Artemis II મિશન એ છેલ્લા 50 વર્ષોમાં ચંદ્ર પર માનવીની પ્રથમ યાત્રા છે, જે વિજ્ઞાન જગત માટે ખૂબ મોટું પગલું છે. NASA એ આ મિશન પાછળ અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. 1 April, 2026 ના રોજ આ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ચાર અવકાશયાત્રીઓ (Astronauts) ચંદ્રની આસપાસ 10 દિવસની મુસાફરી પર નીકળ્યા છે. જોકે, લોન્ચિંગના ગણતરીના કલાકોમાં જ અવકાશયાત્રીઓને એક અણધાર્યા આંચકાનો સામનો કરવો પડ્યો હતો.
અવકાશયાનમાં કોઈ ખામી નહોતી, પરંતુ જ્યારે એસ્ટ્રોનોટ્સે Microsoft ના ઇમેઇલ પ્લેટફોર્મ Outlook નો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ લાચાર બની ગયા હતા. પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, મિશન કમાન્ડર રીડ વાઈઝમેન (Reid Wiseman) એ જાણ કરી કે તેમના પર્સનલ કોમ્પ્યુટિંગ ડિવાઈસ (PCDs) પર આઉટલુક કામ કરી રહ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઈસ Microsoft Surface Pro હતું. વાઈઝમેને હ્યુસ્ટન (Houston) સ્થિત મિશન કંટ્રોલને રેડિયો દ્વારા સંદેશ મોકલ્યો હતો કે, “મારી પાસે બે આઉટલુક છે અને તેમાંથી એક પણ કામ નથી કરી રહ્યા, કૃપા કરીને રિમોટ એક્સેસ (Remote Access) થી તેને ચેક કરો.”
નાસા (NASA) ની ટેકનિકલ ટીમે પૃથ્વી પરથી જ ડિવાઈસને રિમોટલી એક્સેસ કરીને આ સમસ્યા ઉકેલી દીધી હતી. જોકે, અવકાશમાં ઇમેઇલની તાત્કાલિક જરૂરિયાત કેમ પડી તે સ્પષ્ટ થયું નથી. આ ઘટના બાદ ઇન્ટરનેટ પર રમુજી પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “માઈક્રોસોફ્ટના પ્રોડક્ટ્સ એટલા ખરાબ છે કે અંતરિક્ષમાં પણ પીછો નથી છોડતા.” અન્ય એક યુઝરે રમૂજમાં કહ્યું કે, “ચંદ્ર પર ઇમેઇલ મોકલવા માટે સ્પેસસૂટ પહેરેલા કબૂતરો વધુ વિશ્વસનીય સાબિત થયા હોત!”
આ ટેકનિકલ ખામી ઉપરાંત, આર્ટેમિસ II મિશનમાં ટોયલેટ ફેન (Toilet Fan) જામ થવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેને ગ્રાઉન્ડ ટીમની સૂચના મુજબ ઠીક કરવામાં આવી હતી. આ મિશનમાં રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેનસેન સામેલ છે. આ મિશન ભવિષ્યમાં ચંદ્ર પર થનારા હ્યુમન લેન્ડિંગ (Human Landing) માટે પાયાનું કામ કરશે.
