકદાર રહેતી નથી. આ સાથે જ 17 વર્ષથી ચાલી આવતા આ કાનૂની જંગનો અંત આવ્યો છે અને કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી છે.
